GPCBના અધિકારીઓની રમત: હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સીલ કરાયેલા ઉદ્યોગો ફરી ખોલવાની મંજૂરી આપી, ખાતાકીય તપાસનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court On Water Pollution: કચ્છમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી કુદરતી જળસ્ત્રોતોને પ્રદૂષિત કરતું હોવા મામલે હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી(PIL) દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ના વકીલનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'તમે છેલ્લા બે વર્ષથી કોર્ટને માત્ર વાર્તાઓ સંભળાવો છો, પરંતુ કોઈ નક્કર પગલાં ભરતા નથી.'
બેદરકાર અધિકારી સામે ખાતાકીય તપાસ
વોટર પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ ઑફ પોલ્યુશન ઍક્ટ-1974' હેઠળ શુદ્ધ પાણીને દૂષિત કરતાં ઉદ્યોગો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. હાઇકોર્ટે બાઉન્ડ્રી વોલ બનાવવા અને તેને લગતા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા GPCBને કડક આદેશ આપ્યો છે. આ સાથે જ બેદરકાર અધિકારી સામે ખાતાકીય તપાસ કરીને તેનો રિપોર્ટ રજૂ કરવા પણ જણાવ્યું છે.
સીલ કરી દેવાયેલી ઇન્ડસ્ટ્રીને ફરીથી ખોલવાની મંજૂરી!
હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, GPCBના ધ્યાન પર એવા અનેક ઉદ્યોગો છે જેમના દ્વારા કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવે છે અને તેના લીધે કુદરતી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. તમે વારંવાર આ સ્થળો પર તપાસ તો કરો છો, પરંતુ જે અધિકારીઓ નિયમોનું પાલન નથી કરાવતા તેમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી? GPCBના જે અધિકારીની રહેમરાહે, અગાઉ સીલ કરી દેવાયેલી ઇન્ડસ્ટ્રીને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, તે જવાબદાર અધિકારી સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે.
મહત્ત્વનું છે કે અગાઉ જ્યારે કુદરતી વરસાદથી સરોવર છલોછલ ભરાયેલું હતું, ત્યારે એક ઇન્ડસ્ટ્રી દ્વારા તેમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે આખું સરોવર દૂષિત થઈ ગયું હતું. આ બાબત કોર્ટના ધ્યાને આવતા તેમણે GPCBના જવાબદાર અધિકારી સામે કાયદેસરના તમામ પગલાં લેવા અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.









