ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Heavy Rainfall: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે (15મી સપ્ટેમ્બર) સવારથી જ તોફાની બેટિંગ જોવા મળી રહી છે. કચ્છના માંડવી તાલુકામાં સવારે 8થી 10 વાગ્યાના માત્ર બે જ કલાકના સમયગાળામાં 5 ઈંચથી વધુ ખાબકેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
કચ્છના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં માંડવીમાં સૌથી વધુ 5 ઈંચ ઉપરાંત કચ્છના મુન્દ્રામાં 0.79 ઈંચ, ભુજમાં 0.59 ઈંચ, નખત્રાણામાં 0.39 ઈંચ, લખપતમાં 0.35 ઈંચ, ગાંધીધામમાં 0.24 ઈંચ અને અંજારમાં 0.20 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય પોરબંદર, ઓખામંડળ, સુરત શહેર, કોડિનાર, જામનગર, રાણાવાવ, જાફરાબાદ અને ગીર સોમનાથના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે (15મી સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 10 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 16થી 18મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે.




