Krushi Vishwa

બટાકાની સિઝનની શરૂઆત કરતા પહેલાં આટલું ધ્યાન રાખીએ, ઉત્પાદન-આવકમાં અવશ્ય લાભ થશે

By GS Team
23 Dec 20254 mins read
TukuTouch Logo
પરથીભાઈના અનુભવ મુજબ સ્પ્રિંકલરથી પિયત કરવાથી પાકના પાંદડા પર જમા થયેલી ધૂળ અને કચરો ધોવાઈ જાય છે. પરિણામે, પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સુધરે છે અને પાકનો વિકાસ ઉત્તમ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બટાકાની સિઝનની શરૂઆત કરતા પહેલાં આટલું ધ્યાન રાખીએ, ઉત્પાદન-આવકમાં અવશ્ય લાભ થશે

Agriculture News : કૃષિ ક્ષેત્રે અનેક નવીન પ્રયોગો થઈ રહ્યા છે અને આવા પ્રયોગોને સફળતાપૂર્વક અપનાવીને અનેક ખેડૂતો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. આધુનિકતા સાથે સમન્વય સાધીને ખેતીને નફાકારક વ્યવસાય બનાવનારા આવા જ એક અગ્રેસર ખેડૂત એટલે બનાસકાંઠાં જિલ્લાનાં દાંતીવાડા તાલુકાનાં ડાંગીયા ગામનાં પરથીભાઈ જેઠાભાઈ ચૌધરી. 

100 એકર જેટલી જમીન ધરાવતા પરથીભાઈ બટાકા, મગફળી અને બાજરીની ખેતી કરે છે. તેમાં મુખ્યત્વે બટાકાની ખેતીમાં તેમની આગવી ખેતીની કાર્યપદ્ધતિથી અનેક ખેડૂતો અને કૃષિ અભ્યાસુ માટે તેઓ પ્રેરણાસ્રોત બન્યા છે.

બટાકાનું મબલક ઉત્પાદન કરતા પરથીભાઈ, અન્ય ખેડૂતો બટાકાની ખેતીમાં કઈ રીતે ઉત્તમ ઉત્પાદન મેળવી શકે તેની માહિતી આપતા જણાવે છે કે, બટાકાનાં પાકની વાવણી યોગ્ય સમયે થવી ખૂબ જ જરૂરી છે. તેમાં તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણની પસંદગી કરીને બિયારણ વાવવું જોઈએ. 

બટાકાનાં બિયારણને વાવતા પહેલાં તેની માવજત કરવાથી અનેક રોગથી પાકને બચાવી શકાય છે. બટાકાનાં બિયારણનું કટિંગ યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ. તેનાં બીજને યોગ્ય ઊંડાઈએ રોપવા, બે છોડ વચ્ચેનું અને બે લાઈન વચ્ચેનું અંતર યોગ્ય માત્રામાં જળવાવું જોઈએ. આ પાકમાં જરૂરિયાત મુજબ નાઇટ્રોજન, પોટાશ અને માઈક્રોન્યુટ્રિઅન્ટ્‌સની તબક્કાવાર ઊભી થતી જરૂરિયાતને સમયસર પૂરી કરવી જોઈએ.

પરથીભાઈની બટાકાની ખેતીમાં  સૌથી નોંધપાત્ર વિશેષતા તેમની પિયત પદ્ધતિ છે. 100 એકર જેવી વિશાળ જમીનમાં સિંચાઈ કરવી એ એક મોટો પડકાર હોય છે, પરંતુ પરથીભાઈએ આ પડકારને સ્પ્રિંકલર પદ્ધતિ અપનાવીને અવસરમાં બદલી નાખ્યો છે. 

તેઓ દ્રઢપણે માને છે કે, જો સ્પ્રિંકલર પદ્ધતિનો ઉપયોગ ન કર્યો હોત અને ધોરિયા પદ્ધતિ પર નિર્ભર રહેવું પડત, તો કદાચ તેઓ માત્ર 15 થી 20 એકરમાં જ પાણી પહોંચાડી શકત. હાલ  જેટલી જમીનમાં ખેતી અને ઉત્પાદન મેળવી રહ્યા છે તેટલું ઉત્પાદન પણ ન મેળવી શક્યા હોત. આટલી વિશાળ જમીનમાં સ્પ્રિંકલરના કારણે પાણીની બચત થાય છે, મજૂરી ખર્ચ ઘટે છે અને સૌથી અગત્યનું, ઓછા સમયમાં કાર્યક્ષમ રીતે પિયત કરી શકાય છે.

સ્પ્રિંકલરના ફાયદા માત્ર પાણીની બચત પૂરતા સીમિત નથી. પરથીભાઈના અનુભવ મુજબ, સ્પ્રિંકલરથી પિયત કરવાથી પાકના પાંદડા પર જમા થયેલી ધૂળ અને કચરો ધોવાઈ જાય છે. પરિણામે, પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સુધરે છે અને પાકનો વિકાસ ઉત્તમ થાય છે. આ ઉપરાંત, જમીન પણ પોચી રહે છે, જેનાથી પાકના મૂળનો વિકાસ સારો થાય છે અને અંતે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ખાતરની બચત પણ સ્પ્રિંકલર પદ્ધતિનો એક વધારાનો લાભ છે.

પરથીભાઈ માત્ર પિયત પદ્ધતિમાં જ આધુનિક નથી, પરંતુ સમગ્ર ખેતી પ્રક્રિયામાં તેઓ ટેક્‌નોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે. બટાકાની ખેતી માટે તેમણે પ્લાન્ટર, ડીગર, ગ્રેડર અને ટ્રેક્ટર જેવા અત્યાધુનિક મશીનો વસાવ્યા છે. આધુનિક સાધનોના ઉપયોગથી ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે છે અને સમયની પણ બચત થાય છે. તેઓ માને છે કે આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ, જ્યાં તેની ખરેખર જરૂર હોય અને બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ, કારણ કે ખેડૂત માટે તે પણ એક બચત જ છે.

બજારના ભાવની અનિશ્ચિતતા ખેડૂતો માટે હંમેશાં એક મોટો પડકાર રહ્યો છે. પરંતુ જે ખેડૂતો વેપારીઓ સાથે સતત સંપર્કમાં હોય તેવા ખેડૂતોને બજારભાવનો પ્રશ્ન કદાચ ન પણ નડે. કંઈક આવી વાતનું સમર્થન આપતા પરથીભાઈ કહે છે કે, બટાકાની વાવણી કર્યા પછી હું વેપારીઓ સાથેના મારા જૂના સંપર્કોનો ઉપયોગ કરીને ભાવનો અંદાજ અગાઉથી મેળવી લઉં છું. જો કોન્ટ્રાક્ટ કંપની તરફથી સારો ભાવ મળતો હોય તો હું કોન્ટ્રાક્ટરને જ જણસી આપી દઉ છું, અન્યથા ઓછો ભાવ મળતો હોય તો બટાકાને કોલ્ડસ્ટોરેજમાં રાખીને સારા ભાવની રાહ જોઉં છું. સરવાળે મારા આ અભિગમથી લાભ જ થયો છે. 

પરથીભાઈ ભાવના પડકારનો સામનો કરવા માટે વ્યાવસાયિક અભિગમ અપનાવે છે. તેઓ સંતાના અને એલ.આર. જાતનાં બટાકાનું વાવેતર કરીને તેનાં ઉત્પાદનને ગ્રેડિંગ કરીને બજારમાં મૂકે છે. હાલ તેમણે બનાસ ડેરી જોડે વ્યાવસાયિક જોડાણ કર્યુ છે જે આ બટાકામાંથી આલુ ટીક્કી, ફ્રેંચ ફ્રાય વગેરે મૂલ્યવર્ઘિત ઉત્પાદન બનાવે છે. 

પરથીભાઈની સફળતાનું એક મહત્વનું પાસું તેમની બજારના પ્રવાહોને જાણવાની અનોખી સમજ છે. તેઓ જણાવે છે કે, ઘણીવાર ખેડૂતો સારો ભાવ ન મળતા પોતાનો માલ રસ્તા પર ફેંકી અસંતોષ-ગુસ્સો વ્યક્ત કરતા હોય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે માર્કેટમાં ચાલતા પ્રવાહ વિરુદ્ધ પણ વિચારવું જોઈએ. 

તેનો દાખલો આપતા તેઓ જણાવે છે કે, જો કોઈ પાકના ભાવ જે-તે વર્ષે નીચા ગયા હોય, તો આવતા વર્ષે મોટાભાગના ખેડૂતો તેનું વાવેતર નહીં કરે. પરંતુ આવા સમયે જો આ નકારાત્મક વલણની વિરુદ્ધ જઈને, તે પાકનું વાવેતર કરવામાં આવે, તો આવતા વર્ષે સારા ભાવ મળવાની શક્યતા વધી જાય છે. આ કોઠાસૂઝ નહીંવત્‌ જોખમવાળી વ્યૂહરચના છે, જે પરથીભાઈને બજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ આર્થિક સ્થિરતા પ્રદાન કરે છે.

પરથીભાઈ ફક્ત પોતાની ખેતી પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવામાં તત્પર રહે છે. તેમણે 1000 થી વધુ ખેડૂતોને બટાકાની ખેતી અંગે તાલીમ અને સલાહ આપી છે. તેમના ખેતરમાં વિવિધ વૈજ્ઞાનિકો અને ખેડૂતો મુલાકાત લઈ તેમની ખેતીનો અભ્યાસ કરતા હોય છે.

રાસાયણિક ખેતી કરતા પરથીભાઈ ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આયોજન કરી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતો ભારતીય કૃષિ ક્ષેત્રનું ભવિષ્ય છે. તેમની મહેનત, બુદ્ધિશાળી અભિગમ અને અન્યોને માર્ગદર્શન આપવાની ભાવના તેમને માત્ર એક સફળ ખેડૂત  બનાવે છે. જો યોગ્ય ટેક્‌નોલોજી, બજારની સમજ અને દ્રઢ નિશ્ચય હોય તો ખેતીને પણ એક નફાકારક અને સન્માનજનક વ્યવસાય બનાવી શકાય છે.