Krushi Vishwa

જ્યાં જમીન શુદ્ધ ત્યાં જીવન શુદ્ધ : દવા વગરનાં 7 વર્ષ

By GS Team
23 Dec 20254 mins read
TukuTouch Logo
‘‘જ્યારે અમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી ત્યારથી ઘરમાં કોઈને દવા લેવાની જરૂર પડી નથી.’’ એવું ગર્વભેર કહે છે જૂનાગઢ જિલ્લાના માળિયા-હાટિના તાલુકાના જાનડી ગામના ખેડૂત લખુભાઈ સિસોદિયા, જેમણે વર્ષ 2008થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને આજ સુધી તેનું નિષ્ઠાથી પાલન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં જમીન શુદ્ધ ત્યાં જીવન શુદ્ધ : દવા વગરનાં 7 વર્ષ

Agriculture News :  ‘‘જ્યારે અમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી ત્યારથી ઘરમાં કોઈને દવા લેવાની જરૂર પડી નથી.’’ એવું ગર્વભેર કહે છે જૂનાગઢ જિલ્લાના માળિયા-હાટિના તાલુકાના જાનડી ગામના ખેડૂત લખુભાઈ સિસોદિયા, જેમણે વર્ષ 2008થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને આજ સુધી તેનું  નિષ્ઠાથી પાલન કર્યું છે. તેમના મતે, જેમ  શરીરને કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ હોય છે, તેમ જમીનના કેન્સરનું કારણ એટલે સમજણ વિનાની રાસાયણિક ખેતી. તેથી તેમણે નક્કી કર્યું કે કોઈપણ ભોગે જમીનને બગડવા દેવી નથી. કારણ કે જમીનમાં થતો કાર્બનનો ઘટાડો અને વધુ પડતી કઠણ જમીન હવે ખેડૂતો માટે જટિલ પ્રશ્ન બની ગઈ છે.

પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે તેમની પાસે કોઈપણ સહારો ન હતો કે જેથી તેઓ પ્રાકૃતિક ખેતી કરવા માટે સક્ષમ બને, પરંતુ ધીમે ધીમે લોકોના માર્ગદર્શન અને અલગ અલગ માઘ્યમો તેમ જ સુભાષ પાલેકરની શિબિરોના અનુભવથી પ્રેરિત થઈ પ્રાકૃતિક ખેતી જ એક ઉપાય છે, તેવું માનીને તેમણે શરૂઆત કરી. 

શરૂઆતના દિવસોમાં ખૂબ જ તકલીફ પડી કારણ કે વર્ષો જૂની રાસાયણિક પદ્ધતિથી કરવામાં આવતી ખેતીના કારણે જમીન ખૂબ જ કડક અને ભેજ સંગ્રહ કરી ન શકે તે પ્રકારની બની ગઈ હતી, જેને કારણે તે જમીનને પ્રાકૃતિક ખેતીને અનુકૂળ બને તેવી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડી. 

છ વર્ષની મહેનત ફળી

વર્ષ 2008થી પ્રાકૃતિક ખેતીમાં લખુભાઇએ શરૂઆત કર્યા બાદ ધીરે ધીરે તેમને પ્રાકૃતિક ખેતીના દરેક આયામ અપનાવ્યા. ત્યાર બાદ વર્ષ 2014 થી તેમની જમીન ખેતીલાયક બની અને પોતાની 20 વીઘા જમીનમાં વિવિધ પાકનું વાવેતર કરવાની શરૂઆત કરી. 

આ અંતર્ગત  મગફળી, મકાઈ, તુવેર, ઘઉં, ચણા, ધાણા તેમ જ પોતાના ઘર પૂરતી ઉપયોગી શાકભાજીનું વાવેતર કરવા લાગ્યા. આ દરેક પ્રોસેસમાંથી પસાર થયા બાદ વર્ષ 2019 થી તેમની આવકમાં વધારા સાથે ઉત્પાદન પણ ચોખ્ખું મળતું થયું. 

દ્રઢ નિર્ઘારે અપાવી સફળતા

લખુભાઇ જણાવે છે કે શરૂઆતમાં મને પ્રાકૃતિક ખેતી કરવામાં ખૂબ જ મહેનત પડી, પરંતુ મેં હિંમત ના હારી અને દ્રઢ નિશ્ચય કર્યો હતો કે કોઈપણ ભોગે મારી જમીનની તંદુરસ્તી જોખમાવવી નથી. મારે મારી જમીનને ગમે તે પ્રકારે જીવંત-તંદુરસ્ત બનાવીને તેમાંથી ઉત્પાદન પણ સારું મેળવવું છે. જોતજોતામાં મને એટલી સારી સફળતા મળી કે હું આસપાસનાં ગામનાં લોકોને પણ પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ તે માટેના હવે શિબિર કેમ્પ પણ હું કરું છું.

જ્યારે હું  રાસાયણિક ખેતી કરતો અને તેને છોડીને પ્રાકૃતિક ખેતી કરતો થયો ત્યારે તે બંને ખેતી વચ્ચેનો ભેદ જણાવું તો હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે મારી જમીનમાં પાણીની સંગ્રહશક્તિનો ઘટાડો જોવા મળતો હતો, ઉપરાંત જમીનમાં રોગ વધારે આવતા હતા, વરસાદના સમયે પાક બળી જતો હતો અને જમીનમાં કાર્બન દિન-પ્રતિદિન ઘટતું જતું હતું, જે 0.30 થી 0.42 ટકા સુધી થઈ ગયું હતું. 

જ્યારે પ્રાકૃતિક ખેતી કરતો થયો ત્યારે જમીનમાં ભેજ સંગ્રહશક્તિ વધી, અળસિયાનું પ્રમાણ વઘ્યું, ઉપરાંત કાર્બનમાં વધારો થયો, જે 0.30 થી વધીને 1.0 ટકા જેટલો નોંધાયો. આમ, જમીન સુઘરતા વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરવા લાગ્યું. 

રાસાયણિક ખેતી કરવાથી દવાનો ખર્ચ વધારે થતો હતો અને ઉત્પાદન ઘટતું જતું હતું સાથે જે પ્રમાણે ઉત્પાદન મળતું હતું તે પ્રમાણે આવક મળતી ન હતી એટલે કે ખેડૂત મહેનત કરીને થાકી જાય પરંતુ તેના ભાગે જોઈએ તેવું વળતર મળતું ન હતું. ઉપરાંત પાકમાં પણ ફરક દેખાતો હતો. જેમ કે હું રાસાયણિક પદ્ધતિથી મગફળીની ખેતી કરતો હતો ત્યારે એક વીઘામાં 15 થી 17 મણ મગફળી થતી હતી, જેની આવક રૂપિયા પંદરથી સાર હજાર થતી. એ ખર્ચ બાદ કર્યા પછી મને રૂપિયા ચારથી પાંચ હજારની ચોખ્ખી આવક મળતી હતી. 

જ્યારે પ્રાકૃતિક પદ્ધતિથી મેં ખેતી કરવાની શરૂઆત કરી તો એક વીઘામાં 25 થી 30 મણ જેટલી મગફળીનું ઉત્પાદન થયું, જેની પચ્ચીસથી ત્રીસ હજાર રૂપિયાની આવક થઈ તેમાંથી રૂપિયા ત્રણ હજારનો જ ખર્ચો થતો એટલે કે રૂા. પચ્ચીસ હજારનો ચોખ્ખો નફો મને મળતો હતો, જે એક ખેડૂત માટે ખૂબ જ સારી બાબત છે.

પ્રાકૃતિક ખેતીનું સાતત્ય

મેં નક્કી કર્યું કે હવે ભલે મહેનત વધારે પડે પરંતુ મારે હવે પ્રાકૃતિક ખેતી જ કરવી છે, જેને લઈને 20 વીઘા જમીનમાં ધીમે ધીમે મેં શરૂઆત કરી તો વર્ષ 2019 થી મને નફો અને ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં જોવા મળ્યાં. એટલે કે નીંદણનો, મજૂરીનો, તેમજ બળદનો ખર્ચો બાદ કરતા વાર્ષિક સાતથી આઠ લાખ રૂપિયાની આવક વર્ષ 2019 થી મને મળતી થઈ. એટલે કે અત્યાર સુધીમાં મને ચોખ્ખી કુલ રૂા. 50 લાખની આવક થઈ છે, જે એક ખેડૂત માટે ખૂબ જ મોટી રકમ કહી શકાય. માટે બીજા ખેડૂતોને હું એટલું જ કહેવા માંગીશ કે ધીરજ રાખશો તો ચોક્કસથી સફળતા મળશે અને આવક પણ બમણી થશે પરંતુ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. 

મારો સંદેશો બીજા ખેડૂતોને એટલો જ છે કે જો આવનાર સમયમાં ખેડૂત પોતાની આત્મસૂઝથી સમજીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત નહીં કરે તો ચોક્કસથી પોતાના પરિવારને તો નુકસાન પહોંચાડશે જ પરંતુ સમાજને પણ નુકસાન પહોંચાડે તો નવાઈ નહીં. એટલે ખેડૂતો પોતાની સામાજિક જવાબદારી સમજીને જો આજથી જ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરશે તો લાંબે ગાળે ખેડૂત અને ખેડૂતના પરિવારને ફાયદો ચોક્કસથી થશે.

લખુભાઈની કહાણી એ સાબિત કરે છે કે જમીન જીવંત છે, તો ખેડૂતો સમૃદ્ધ છે. આજે જ્યારે ખેડૂતો આર્થિક સદ્ધરતા મેળવવા ઇચ્છે છે, ત્યારે પ્રાકૃતિક ખેતીને સફળ બનાવી પોતે પણ આર્થિક દ્રષ્ટિએ સંપન્ન બન્યા હોય તેવા લખુભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક છે.