હિંમત અને દ્રઢ સંકલ્પ હોય તો પ્રાકૃતિક ખેતી માત્ર સપનું નહીં, પરંતુ સફળતાનો માર્ગ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : દેશની ઉન્નતિ માટે દરેક નાગરિકનું સ્વસ્થ સ્વાસ્થ્ય પાયાની જરૂરિયાતોમાંનું એક છે. પોષણયુક્ત ખોરાક લોકોને મળી રહે તે માટે દેશભરમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાજ્યના ખેડૂતોને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તરફ નવી દિશા મળી રહે છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિપદ્ધતિનો વ્યાપ વધારવા સચોટ પ્રયાસો થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ એ ગૌ-આધારિત કૃષિ છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ગૌમાતાની સેવા અને લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરવા મહત્ત્વનું યોગદાન આપી રહી છે.
પ્રાકૃતિક ખેતીના આધારસ્થંભોને અનુસરીને બનેલું ગૌ-આધારિત કૃષિ મોડલ પણ એક રીતે પ્રાકૃતિક કૃષિનું પ્રેરણાકેન્દ્ર બની રહ્યું છે, જેમાં પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. મોડલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધારસ્થંભ છે, તેવા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, મિશ્રપાક પદ્ધતિ સહિત પ્રાકૃતિક કૃષિના માપદંડો પર ખરા ઉતરે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરતા હોય એટલે કે, જે ખેડૂતો ગાય રાખતા હોય તેમના ફાર્મને મોડલ ફાર્મ કહી શકાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખેડૂત નારાયણભાઈ લકુમ શરૂઆતમાં રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વર્ષ 2019 માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આત્મા યોજનાના ગ્રુપમાં જોડાયા બાદ અને આત્મા વિભાગ સુરેન્દ્રનગર દ્વારા યોજાતી મિટિંગોમાં હાજરી આપવાથી તેમને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી. આ સિવાય પ્રેરણા પ્રવાસ અને સુભાષ પાલેકરજીની શિબિરોથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ આ પદ્ધતિઓ તેમને તેમના જ ખેતરમાં અપનાવી અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ મેળવી.
શરૂઆતમાં નારાયણભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ જ યુરિયા, ડી.એ.પી., વિવિધ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ સમસ્યા એટલી જ કે, પાક તો ઉગતો હતો, પણ જમીનની ફળદ્રુપતા ઓછી થતી હતી, જમીન કઠણ બનતી જતી હતી, પાણીની જરૂરિયાત વધતી જતી અને રોગ-જીવાતનો ત્રાસ પણ અનહદ વધતો હતો. ખેતીખર્ચ એટલો વધી ગયો કે નફો તો રહેતો જ નહોતો, ઘણીવાર નુકસાન પણ સહન કરવું પડતું.
નહીંવત્ ખર્ચે પ્રાકૃતિક કૃષિ
પ્રાકૃતિક ખેતી દ્વારા ગુણવત્તાયુક્ત આહારની સાથે-સાથે સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે. મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે નારણભાઈએ પ્રેરિત પણ કર્યા હતા. બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ જેવા પ્રાકૃતિક કૃષિ માટે મહત્ત્વનાં પરિબળો વિશે તેઓએ અનેક શિબિરોમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે. તેમ જ આ આયામોનું પાલન કરીને સારી ખેતી કરી, નહીંવત્ ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેવું પણ ખેડૂતોને ભારપૂર્વક કહેતા સમજાવતા રહે છે.
મિશ્ર પાકપદ્ધતિથી ફળદ્રુપતા જળવાય
નારાયણભાઈએ પોતાના ખેતરમાં પંચસ્તરીય સિદ્ધનાથ પ્રાકૃતિક મોડલ ફોર્મ વિક્સાવ્યું છે, જેમાં કપાસ, પપૈયા અને શાકભાજી જેવા પાકોનું ખરીફ ૠતુમાં વાવેતર કરે છે, બીજી બાજુ રવી ૠતુમાં ચણા, ઘઉં, જીરૂ અને વરીયાળી જેવા પાકોનું વાવેતર કરે છે. ઉનાળા દરમિયાન જુવારનું વાવેતર કરે છે, જેથી તેમની પાસે રહેલી બે ગાય અને એક ભેંસ માટે આખા વર્ષનો ચારો તૈયાર થઇ જાય છે. આમ, મિશ્રપાક પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, સાથે જ રોગ-જીવાતનાં ઉપદ્રવની ચિંતાથી મુક્તિ મળે છે તેની સાથે જ ખેડૂતોને એક જ પાક પર આધાર રાખવો પડતો નથી.
ગયા વર્ષે નારાયણભાઈએ 12 એકરમાં વિવિધ પાકોનું વાવેતર કરી સારી આવક મેળવી છે, તેનું ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, ત્રણ એકર જમીનમાં ચણાનું વાવેતર કરેલ હતું, જેમાંથી 258 મણ ઉત્પાદન મળ્યું હતું, જેનું વેચાણ રૂા. 1150 પ્રતિ મણનાં ભાવે કરી ચણાના પાકમાંથી રૂા. 2,96,700 ની આવક મેળવી. ખેતી ખર્ચની વાત કરીએ તો રૂા. 21,000 નો ખર્ચ થયેલ હતો. આમ, કુલ આવકની વાત કરું તો માત્ર ત્રણ એકરમાંથી રૂા. 2,75,700 નો ચોખ્ખો નફો મળ્યો.
અન્ય ત્રણ એકર જમીનમાં વરિયાળીનું વાવેતર કરેલ હતું, જેમાંથી 95 મણ ઉત્પાદન મળ્યું હતું, જેનું વેચાણ રૂા. 1485 પ્રતિ મણના ભાવે 57 મણ અને રૂા. 1610 પ્રતિ મણના ભાવે 38 મણનું કરેલ હતું, વરિયાળીના પાકમાંથી રૂા. 1,45,825 ની આવક મેળવી. ખેતી ખર્ચની વાત કરીએ તો રૂા. 42,000 નો ખર્ચ થયેલ હતો. આમ, કુલ આવકની વાત કરું તો માત્ર 3 એકરમાંથી રૂા.1,03,825 નો ચોખ્ખો નફો મળ્યો.
અન્ય બે એકર જમીનમાં ઘઉંનું વાવેતર કરેલ હતું, જેમાંથી 157 મણ ઉત્પાદન મળ્યું હતું, જેનું વેચાણ રૂા.550 પ્રતિ મણના ભાવે કરેલ હતું, ઘઉંના પાકમાંથી રૂા.86,350 ની આવક મેળવી. ખેતી ખર્ચની વાત કરીએ તો રૂા.24,000 નો ખર્ચ થયેલ હતો. આમ, કુલ આવકની વાત કરું તો માત્ર બે એકરમાંથી રૂા. 62,350 નો ચોખ્ખો નફો મળ્યો.
નારાયણભાઈ કહે છે કે, રવી પાકમાં જે નફો મળ્યો એ માત્ર વધારે ઉપજથી નહીં, પણ ઓછા ખેતીખર્ચથી શક્ય બન્યો. કેમ કે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક દવાઓ, ખાતર ખરીદવાની જરૂર નથી રહેતી. બધું મારા ખેતર પર જ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા પછી અમારા ખેતરની જમીન પણ હવે નરમ અને ભરભરી બની ગઈ છે, જે પહેલાં અત્યંત કઠણ હતી, હવે હળ ચલાવતાં જ પાંખું થઈ જાય છે. રોગ-જીવાતોનો આતંક ઓછો થયો છે અને પાક વધુ સંરક્ષિત રહે છે.
પાક વૈવિઘ્ય સફળતા અપાવે
નારાયણભાઈ સ્પષ્ટ સંદેશ આપે છે કે, રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખેતીખર્ચમાં વધારો થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેતીખર્ચમાં ઘટાડો થાય છે અને એક મહત્ત્વની વાત એ કે, ગુજરાતના મોટાભાગના ખેડૂતો કોઈપણ એક પાકની ખેતી તરફ વધારે આકર્ષિત થાય છે. જ્યારે મારું પોતાનું માનવું એવું છે કે, જો ખેડૂતો થોડા-થોડા વિસ્તારમાં અલગ-અલગ પાકનું વાવેતર કરશે તો તે જ વર્ષે ઉત્પાદન અને ખેડૂતની આવકમાં વધારો તો થશે જ, પરંતુ આમ અલગ-અલગ પાકના વાવેતર કરવાથી ખેડૂતો જાણી શકશે કે કયો પાક જમીનને વધુ માફક આવે છે અને કયા પાકનું વાવેતર કયા સમયે કરવું જેથી સારો બજાર ભાવ મેળવી શકાય.




