Lifestyle & Fashion

બજારમાંથી લાવેલી કોથમીર અઠવાડિયા સુધી રહેશે લીલીછમ, સ્ટોર કરવાની સાચી રીત જાણો

By GS Team
23 Nov 20263 mins read
TukuTouch Logo
રસોઈમાં વપરાતી કોથમરીને લાંબા સમય સુધી તાજી રાખવા માટેની સરળ ટીપ્સ સામે આવી છે. બજારમાંથી લાવેલી કોથમરી એક-બે દિવસમાં પીળી પડી જતી કે સડી જતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તેને પેપર ટૉવેલમાં વીંટાળી એરટાઈટ ડબ્બામાં ફ્રિજમાં રાખવાથી, અથવા પાણી ભરેલા ગ્લાસમાં મૂકીને ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજી રહે છે. ધોયા પછી તેને બરાબર સુકવવી જરૂરી છે. ફ્રીઝરમાં સમારીને સ્ટોર પણ કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારમાંથી લાવેલી કોથમીર અઠવાડિયા સુધી રહેશે લીલીછમ, સ્ટોર કરવાની સાચી રીત જાણો
IMAGE - ENVATO

Coriander Storage Tips: રસોઈનો સ્વાદ વધારવા માટે કોથમરીનો વ્યાપક ઉપયોગ થાય છે. દાળ, શાક, ચટણી કે રાયતામાં ઉપરથી નાખવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે બજારમાંથી તાજી કોથમરી લાવ્યાના એકાદ-બે દિવસમાં જ તેના પાન પીળા પડવા લાગે છે અથવા સડીને ખરાબ થઈ જાય છે, જેના કારણે ઘણીવાર આખો જુડો ફેંકી દેવો પડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ મોંઘી વસ્તુ વગર, સાચી રીતે સ્ટોર કરીને તમે કોથમરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો.

પેપર ટૉવેલમાં વીંટાળીને રાખો

કોથમરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની આ એક સરળ રીત છે. સૌપ્રથમ કોથમરીમાંથી ખરાબ અને પીળા પડી ગયેલા પાન અલગ કરી લો. ત્યારબાદ તેને બરાબર સુકવી લો અને એક સ્વચ્છ પેપર ટૉવેલમાં હળવા હાથે વીંટાળી દો. આ પછી તેને એરટાઈટ ડબ્બા અથવા ઝિપ લૉક બેગમાં મૂકીને ફ્રિજમાં સ્ટોર કરો. પેપર ટૉવેલ વધારાનો ભેજ શોષી લે છે, જેનાથી પાન જલ્દી ખરાબ થતા નથી.

એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરવાની રીત

ફ્રિજમાં કોથમરીને ખુલ્લી રાખવાથી તેના પાન જલ્દી કરમાઈ શકે છે, તેથી તેને એરટાઈટ ડબ્બામાં રાખવું વધુ સારું રહે છે. આ માટે સૌથી પહેલા ખરાબ પાન દૂર કરો. ત્યારબાદ ડબ્બાના તળિયે એક સૂકો પેપર ટૉવેલ પાથરો અને તેની ઉપર કોથમરી મૂકો. ઉપરથી પણ બીજો પેપર ટૉવેલ મૂકીને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દો. આ ડબ્બાને ફ્રિજના વેજિટેબલ સેક્શનમાં રાખો અને સમયાંતરે તપાસતા રહો કે કોઈ પાન ખરાબ થાય તો તેને તરત કાઢી લો.

પાણી ભરેલા ગ્લાસમાં રાખો ધાણા

જો તમે ઈચ્છતા હો કે કોથમરીના પાન લાંબા સમય સુધી એકદમ તાજા દેખાય, તો પાણીવાળી રીત અપનાવી શકાય. આ માટે કોથમરીના મૂળ કે દાંડીનો નીચેનો ભાગ થોડો કાપી લો. હવે એક ગ્લાસમાં થોડું પાણી ભરો અને તેમાં ધાણાની દાંડીઓને ઊભી રાખો. ધ્યાન રાખો કે પાણીમાં માત્ર દાંડીનો નીચેનો ભાગ જ ડૂબેલો હોવો જોઈએ, પાન પાણીમાં ન આવવા જોઈએ. આ ગ્લાસને ફ્રિજમાં મૂકો અને દર એકાદ-બે દિવસે પાણી બદલતા રહો તેમજ ગ્લાસ સાફ રાખો.

ધોયા બાદ બરાબર સુકવવા જરૂરી

ઘણા લોકો બજારથી કોથમરી લાવ્યા બાદ તરત જ ધોઈને ફ્રિજમાં મૂકી દે છે, પરંતુ પાન પર પાણી ચોંટેલું રહે તો ભેજ વધી જાય છે અને તે જલ્દી બગડી જાય છે. તેથી કોથમરી ધોયા બાદ થોડીવાર ચારણીમાં રહેવા દો અને પછી સુતરાઉ કપડા કે પેપર ટૉવેલથી પાણી બરાબર સુકવી લો. પાન સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારબાદ જ ફ્રિજમાં સ્ટોર કરો.

ફ્રીઝરમાં કેવી રીતે કરશો સ્ટોર?

જો તમે વધુ પ્રમાણમાં કોથમરી ખરીદી લીધી હોય અને રોજ તેનો ઉપયોગ ન થતો હોય, તો તમે તેને ફ્રીઝરમાં પણ સાચવી શકો છો. આ માટે કોથમરીને સરસ રીતે ધોઈને એકદમ સુકવી લો. ત્યારબાદ તેના પાન ઝીણા સમારી લો અને થોડા-થોડા ભાગમાં આઈસ ક્યુબ ટ્રે અથવા ફ્રીઝર-સેફ ડબ્બામાં ભરી દો. ઈચ્છો તો તેમાં થોડું પાણી નાખીને ક્યુબ્સ પણ જમાવી શકો છો. જ્યારે પણ દાળ કે શાકમાં નાખવું હોય, ત્યારે જરૂર મુજબ એક ક્યુબ કાઢીને વાપરી શકાય છે.