એકસરખા દેખાતા ટોફૂ, પનીર અને એનાલોગ પનીર વચ્ચે શું છે તફાવત? જાણો આરોગ્ય માટે કયું છે ઉત્તમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tofu vs Real Paneer vs Analogue Paneer: પનીર શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન સ્ત્રોત છે. સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો પોતાની દૈનિક ડાયટમાં પનીર અને તેનાથી બનતી વાનગીઓનો સમાવેશ કરતા હોય છે. હાલ બજારમાં પનીરની વિવિધ જાતો જોવા મળે છે. ટોફૂ, પનીર અને એનાલોગ પનીર પહેલી નજરે જોતાં એકસરખા દેખાય છે, પરંતુ ખરેખર તે એકબીજાથી તદ્દન અલગ છે અને તેને બનાવવાની રીત પણ જુદી છે. જો તમે હેલ્ધી ડાયટ ફોલો કરો છો, વજન ઘટાડવા માંગો છો કે હૃદયનું ધ્યાન રાખવા માંગો છો, તો આ ત્રણેય વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે.
ટોફૂ શું છે અને તેના ફાયદા
ટોફૂ સોયા મિલ્કમાંથી બનાવવામાં આવે છે. સોયાબીનના દૂધને પ્રોસેસ કરીને ટોફૂ તૈયાર કરવામાં આવતું હોવાથી તેને 'સોયા પનીર' પણ કહેવામાં આવે છે. ભાવની દૃષ્ટિએ તે સામાન્ય પનીર કરતાં થોડું મોંઘું હોય છે. ટોફૂ પ્રોટીનનો બહુ સારો સ્ત્રોત છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ ખૂબ ઓછું હોય છે અને કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું નથી. જો તમે વજન ઘટાડવા કે મસલ્સ બનાવવા માંગતા હોવ તો ટોફૂ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
સામાન્ય પનીર અને તેના સ્વાસ્થ્ય લાભો
સામાન્ય પનીર દૂધને ફાડીને બનાવવામાં આવે છે. તે ભારતીય ભોજનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને પ્રોટીન તથા કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જો શુદ્ધ દૂધમાંથી પનીર બનાવવામાં આવે તો તેમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો મળે છે. દૈનિક આહારમાં યોગ્ય પ્રમાણમાં પનીરનો સમાવેશ કરવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે.
શું છે એનાલોગ પનીર?
એનાલોગ પનીર કુદરતી કે અસલી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તેને બનાવવામાં વનસ્પતિ તેલ (પાામ તેલ કે અન્ય તેલ), મિલ્ક પાવડર, સ્ટાર્ચ, પ્રોટીન અને ફૂડ એડિટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને પ્રોસેસ્ડ ફૂડમાં ખર્ચો ઘટાડવા માટે મોટા પાયે આ કૃત્રિમ કે મિલાવટી પનીરનો ઉપયોગ થાય છે. તેનો સ્વાદ અને બનાવટ અસલી પનીર જેવો જ લાગે છે, પરંતુ તે શરીરને કોઈ પોષણ આપતું નથી.
કયો વિકલ્પ સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય?
આરોગ્ય નિષ્ણાતોના મતે એનાલોગ પનીર ખાવાથી બચવું જોઈએ, કારણ કે તે સસ્તું હોવા છતાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, ટોફૂ અને પનીર બંને હેલ્ધી વિકલ્પો છે. તમે તમારી જરૂરિયાત મુજબ આ બંનેમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકો છો.
(Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતીના હેતુથી લખવામાં આવ્યા છે. આરોગ્ય સંબંધિત કોઈ પણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી.)









