કચ્છ: નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો આપઘાત!, ડ્યુટી વખતે સર્વિસ રાઇફલથી કર્યું ફાયરિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch News: કચ્છના અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુઃખદ અને ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષામાં તહેનાત એરફોર્સના એક જવાને અગમ્ય કારણોસર ફરજ દરમિયાન જ આપઘાત કરી લેતા સમગ્ર સૈન્ય આલમ અને પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ટેકનિકલ એરિયામાં રાઇફલથી કર્યું ફાયરિંગ
મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક જવાનની ઓળખ ભરતરાજ ભોમપ્રકાશ ભારદ્વાજ તરીકે થઈ છે. તે એરફોર્સ સ્ટેશનના સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ ગણાતા 'ટેકનિકલ એરિયા'માં ફરજ પર તહેનાત હતા. આ દરમિયાન તેમણે અગમ્ય કારણોસર પોતાની સરકારી AK-103 એસોલ્ટ રાઇફલથી પોતાની જાત પર ફાયરિંગ કરી લીધું હતું. ગોળી ગરદનના ભાગેથી પ્રવેશીને માથાના ભાગેથી આરપાર નીકળી ગઈ હોવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સાથી જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા
ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસ સુરક્ષામાં તહેનાત અન્ય અધિકારીઓ અને જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં ભરતરાજ લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના અંગે વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કોઠારા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એરફોર્સ બેઝ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી.









