Krushi Vishwa

ખેતીમાં પણ યોગ્ય વ્યવસ્થાપન, 41 એકરની ખેતીમાં મેળવી રૂપિયા 50 લાખની આવક

By GS Team
19 Jan 20263 mins read
TukuTouch Logo
ખેડૂતોને રાસાયણિક ખાતરના વઘતા ભાવો અને વધતા ખેતીખર્ચના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે હવે સામાન્ય વાત છે. ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ પ્રાકૃતિક અને રાસાયણિક પદ્ધતિઓનો સમન્વય કરીને નફો મેળવી રહ્યા છે. વર્ષ 2020-21 થી પ્રાકૃતિક ખેતી અપનાવનાર અણદાભાઈએ 41 એકરની જમીનમાં ફળ-ઝાડ અને આંતરપાકમાં શાકભાજીની ખેતી કરીને, યોગ્ય આયોજન અને ટેક્‌નોલોજીના સમન્વયથી ખેતીને એક સમૃદ્ધ વ્યવસાય બનાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેતીમાં પણ યોગ્ય વ્યવસ્થાપન, 41 એકરની ખેતીમાં મેળવી રૂપિયા 50 લાખની આવક

Agriculture News : ખેડૂતોને રાસાયણિક ખાતરના વઘતા ભાવો અને વધતા ખેતીખર્ચના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે હવે સામાન્ય વાત છે. ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ પ્રાકૃતિક અને રાસાયણિક પદ્ધતિઓનો સમન્વય કરીને નફો મેળવી રહ્યા છે. વર્ષ 2020-21 થી પ્રાકૃતિક ખેતી અપનાવનાર અણદાભાઈએ 41 એકરની જમીનમાં ફળ-ઝાડ અને આંતરપાકમાં શાકભાજીની ખેતી કરીને, યોગ્ય આયોજન અને ટેક્‌નોલોજીના સમન્વયથી ખેતીને એક સમૃદ્ધ વ્યવસાય બનાવ્યો છે.

અણદાભાઈએ પોતાની ખેતીમાં ડ્રીપ ઈરીગેશન અને પ્રાકૃતિક ખેતીને મુખ્ય આધાર બનાવ્યા છે. તેમનું દ્રઢપણે માનવું છે કે, રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને નફો વધુ મળે છે.

અણદાભાઈએ ખારેક, દાડમ અને આંબાનો બગીચો કરેલ છે. તેમાં 12 એકરમાં ખારેકની બારાહી જાતના 600 ઝાડ ઉછેર્યા છે. તેમણે ખારેકની વાવણી વર્ષ 2014માં 30 30 ફૂટના અંતરે કરી હતી અને પ્રતિ છોડ પર રૂપિયા 1250ની સહાય પણ મેળવી હતી.

તેઓ ખારેકના પાકમાં ઓક્ટોબરમાં છાણિયુ ખાતર આપે છે અને ફેબુ્રઆરી મહિનામાં પાકનું ફલીનીકરણ થતું હોય છે. તેમાં 1 થી 15 તારીખ સુધીમાં મેલ (નર) ડોડા ઉગે છે અને 15 તારીખ પછીથી ફીમેલ(માદા) ડોડા ફૂટે છે. માદા ડોડા ફૂટે તેના બીજા જ દિવસે તેમાં ફલીનીકરણ માટે તેઓ પરાગરજનો પાઉડર છાંટે છે. આ ફલીનીકરણ માટે સવારનો સમય ઉત્તમ ગણાય છે. ભૂલરહિત વ્યવસ્થિત ફલીનીકરણ થાય તે માટે ફલીનીકરણ બાદ છોડ પર નિશાની કરવામાં આવે છે. 

ખારેકના પાક માટે સમયસર વરસાદની જરૂરિયાત રહે છે. અણદાભાઈના મતે, 15 જૂન પહેલા વરસાદ આવે તો પાકને નુકસાન થાય છે, જ્યારે મોડો વરસાદ સારો રહે છે. 1 જુલાઈથી લણણી શરૂ થઈ જાય છે.

લોકલ માર્કેટમાં 1 કિલોના પેકિંગ કરીને, રૂપિયા 60 પ્રતિ કિલોના ભાવે ખારેકનું વેચાણ કરવામાં આવે છે. દેશી ખારેક માર્કેટમાં વહેલી આવે છે અને તે પત્યા બાદ આ બારાહી ખારેક બજારમાં આવતી હોય છે, જે સ્વાદમાં પણ મીઠી હોય છે. ખારેકમાં પ્રતિઝાડ 150 કિલો જેટલી ખારેક બેસતી હોય છે.

આ ખારેકનું વેચાણ થરાદ લોકલ માર્કેટ તેમ જ અમદાવાદ, જયપુરના વેપારીઓને કરે છે. ખારેકના ઉત્પાદનની વાત કરીએ તો ગત વર્ષ રૂપિયા 26,00,000 ની ખારેકનું ઉત્પાદન થયું. તેમાં ખર્ચ રૂપિયા 7,00,000 નો બાદ કરતા, ચોખ્ખો નફો રૂપિયા 19,00,000 થયો. ખારેકમાં પ્રાકૃતિક ખેતીને કારણે રાસાયણિક કરતા રૂપિયા 2,50,000 ખર્ચ તેમને ઓછો થાય છે.

દાડમમાં ભગવા સિંદુરી જાત, 20 એકરમાં 5500 ઝાડમાં, પ્રતિ ઝાડે દાડમ એવરેજ 15 કિલો ઉત્પાદન આપે છે. ગત વર્ષનાં 40 ટન દાડમના ઉત્પાદનની વાત કરીએ તો તેમને રૂપિયા 22,00,000નું ઉત્પાદન થયું. તેમાં ખર્ચ રૂપિયા 7,00,000 બાદ કરતા, તેમને ચોખ્ખો નફો રૂપિયા 15,00,000 નો થયો હતો. તેઓ રાસાયણિક અને પ્રાકૃતિક એમ બંને પ્રકારની દાડમની ખેતીમાં ત્રણ બહારમાંથી મૃગબહારની ૠતુ પસંદ કરે છે. 

તેમનાં કેસર કેરીનાં 1800 આંબાના ઝાડ 9 એકરમાં પથરાયેલાં છે, તેમાંથી 4 એકરમાં ઉત્પાદન ચાલુ થયું છે, જ્યારે બાકીનાં આંબાનું ઉત્પાદન આવતા વર્ષે થશે. ગત વર્ષે થયેલ આંબાનું ઉત્પાદન જોઈએ તો, 4 એકરના ઉત્પાદનમાં તેમને રૂપિયા 8,00,000 ની કેરીનું ઉત્પાદન મળ્યું. રૂપિયા 1,50,000 નો ખર્ચ બાદ કરતા તેમને ચોખ્ખો નફો રૂપિયા 6,50,000 થયો હતો. આંબામાં પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી રાસાયણિક કરતા રૂપિયા 3,00,000 ખર્ચ ઓછો થાય છે.

તેઓ જણાવે છે કે, આંબાની જાળવણી માટે ખાસ કરીને દેશી ખાતરને તેઓ આંબાના થડમાં રીંગ બનાવીને નાખે છે. તેમાં સમયસર છટણી કરવી તેમ જ આંબામાં પાણી ઓછું આપે છે, જ્યારે ફળ બોર જેટલું થાય ત્યારે તેમાં પાણી વધારવામાં આવે છે.

અણદાભાઈની ખેતીનું સૌથી મહત્ત્વનું પાસું, ફળ-ઝાડની વચ્ચે કરવામાં આવતો આંતરપાક છે. તેમાં દૂધી, કાકડી, ચોળી, રજકો અને જુવાર જેવા પાકોનું વેચાણ સ્થાનિક બજારમાં કરીને તેઓ ખેતીની જમીનનો મહત્તમ ઉપયોગ કરે છે. શાકભાજીમાં ગત વર્ષની આવક રૂપિયા 13,50,000, ખર્ચ રૂપિયા 4,50,000 થયો અને ચોખ્ખો નફો રૂપિયા 9,00,000 થયો.

 આમ, અણદાભાઈની 41 એકરની ખેતીમાં ખારેક, દાડમ, કેરી, શાકભાજીનો ચોખ્ખો નફો રૂપિયા 49,50,000 મેળવી, પ્રાકૃતિક ખેતી, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અને બહુ-પાક, આંતરપાકનું વ્યવસ્થાપન અપનાવીને ખેતીને નફો આપતો વ્યવસાય બનાવ્યો છે.