Krushi Vishwa

મહિલા ખેડૂતનું પ્રયોગશીલ માનસ, ખારેકની ખેતી અપનાવીને લાખો રૂપિયાની કમાણી

By GS Team
9 Jan 20264 mins read
TukuTouch Logo
ગામના ખેડૂતો જામફળ અને દાડમની ખેતી કરતા આવ્યા છે, પરંતુ નયનાબહેને વિચાર્યું કે આપણે કોઈ એવા પાકની ખેતી અપનાવવી જોઈએ, જેના આર્થિક લાભનું સાતત્ય લાંબાગાળા સુધી જળવાઈ રહે

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા ખેડૂતનું પ્રયોગશીલ માનસ, ખારેકની ખેતી અપનાવીને લાખો રૂપિયાની કમાણી

Agriculture News : ‘હું ખેડૂત છું, ખેડૂતની દીકરી છું, મારી જમીનની ઊપજને વેચવા માટે હું જાતે કાઉન્ટર ઉપર બેઠી હોઉં તો, મને કોઈ સંકોચ થતો નથી. મારી જણસી વેચવામાં મને ગર્વ થાય છે. મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાનાં ઈશ્વરનગર ગામનાં ખેડૂત હોવાનો ગર્વ અનુભવતા આ મહિલા ખેડૂતનું નામ નયનાબહેન રાજપરા છે. તેઓ દેશી ખારેકની ખેતી સફળતાપૂર્વક કરીને રૂ. આઠ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. સામાન્ય રીતે ખારેકના ઝાડનું  આયુષ્ય 70-80 વર્ષનું રહેતું હોય છે. અહીં મહત્ત્વની વાત એ છે કે તેમના ગામમાં મોટાભાગના ખેડૂતો જામફળ અને દાડમની ખેતી કરતા આવ્યા છે, પરંતુ તેના કેટલાક નબળા પાસાના કારણે તેઓએ વિચાર્યું કે આપણે કોઈ એવા પાકની ખેતી અપનાવવી જોઈએ, જેના આર્થિક લાભનું સાતત્ય લાંબાગાળા સુધી જળવાઈ રહે.

કંઈક આવા અભિગમ સાથે ખારેકની ખેતી માટે કચ્છમાં ખારેકનાં અનેક ખેતરોની મુલાકાત લઈને તેમણે ત્યાંની સારી ગુણવત્તાવાળી દેશી ખારેક લાવીને, તેનાં બીજમાંથી ખારેકના છોડ ઉછેર્યા. શરૂઆતમાં તેમણે 7000 રોપા બનાવ્યા, જેની 1020 ફૂટનાં અંતરે વાવણી કરવામાં આવી. તેમાં બીજથી ફળ આપવા સુધીનો સમય 5 વર્ષ જેટલો થતો હોય છે.

દેશી ખારેકનું વાવેતર કરવા પાછળનું કારણ આપતા તેઓ જણાવે છે કે, દેશી ખારેકમાં મીઠાશનું પ્રમાણ વધુ હોય છે અને તેની સાઈઝ પણ સારી બનતી હોય છે, જે ટીશ્યુકલ્ચરવાળા છોડમાં જોવા મળતી નથી. અન્ય એક કારણ એ પણ છે કે, દેશી ફળ બજારમાં 15-20 દિવસ વહેલાં આવી જાય છે. ત્યારબાદ અન્ય ખારેકના ફળ બજારમાં આવતા હોય છે. આમ, બજારમાં દેશી ખારેકનો માલ વહેલો આવતો હોવાથી તેમને ભાવ પણ વધુ મળે છે.

યોગ્ય જાણકારી સાથે કરાયેલી માવજત ઉમદા ઉત્પાદન અપાવે

ખારેકનાં પાકમાં જ્યારે ફૂલ આવે ત્યારે ખબર પડે કે જે તે ઝાડ નર છે કે માદા. અહીં નર-માદાનું પ્રમાણ જાળવવા તેઓ 10 : 1 નો રેશિયો રાખે છે. ખારેકની મીઠાશ અને ફળનું કદ સુધારવા માટે, તેઓ ખારેકનાં ફળ જ્યારે 4-5 વર્ષ બાદ આવે, ત્યારે તે ફળને ચાખીને તેમાંથી જે ફળ મીઠાં હોય, તેનાં ઝાડને જ રાખે છે અને સ્વાદમાં મીઠાશ ન હોય તેવા ઝાડને તેઓ કાઢી નાખે છે. આ રીતે તેઓ ફળની મીઠાશને પારખીને તેની ગુણવત્તા જાળવે છે.

ખારેકનું ફળ મોટું આવે તે માટે ‘થીનીંગ’ કરવામાં આવે છે. ‘થીનીંગ’ એટલે નારી ઝાડમાં ઊગેલ ચણાના દાણા જેટલાં ફળમાંથી એક બાજુનાં દાણા કાઢીને અડધા કરી-આછા કરી દેવામાં આવે છે. પરિણામે આવનારા બીજા ફળ મોટાં અને સારી રીતે વિકસે છે. ખારેકના ઝાડની બાજુમાં થતાં બચ્ચામાં તેનાં માતૃછોડ જેવી જ ગુણવત્તા તેમાં જળવાતી હોય છે. 8 વર્ષ પહેલાં તેમણે 40-45 વીઘામાં ખારેકનું બીજનું 1020 ફૂટના અંતરે વાવેતર કરેલું. હાલ 12 વીઘામાંથી તેમને ખારેકનું ઉત્પાદન મળે છે. તેમણે આ બધું જ વાવેતર બીજમાંથી અને તેના બચ્ચામાંથી જ કરેલું છે. જે ઝાડમાંથી મળતાં ફળની ગુણવત્તા સારી ન હોય તો તે તેને હટાવી આ ખાલી જગ્યાએ તેઓ બીજો છોડ રોપે છે.

યોગ્ય માવજતને કારણે રૂ. 8 લાખનો થયો નફો

નયનાબહેન જણાવે છે કે, તેમના ખારેકના ઝાડની ઊંચાઈ વધતી હતી. તેથી ખારેક ઊતારવામાં તકલીફ પડતી હતી. ત્યારે તેનું સમાધાન જાણકાર ખેડૂત પાસેથી એ મેળવ્યું કે, ઝાડના નીચેનાં લીલાં પાન કાઢવા નહીં, જ્યારે તે પાન સૂકાઈ જાય ત્યારે જ તેને હટાવવા, જેથી તેની ઊંચાઈ બહુ જલદી વધશે નથી. પહેલાં તેઓ ઝાડના નીચેનાં લીલાં પાન હટાવવાની ભૂલ કરતા હતા. આ પાકમાં રોગ જીવાતનો પ્રશ્ન ખૂબ ઓછો આવતો હોય છે. પરંતુ ચોમાસાની ૠતુમાં જીવાતોના ઉપદ્રવને ઘટાડવા માટે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે. ફેરોમેન ટ્રેપના ઉપયોગથી જીવાતના જીવનચક્રમાં ખલેલ પહોંચવાથી જીવાત ઈંડા મૂકી શકતી નથી પરિણામે ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે.

ખારેકનાં પાકમાં તેમણે છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદન લેવાનું ચાલુ કર્યું છે, એટલે જે-તે સમયે વાવેલા અંદાજે 1000 જેટલા છોડમાંથી પહેલા વર્ષે 50 છોડમાંથી ઉત્પાદન મેળવ્યું. તે વખતે ખારેકનો ભાવ કિલોના રૂ.100 મુજબ  રૂ. 2 થી 2.5 લાખ, બીજા વર્ષે અંદાજિત 200 છોડ પરથી ઉત્પાદન મેળવ્યું અને કિલોના ભાવ રૂ.100-150  મેળવી રૂ. 6 થી 7 લાખ અને ત્રીજા વર્ષે 250 છોડમાંથી ઉત્પાદન મેળવીને, કિલોના રૂ. 100 થી 300નો ભાવ મેળવીને રૂ. 7-8 લાખ ચોખ્ખો નફો રળ્યો. જો કે એક વાત ધ્યાનમાં રાખવી રહી કે વરસાદ કે વાવાઝોડા જેવા સંજોગોમાં આવકની બાબતમાં ઘટાડો થઈ શકે.

તેઓ ખારેકનાં મૂલ્યવર્ધનમાં તેનું ગ્રેડિંગ, શોર્ટિંગ અને પેકિંગ કરીને બજારમાં તેમ જ હાઇવે પર સ્ટોલ નાંખીને તેનું વેચાણ કરે છે. ખારેકનાં વેચાણમાં તેમના પતિ પણ તેમને મદદ કરે છે. અલગ-અલગ ગુણવત્તાવાળી ખારેકનું વેચાણ કિલોનાં રૂ.100 થી 300 સુધીનાં ભાવે કરતા હોય છે. 

બાપ-દાદાની ખેતી વારસામાં મળી હોય ત્યારે તેને ભાગિયાને આપીને શહેર તરફ રોજગારી માટે ભાગતા યુવાનો માટે આ મહિલાનું એક સફળ ખેડૂત હોવાનું ગૌરવ ઘણાં લોકોને ચોક્કસ દિશા બતાવશે.