શાકભાજીની ખેતીમાં બુદ્ધિગમ્ય અભિગમનું પરિણામ : ઓછી જમીનમાં વધુ ઉત્પાદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• વેપારની અનોખી રણનીતિ અપનાવીને પ્રાકૃતિક ખેતીને સફળ બનાવી
• પંચસ્તરિય મોડેલથી શાકભાજીની ખેતી કરતા ઘનંજયભાઈ વાવણીના અનોખા આયોજન ઉપરાંત ખેતરેથી જ તેનાં સીઘા વેચાણની વ્યવસ્થા દ્વારા પોતાને અને ગ્રાહકોને બંનેને ફાયદો કરાવે છે
Agricultural News : ઘણીવાર ખેડૂત પ્રાકૃતિક ખેતી તો શરૂ કરે પણ તેની કૃષિપેદાશોની વેચાણ વ્યવસ્થાનું માળખું તેમનાં વિસ્તારમાં ન હોવાથી તેઓ ઘણીવાર તેનાં યોગ્ય ભાવ અને બજાર શોધવામાં મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાનાં સાંપા ગામનાં ધનંજયકુમાર પટેલે તેનો રસ્તો કાઢીને ગ્રાહકો સુધી પોતાની શાકભાજી પહોંચાડી. તેમણે સ્પર્ધાત્મક ભાવ રાખીને અને શાકભાજીની ગુણવત્તાથી ગ્રાહકોનું પણ ધ્યાન ખેંચ્યું.
સૌથી અગત્યની તેમની માર્કેટિંગની રણનીતિ વિશે તેઓ જણાવે છે કે, મારા કૃષિ ઉત્પાદનનો ભાવ હું જાતે જ નક્કી કરતો હોઉં છું અને તેમાં હંમેશાં પોષણક્ષમ ભાવ રાખતો હોઉં છું. બજારમાં આમ તો વધુ આર્થિક રીતે સંપન્ન હોય તેવા ગ્રાહકો કોઈ પણ ભાવે પ્રાકૃતિક શાકભાજી ખરીદી શકશે, પરંતુ જે સામાન્ય વર્ગ છે તેમને કદાચ પ્રાકૃતિક શાકભાજીનાં ભાવ ન પણ પોષાય તેવું બને. તેથી તેમણે ભાવ પણ સૌ ગ્રાહકને પોસાય તેવા પોષણક્ષમ રાખ્યા છે.
સામાન્ય રીતે ખેડૂતના શાકભાજી વચેટીયાઓ ખરીદે, ત્યારબાદ હોલસેલવાળા અને અન્ય શાકભાજીવાળા ખરીદતા હોય છે. તેમાં તે લોકોનો નફો વધવાથી શાકભાજીનો ભાવ પણ વધી જાય છે, ત્યારે આ સ્થિતિમાં તેઓ વચેટિયાઓના નફા વગર સીધા ગ્રાહકો સુધી પહોંચે છે અને તે પણ બજારનાં રિટેલ ભાવ સામે સ્પર્ધાત્મક ભાવ રાખીને સીધા ગ્રાહકોને વેચાણ કરે છે.
તેમના મોટાભાગનાં ગ્રાહકોમાંથી 50% ગ્રાહકો ખેતરમાંથી જ શાકભાજી લઈ જાય છે, જ્યારે અન્ય 50% ગ્રાહકો સોસાયટીના નિયમિત ગ્રાહકો છે. ભાવની આ રણનીતિ છેલ્લા પાંચ મહિનાથી તેમણે અપનાવી છે અને તેઓ તેમાં સફળ પણ છે. એ માટે તેમણે સોસાયટીમાં સંપર્ક કરીને પોતાની પ્રાકૃતિક જણસી અને તેનાં યોગ્ય ભાવની જાણકારી આપી અને હવે અઠવાડિયામાં બે દિવસ ચોક્કસ સમયે તેઓ વિવિધ શાકભાજી લઈને સોસાયટીઓમાં જાય છે અને તેનું વેચાણ માત્ર 15 થી 20 મિનિટમાં જ સંપૂર્ણપણે થઈ જાય છે.
ગ્રાહકોને તેમનાં વિવિધ શાકભાજીમાં તેનો સ્વાદ અને ગુણવત્તા પસંદ આવે છે. રાંધતી વખતે જે તે શાકભાજી જલદી ચડી પણ જાય છે. અહિંયા ગુણવત્તા બોલે છે. અહીં ગ્રાહકોને પણ ફાયદો અને તેમને પણ ફાયદો થાય છે
ધનંજયકુમાર બે એકરમાં છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને અન્ય બે એકરની રાસાયણિક ખેતી પણ પ્રાકૃતિક ખેતીનાં પરિવર્તનનાં તબક્કામાં છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં પંચસ્તરીય મોડેલમાં વિવિધ શાકભાજીની ખેતી કરે છે. તેઓ શાકભાજીનાં વાવેતરમાં તેનાં વાવણી સમયને ખાસ અનુસરે છે, પરંતુ વિશેષ ધ્યાન એ રાખે છે કે દર મહિને 100 રોપા શાકભાજીના લગાવે છે.
તેમની ગણતરી એવી છે કે વિવિધ પાંચ શાકભાજીમાંથી 10 કિલોની લણણી કરી અઠવાડિયામાં બે વાર તેનું વેચાણ કરી શકાય. મોટાભાગે તેમની શાકભાજીની ખેતી છ થી આઠ મહિના ચાલતી હોય છે, તેમને જ્યારે લાગે કે, હવે કોઈ પાકમાં ઉતારો ઓછો થઈ રહ્યો છે ત્યારે તે નબળા છોડની બાજુમાં નવા છોડ લગાવી તેમાં ઉત્પાદન ચાલુ થઈ જાય, ત્યારબાદ તેની બાજુના જૂના-નબળાં છોડ કાઢી નાખે છે. તેઓ શાકભાજીના મંડપમાં ગીલોડાના પાકનું વાવેતર કરે છે. થાંભલા પર વેલાવાળા પાક, જમીનની નીચે તેઓ કંદમૂળ જેવા કે, બીટ, મૂળાનું વાવેતર કરે છે. જમીનની સપાટી પર મેથીની ભાજીની ખેતી કરે છે.
આ રીતે વિવિધ સ્તરમાં પાક લેવાથી મોટો ફાયદો એ થાય છે કે, ઓછી જમીનમાં વધુ પાક લઈ વધુ ઉત્પાદન મેળવી શકાય અને પાણી અને ખાતરનો પણ બચાવ કરી શકાય છે. તેઓ શાકભાજી સાથે પૂરક હોય તેવા પાકની પસંદગી પણ કરે છે જેમ કે, ટામેટીની બાજુમાં કઠોળનો પાક લે છે.
ધનંજયભાઈએ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાંધેજા, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. તેઓ જણાવે છે કે, રાસાયણિકમાંથી પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ શરૂઆતના 2-3 વર્ષ ઉત્પાદન ઓછું મળતું હોય છે, પરંતુ ત્યારબાદ રાસાયણિક ખેતીની સમકક્ષ અથવા તેનાથી પણ વધુ ઉત્પાદન મળતું હોય છે.
રાસાયણિક ખેતીમાં એક સમયે તેમને ઘઉંનું ઉત્પાદન પ્રતિ વીધે 40 થી 45 મણનું ઉત્પાદન મળતું અને તેમાં ભાવ તેમને 500 થી 600 રૂપિયા પ્રતિમણનો મળતો હતો. ત્યારે પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ઘઉંમાં 50 મણનું ઉત્પાદન પ્રતિ વીઘે મળે છે. આ ઘઉંને સાફ કરાવી, મશીનક્લીન કરાવી તેનું મૂલ્યવર્ધન કરે છે અને તેનું વેચાણ રૂપિયા 1000 પ્રતિ મણના ભાવે કરે છે.
રાસાયણિક ખેતીમાં એક વીઘામાં ખાતર અને દવાનો તેમને રૂપિયા 25-30 હજારનો ખર્ચો થતો હોય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જો ગાય ન રાખી હોય અને બહારથી ગોબર, ગૌમૂત્ર ખરીદવામાં આવે તો વીઘાદીઠ રૂપિયા 7 થી 8 હજારમાં અને જો ગાય હોય તો વીઘે રૂપિયા 2000નાં ખર્ચમાં પતી જાય છે. તેમની પાસે બે ગીર ગાય છે.
ગત વર્ષની તેમની પ્રાકૃતિક બે એકરની ખેતીની વાત કરીએ તો રીંગણની ખેતીમાં રૂપિયા 1,60,000નું ઉત્પાદન થયું. રૂપિયા 9000 નો કુલ ખર્ચ બાદ કરતા રૂપિયા 1,51,000નો ચોખ્ખો નફો મળ્યો. જો આ જ ખેતી તેમણે રાસાયણિક રીતે કરી હોત તો તેમાં ખર્ચો આશરે રૂપિયા 50,000 થઈ જાત. ખર્ચ વધી જતો. જો કે ઉત્પાદન અને ભાવ પણ સરખા જ મળત.
તેમની આ સફળતાનું રહસ્ય માત્ર પ્રાકૃતિક ખેતી જ નહીં, પણ એક સુનિયોજિત પંચસ્તરીય મોડેલ અને ગ્રાહક-કેન્દ્રીત માર્કેટિંગ રણનીતિમાં છુપાયેલું છે. પ્રાકૃતિક ખેતી, યોગ્ય પદ્ધતિ અને કુશળ માર્કેટિંગ રણનીતિના સંયોજનથી પ્રાકૃતિક ખેતીને ટકાઉ બનાવી શકાય છે.




