Krushi Vishwa

પશુપાલન દ્વારા મહિલા સશક્તિકરણ, ગાય-ભેંસના સંવર્ધન દ્વારા વાર્ષિક રૂપિયા 10 લાખની આવક

By GS Team
18 Feb 20264 mins read
TukuTouch Logo
વાવ-થરાદ જિલ્લાનાં, સુઈગામ તાલુકાના સનાલી ગામના મોંઘીબહેન રાજપૂત ભણેલા નથી પણ તેમના ગણતરને કારણે તેઓ પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બની શક્યાં છે. તેમણે ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય ન ગણતા તેને મહત્ત્વના વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપી અપનાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશુપાલન દ્વારા મહિલા સશક્તિકરણ, ગાય-ભેંસના સંવર્ધન દ્વારા વાર્ષિક રૂપિયા 10 લાખની આવક

• ભણતર ન હોય તો શું થયું ? ગણતર તો છે ને !

• સૂઝબૂઝ અને માર્ગદર્શનથી અશિક્ષિત વ્યકિત પણ સફળ થઈ શકે

Agriculture News : વાવ-થરાદ જિલ્લાનાં, સુઈગામ તાલુકાના સનાલી ગામના મોંઘીબહેન રાજપૂત ભણેલા નથી પણ તેમના ગણતરને કારણે તેઓ પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બની શક્યાં છે. તેમણે ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય ન ગણતા તેને મહત્ત્વના વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપી અપનાવ્યું છે.

મોંઘીબહેને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, પશુપાલન વિભાગ, બનાસ ડેરી અને આત્મા પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે યોજવામાં આવતી તાલીમોમાં ભાગ લીધેલ. પશુપાલન વ્યવસાયમાં નવીન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક ભલામણોનો ઉપયોગ કરી પશુપાલન વ્યવસાયને વધુ ઉંચાઈએ પહોંચાડવા માટેનું માર્ગદર્શન, પ્રેરણા અને તાલીમ મેળવી ઉપરાંત તેમનાં પતિ વર્ધસિંહ જે પશુનિરીક્ષક તરીકે નોકરી કરે છે, તેમનો પણ સાથ સહકાર મળ્યો.

વર્ષ 2015માં તેમની પાસે બે પશુઓ હતા. આજે 13 કાંકરેજી ગાય અને 13 બન્ની ભેંસોના તબેલા અંતર્ગત પશુઓ માટે પાકું રહેઠાણ, પાણીની આધુનિક સુવિધા, ઉનાળામાં ફોગરની સિસ્ટમ, પંખા, ઘાસચારો કાપવા ચાફકટર, ખુલ્લા વાડાની સુવિધા, ૠતુ પ્રમાણે જીવાત અને ઠંડીથી રક્ષણ માટેની વ્યવસ્થા, પાકું ભોંયતળિયું, પશુ માટે રબરમેટ, પશુઓના મળમૂત્રના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને મિલ્કીંગ મશીનની સુવિધા પણ તેઓ ધરાવે છે.

તેઓ જણાવે છે કે, પશુઓ માટે વૈજ્ઞાનિક ધોરણે ખોળ-દાણની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં સવાર-સાંજ બે સમયે લીલો અને સૂકોચારો યોગ્ય માત્રામાં આપવામાં આવે છે. લીલોચારો ઉપલબ્ધ ન હોય, ત્યારે મકાઈનું સાઇલેજ પણ આપવામાં આવે છે. પશુઓને મીનરલ મિક્સર આપવામાં આવે છે. તેનાથી પોષક તત્ત્વો મળી રહે છે, વધુ ફેટ-દૂધ મળે છે અને પશુની ચમક વધે છે. તેમ જ સમયાંતરે પશુ ગાભણ પણ થાય છે. 

દૈનિક 16 લીટરથી વધુ દૂધ આપતા પશુઓ માટે બાયપાસ ફેટ આપવામાં આવે છે. તેનાથી ફેટ વધે છે, પશુ નબળું પડતું નથી અને તેની એનર્જી પણ જળવાઈ રહે છે. તબેલામાં સ્વચ્છતા ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

તેમના પતિ વર્ધસિંહ જણાવે છે કે, તેઓ પશુઓમાં કોઈ બીમારી જણાય તો તેની સારવાર હોમિયોપેથીક અને આયુર્વેદિક ચિકિત્સાથી જ કરે છે. સમયાંતરે કૃમિની દવા તેમ જ રસી પશુઓને આપવામાં આવે છે. પશુઓને ફેળવવા માટે કુદરતી રીતે તેમ જ સેકસ સોર્ટેડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે છે. સેક્સ સોર્ટેડ સીમેનથી 90 થી 95 ટકા વાછરડી કે પાડીનો જ જન્મ થતો હોય છે. 

તેમણે વર્ષ 2024-25 માં દૂધની આવક, ગોબર અને પશુઓનાં વેચાણમાંથી રૂપિયા 17,00,000 ની કુલ આવક રળી અને ખર્ચ રૂપિયા 7,00,000 બાદ કરતા ચોખ્ખો નફો રૂપિયા 10,00,000નો મેળવ્યો.

પશુપાલનમાં પશુઓનાં ગોબર અને ગૌમૂત્રનો તેઓ મહત્તમ ઉપયોગ કરે છે. તેઓ 5 વર્ષથી ગોબર ગેસનો પ્લાંટ પણ ધરાવે છે. પોતાની રસોઈ તેમ જ પશુઓનું અનાજ બાફવા માટે ગોબરગેસનાં ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ગોબર ગેસનાં વપરાશ અંગે જણાવે છે કે, જો તેઓ ગેસનાં બાટલા વાપરતા હોત તો વાર્ષિક 36 બાટલાનાં ઉપયોગ પ્રમાણે અંદાજે રૂપિયા 30,000 નો ખર્ચ થાય. જે ગોબર ગેસ વાપરવાનાં કારણે બચે છે. ગોબર ગેસની સ્લરીનો ઉપયોગ તેઓ ખેતીમાં કરે છે.

પશુપાલનનું સમગ્ર વ્યવસ્થાપન સંભાળતા મોંઘીબહેન જણાવે છે કે, આજકાલ ઘણા લોકો પશુપાલન ક્ષેત્રે નવી શરૂઆત કરતા હોય છે અને આ ક્ષેત્ર ચોક્કસ સારી રોજગારી પણ આપે છે. પરંતુ તેમાં નિષ્ફળતાનો દર પણ જોવા મળતો હોય છે. તેની પાછળનાં કારણ આપતા તેઓ જણાવે છે કે, તેમાં મુખ્યત્વે વ્યવસ્થાપનનો અભાવ જોવા મળે છે. તેમાં પશુઓનું આરોગ્ય, ખાણદાણ, રહેઠાણ, સ્વચ્છતા, યોગ્ય સમયે પશુનું ગાભણ થવું જેવા મહત્ત્વના મુદ્દે તેમને જાણકારી ઓછી હોય છે. પશુપાલકે પશુદીઠ ઉત્પાદન વધે તેની તકેદારી રાખવાની હોય છે. સંવર્ધનની ગુણવત્તા ઉપર ધ્યાન આપવું પણ જરૂરી છે. 

આ વ્યવસાયમાં ખેતીવાડી ધરાવતી વ્યક્તિ જો પશુપાલન કરવા ઈચ્છતી હોય તો તે 1-2 પશુથી શરૂઆત કરી શકે છે. પરંતુ જો મોટાપાયે પશુપાલન કરવું જ હોય તો સૌપ્રથમ આ વ્યવસાયનો 6 થી 8 મહિનાનો અનુભવ કોઈ પશુપાલક જોડે મેળવવો જરૂરી છે. આ વ્યવસાય શીખવા માટે સરકારી તાલીમ પણ મેળવી શકાય છે. મોંઘીબહેન પશુપાલનમાં બે વ્યક્તિઓને રોજગાર પણ આપે છે.

તાલુકા અને રાજ્ય કક્ષાએ અનેક એવોડ્‌ર્સ મેળવનાર મોંઘીબહેને રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય ગોપાલ રત્ન એવોર્ડ પણ મેળવ્યો છે, જે બતાવે છે કે અક્ષરજ્ઞાન ન હોય પણ ધગશ હોય તો ચોક્કસ દિશામાં યોગ્ય પરિણામ મેળવી શકાય છે. ત્યારે આજનાં શિક્ષિત-અશિક્ષિત યુવાપેઢીએ ચોક્કસ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.