Krushi Vishwa

ખેતીમાં અભિગમ બદલાયો, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન પણ વધ્યું

By GS Team
29 Dec 20253 mins read
TukuTouch Logo
નીંદણમાં વિવિઘ ઘાસના પ્રકારોને ઓળખીને યોગ્ય નીંદણનાશક દવા દ્વારા નીંદણ નિયંત્રણ કરવાથી વીઘાદીઠ ત્રણેય સિઝનમાં સરેરાશ રૂા. 4000 હજાર જેટલા નીંદણખર્ચની સામે રૂા. 1000 માં જ નીંદણ કરીને ખર્ચમાં સારો એવો ઘટાડો કરી શકાય

Summarized by AI; it may make mistakes. Check important info

ખેતીમાં અભિગમ બદલાયો, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન પણ વધ્યું

Agriculture News : ભલે તમે ખેડૂત હોય, વર્ષોથી ખેતી કરતા હોય, પણ ખેતીમાં આવતાં વિવિધ પરિવર્તનો, શોધ- સંશોધનોથી ખેડૂતોને અવગત તો કૃષિવિજ્ઞાનીઓ જ રાખી શકે. બદલાતા વાતાવરણ સાથે ખેતીમાં આવતા પરિવર્તન સાથે તાલ મેળવવા જૂનાગઢ જિલ્લા-તાલુકાના અવતડીયા ગામના ખેડૂત રાજેશભાઈ બુહાની જેમ વૈજ્ઞાનિક ભલામણો અને સલાહ મુજબ ખેતી કરવી એ આજનાં સમયની જરૂરિયાત છે.

રાજેશભાઈ જણાવે છે કે, સામાન્ય રીતે ખેડૂતો ઘરનું જ બિયારણ વાપરવાનું વલણ રાખે છે, જ્યારે તેઓ ખેતીમાં ઉત્તમ બિયારણની પસંદગી માટે કૃષિ યુનિવર્સિટી કે બીજનિગમનું બિયારણ વાપરે છે. આ બિયારણ થોડું મોંઘું હોય, પણ તેમને વિશ્વાસ છે કે, નવું અને ઉત્તમ ગુણવત્તાનું બિયારણ વધુ ઉપજ આપે છે. કૃષિ યુનિવર્સિટીના બિયારણમાં વિશેષ માવજતની જરૂર પડતી નથી. બિયારણ સારું હોવાથી, તેઓ પોતાની ઉત્પાદિત ઉપજને પણ ટેકાના ભાવે અથવા ઊંચા ભાવે અન્ય ખેડૂતોને બિયારણ તરીકે વેચાણ કરી શકે છે.

ખાતર વ્યવસ્થાપન

ખેતીમાં ખાતરના સંતુલિત ઉપયોગ અંગે જણાવતા રાજેશભાઈકહે છે કે, અતિશય ખાતર જમીન અને ઉત્પાદન બંનેને નુકસાન કરે છે. સમયસર અને ભલામણ મુજબ પ્રમાણસર ખાતર આપવું જ ઉત્તમ છે. તેઓ પાયાનાં ખાતરમાં વીઘાદીઠ 25 કિલો ડી.એ.પી. અને પૂર્તિ ખાતર વાવણી બાદના 30માં દિવસે વીઘાદીઠ 20 કિલો યુરિયા આપે છે. પાકની સ્થિતિને આધારે તેઓ ખાતરની માત્રામાં વધઘટ પણ કરે છે. પાકની પોષણ જરૂરિયાતને સમજવી ખેડૂત માટે જરૂરી છે.

બીજ તથા પિયત વ્યવસ્થાપન

રવી પાકમાં તેઓ ઘઉંની જી.ડબલ્યુ.513 જાતના ઘઉંની વાવણી કરવાનાં છે. ઘઉંની ખેતીમાં ચોકસાઈ અને પિયતનું વ્યવસ્થાપન ખૂબ જ મહત્ત્વનું છે. તેમાં વધુ કે ઓછું પાણી ફાયદાકારક નહીં નીવડે, આ પાકમાં સમયસર અને પ્રમાણસર પાણી મળવુ જરૂરી છે.

ઘઉંમાં પિયત આપવાની પોતાની રીત વિશે જણાવતા તેઓ કહે છે કે, ઘઉંની વાવણી કર્યા બાદ તરત જ પ્રથમ પિયત, ત્યારબાદ ચોથા દિવસે બીજું પિયત (દાણો ફૂટી જાય પછી), જમીન સમથળ હોય તો 20 દિવસે અને જમીન હલકી-નબળી હોય તો 15 દિવસે પાણી આપવું. ત્યારબાદ 10-10 દિવસના અંતરે કુલ 85 થી 95 દિવસના ગાળા દરમિયાનમાં પિયત આપવું. 

શિયાળુ પવન હોય અને ભેજ સૂકાતો હોય તો 10 દિવસનાં બદલે 8 દિવસે પાણી આપી શકાય. છેલ્લું પિયત ઘઉં લીલાશમાંથી પીળાશ પકડતા થાય ત્યારે આપવું. પિયત આપવાનાં દિવસોમાં આગળ-પાછળ દિવસો થવાથી તેની સીધી અસર પાકનાં ઉત્પાદન પર પડે છે.

અસરકારક નીંદણ નિયંત્રણ

તેઓ નીંદણ નિયંત્રણ માટે નીંદણનાશકનો ઉપયોગ કરે છે. ખેડૂતો મોટા ભાગે દુકાનેથી વેપારીના કહેવા મુજબ દવા ખરીદે છે, જેથી ઘણીવાર ખોટી દવાથી ખર્ચ વધે છે અને પરિણામ મળતું નથી. રાજેશભાઈ નીંદણ નિયંત્રણ માટે ખેતરમાં જાતે જ ઘાસના પ્રકાર(સાંકડા પાન કે પહોળા પાન)ની તપાસ કરે છે અને તે મુજબ યોગ્ય નીંદણનાશકનો પ્રયોગ કરે છે.

આ અભિગમ તેમને આર્થિક રીતે લાભકારી પણ સાબિત થયો છે. નીંદણખર્ચની વીઘાદીઠ સરેરાશ ખર્ચની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં વીઘાદીઠ ત્રણેય સિઝનનો સરેરાશ રૂા. 4000 જેટલો નીંદણ ખર્ચ ખેડૂતને થાય. જ્યારે પંપ દ્વારા નીંદણ નિયંત્રણ કરવાથી વીઘાદીઠ માત્ર રૂા. 1000 નો ખર્ચ થતા, વીઘાદીઠ રૂા. 3000 ની બચત ખેડૂતને થઈ શકે.