Krushi Vishwa

લહેરાતા ખેતીપાકોને રોગ-જીવાતોથી અવશ્ય બચાવીએ, સાથે જ માનવીય સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ બચાવીએ

By GS Team
10 Feb 20265 mins read
TukuTouch Logo
ખેતીની ખરીફ સિઝન હોય કે રવી સિઝન, ખેતરોમાં લીલોછમ્મ પાક લહેરાતો હોય અને હવે દર વર્ષે ખેડૂત માટે આવા લહેરાતા પાક વચ્ચે સૌથી મોટી ચિંતાનો વિષય હોય તો એ જ કે અચાનક આવી ચડેલી જીવાત અને તેના ઉપદ્રવને નિયંત્રિત કરવી કઈ રીતે ? જ્યારે આવો પ્રશ્ન સતાવે ત્યારે સ્વાભાવિક રીતે જ ખેડૂત જંતુનાશક દવાઓ વેચતા વહેપારીઓ પાસે પહોંચી જાય અને પોતાના અનુભવ પ્રમાણે કોઈ દવા માંગે અથવા તો વહેપારી કોઈ દવા આપી દે એટલે તેનું કામ પત્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

લહેરાતા ખેતીપાકોને રોગ-જીવાતોથી અવશ્ય બચાવીએ, સાથે જ માનવીય સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ બચાવીએ

• જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના ચિંતાજનક સંકેતો હવે ગુજરાતમાં પણ દેખાઈ રહ્યા છે

• શાકભાજી અને ખાદ્યાન્ન કૃષિ પેદાશો માટે જંતુનાશક દવાઓ સંબંધી કૃષિ માર્ગદર્શન ઉપલબ્ધ છે ત્યારે તેના ઉપયોગ દ્વારા ખેતી પાક, માનવીય સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો હેતુ સાકાર થશે

Agricultural News : ખેતીની ખરીફ સિઝન હોય કે રવી સિઝન, ખેતરોમાં લીલોછમ્મ પાક લહેરાતો હોય અને હવે દર વર્ષે ખેડૂત માટે આવા લહેરાતા પાક વચ્ચે સૌથી મોટી ચિંતાનો વિષય હોય તો એ જ કે અચાનક આવી ચડેલી જીવાત અને તેના ઉપદ્રવને નિયંત્રિત કરવી કઈ રીતે ? જ્યારે આવો પ્રશ્ન સતાવે ત્યારે સ્વાભાવિક રીતે જ ખેડૂત જંતુનાશક દવાઓ વેચતા વહેપારીઓ પાસે પહોંચી જાય અને પોતાના અનુભવ પ્રમાણે કોઈ દવા માંગે અથવા તો વહેપારી કોઈ દવા આપી દે એટલે તેનું કામ પત્યું. 

ખેતરોમાં પહોંચીને લહેરાતા પાકને બચાવી લેવાના આશય સાથે આવી દવાઓનો મનફાવતો ઉપયોગ કરીને જીવાતના ઉપદ્રવને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે. દવાના છંટકાવ પછી પણ પ્રશ્ન તો પાછો એ જ રહે કે જીવાતોનું નિયંત્રણ થયું કે કેમ ? મોટાભાગે એવું બનતું હોય છે કે આવી જાત-જાતની મોંઘીદાટ દવાઓ પાછળ ખર્ચ કર્યા પછી પણ જીવાતોનો ઉપદ્રવ ઘટવાના બદલે વર્ષોવર્ષ વઘતો જ જાય છે. એટલે ફરી પાછો વધુ દવાનો ડોઝ ! આ વિષચક્ર ક્યારેય અટકતું જ નથી. ત્યારે ખેડૂતને કોણ સમજાવી શકે કે આ વિષચક્રનું પરિણામ શું આવી રહ્યું છે?

વિશ્વસહિત આપણા દેશ અને આપણા રાજ્યમાં જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગની જે ચિંતાજનક અસરો થઈ રહી છે તેના પર વિસ્તૃત સંશોધનો થયા છે. આ સંશોધનોનો સારાંશ એ જ છે કે, ખાતરની જેમ જંતુનાશક દવાઓના ઉપયોગમાં પણ જો પ્રમાણભાન ન જળવાયું તો જીવાતોનો નાશ તો થવાનો હશે તો થશે, પણ એની સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્ય તો નષ્ટ થવાનું જ છે.

સૌથી અગત્યની વાત તો એ છે કે જંતુનાશક દવાઓના વપરાશ પછી તેના અવશેષની નકારાત્મક અસરો કોઈ ને કોઈ સ્વરૂપે માનવજાત કે પશુઘન અથવા તો કોઈ ને કોઈ પ્રાણી કે પર્યાવરણ પર રહ્યા વગર રહેતી નથી. આપણે ત્યાં એટલે કે દેશમાં જંતુનાશકોના ઉપયોગનું પ્રમાણ પ્રતિ હેક્ટર 250 થી 300 ગ્રામ નોંધાયું છે. જે બીજા દેશોની તુલનામાં તો ઓછું છે, પણ તેના અસંતુલિત ઉપયોગના કારણે આપણા દેશમાં ખાદ્યપદાર્શોના 20 ટકા નમુનાઓમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ તેની મહત્તમ મર્યાદા કરતા વધુ જણાયું છે.

જંતુનાશકોના અવશેષો બે રીતે માનવીય શરીરમાં પ્રવેશે છે. એક તો ખોરાક દ્વારા અને બીજું પશુઓના દૂધ દ્વારા. ખોરાક કે દૂધ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ઠલવાતા કચરામાં પણ ઝેરી રસાયણો હોય છે તે વરસાદી પાણી દ્વારા જમીનમાં જાય ત્યારે તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે. એક હકીકત એ પણ છે કે હોટેલોમાં શાકભાજીનો સપ્લાય કરવા અથવા તો વધુ કમાણીના હેતુથી અલગ અલગ શાકભાજીમાં ખેડૂતો વ્યાપક પ્રમાણમાં જંતુનાશકોનો છંટકાવ કરતા હોય છે. કહેવાનો આશય એ જ છે કે વૈજ્ઞાનિક ભલામણ કરતાં અનેકગણી વધુ દવાઓનો છંટકાવ થવાથી ખોરાક અને પાણી દૂષિત થતાં માનવીય સ્વાસ્થ્ય કથળતું જાય છેે.

ગુજરાતના ખેતી વિસ્તારમાં છેલ્લા દાયકામાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે અને તેનો પ્રભાવ હવે માત્ર ખેતર સુધી સીમિત નથી રહ્યો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2022 દરમિયાન કરવામાં આવેલા અભ્યાસ મુજબ જુનાગઢ, રાજકોટ અને અમરેલીથી લેવાયેલા પાણીના નમૂનામાં ઓર્ગેનોફોસ્ફેટનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રની કાળી જમીન પેસ્ટિસાઇડને લાંબા સમય સુધી સંગ્રહે છે, જેના કારણે જમીનની જીવંતતા 40 ટકા સુધી ઘટતી નોંધાઈ છે. 

ગુજરાત મધમાખી ઉછેર સંઘ દ્વારા કરાયેલા એક અભ્યાસમાં એવું પણ તારણ બહાર આવ્યું છે કે વધુ પડતી જંતુનાશક દવાઓના કારણે વર્ષ 2020 થી વર્ષ 2024 દરમિયાન અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ વિસ્તારમાં મઘમાખીઓની વસાહતના ઘટાડાના 70 કરતા વધુ કિસ્સાઓ નોંધાયા છે. તેના કારણે સીધો ફટકો ડાંગર, તલ, મગફળી, ફળ અને શાકભાજી પાકોના ઉત્પાદન પર પડ્યો છે.

દાંતીવાડા કૃષિ યુનીવર્સીટીએ પણ વર્ષ 2023  માં આ પ્રકારનો અભ્યાસ કરેલો. તેના તારણ મુજબ બનાસકાંઠા, મહેસાણા અને પાટણથી લેવાયેલા માટી અને પાણીના નમૂનામાં મોનોક્રોટોફોસ અને કલોરપાયરીફોસનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં જંતુનાશકોના અવશેષો ઝડપથી નીચે જાય છે અને ભૂગર્ભ જળ સુધી પહોંચે છે. આ રીતે પેસ્ટિસાઇડ હવે ગુજરાતના પાણી, જમીન, પાકની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ખતરા સમાન સાબિત થઈ રહ્યા છે.

જંતુનાશક દવાઓના અસંતુલિત ઉપયોગનું આટલું ખતરનાક પરિણામ આવતું હોય તો દવાઓના ઉપયોગને તો આપણે ન ટાળી શકીએ પણ તેના પ્રમાણભાનની સમજ તો કેળવવી જ રહી. રાજ્યના સંશોધન કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા તેના પ્રમાણસર ઉપયોગ કરવા માટે સમયસર ભલામણો કરેલી જ છે. ઉદાહરણરૂપે સમજવું હોય તો શાકભાજી, ફળ ઉપર જુદા જુદા જંતુનાશકોના છંટકાવ પછી તેના ઉતાર વચ્ચેના સમયગાળા એટલે વેઇટિંગ પિરિયડની ભલામણ મુજબ શાકભાજીને ઉતારી લેવામાં આવે તો જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ અવશ્ય ઘટાડી શકાય.

ખેડૂતોએ કોઈ પણ સંજોગોમાં પ્રતિબંઘિત જંતુનાશક દવાઓનો ઉપયોગ ન જ કરવો જોઈએ. એ જ રીતે પરભક્ષી અને પરજીવી કિટકોને નુકસાન ન કરે તેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોએ શાકભાજી બજારમાં વેચતાં પહેલા શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ પાણીથી ઘોવા જોઈએ. આમ કરવાથી જંતુનાશક દવાઓના અવશેષોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે.

શાકભાજીની જેમ ખાદ્યાન્ન કૃષિ પેદાશો માટે પણ જંતુનાશક દવાઓ સંબંધી કૃષિ માર્ગદર્શન ખેડૂતોએ મેળવવું જ રહ્યું. જો આ રીતે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો પ્રમાણસર અને સમયસર ઉપયોગ કરે તો શક્ય છે કે તેના બંને હેતુ  પાક સંરક્ષણ અને માનવીય સ્વાસ્થ્ય સંરક્ષણ, બંને સાકાર થઈ શકે. આટલી જાગૃતિ અને સાવઘાની તો ખેડૂતોએ રાખવી જ રહી. નહીં તો સ્થિતિ એવી સર્જાશે કે ખેત ઉપજ પણ પૂરતી નહીં મળે, ખર્ચના વિષચક્રમાં ફસાતા જઈશું અને અંતે માનવીય સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ સ્વાસ્થ્ય પણ કથળશે. આ રોકવું તે આપણા હાથની વાત છે.