ધરતી આપણી માતા, તેનું સંવર્ધન આપણું પણ જતન કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : આજે ખેતીમાંથી વધુ ઉત્પાદન અને નફો મેળવવો દરેક ખેડૂત માટે પડકારરૂપ બની ગયો છે. ખાસ કરીને જમીનની ગુણવત્તામાં ઘટાડો અને ખર્ચમાં થતો વધારો ખેડૂતો માટે જટિલ પ્રશ્ન છે, પરંતુ જે ખેડૂત સમયાનુકૂળ બદલાવ સ્વીકારી પોતાની ખેતીપદ્ધતિ બદલવા તૈયાર થાય છે તો તે પોતાનું નસીબ પણ બદલી શકે છે.
જૂનાગઢ જિલ્લાના વડાલ ગામના હિતેશભાઈ પણ એવા જ આત્મવિશ્વાસ ધરાવતા ખેડૂત છે, કે જેમણે રાસાયણિક પદ્ધતિથી ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી સ્વીકારી અને પોતે તો સફળ થયા જ, સાથે સાથે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પણ બન્યા.
20 વીઘા જમીન ધરાવતા હિતેશભાઈ છેલ્લા 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યા છે અને જણાવે છે કે પ્રાકૃતિક ખેતી જ ખેડૂતો માટે લાભદાયક છે. તેઓ છેલ્લા 27 વર્ષથી રાસાયણિક ખેતી સાથે સંકળાયેલ, પરંતુ તેમને થયું કે, હવે કંઈક નવી ખેતપદ્ધતિ અપનાવવી છે, કારણ કે રાસાયણિક ખેતી અંતર્ગત તરબૂચ, ટેટી, પપૈયા, હળદર અને વિવિધ શાકભાજીમાં વર્ષોવર્ષર્ વધતા જતા ખર્ચના કારણે તેઓ કંટાળી ગયા હતા.
આવું લગભગ 10 થી 12 વર્ષ સુધી ચાલ્યું. તેમણે ખેતરની જમીનનો લેબોરેટરી રિપોર્ટ પણ કરાવ્યો, જેમાં જાણવા મળ્યું કે રાસાયણિક પદ્ધતિથી ખેતી કરવાથી જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટતું જતું હતું અને જમીનના બેક્ટેરિયા તેમ જ મિત્રકીટકો પણ ઘટતા જતા જમીન કડક થતી ગઈ. સ્થિતિ એવી આવી કે જમીનનું નુકસાન અટકાવવા ગમે તેટલું છાણિયું ખાતર વાપરીએ તો પણ જમીનની ઉત્પાદકતામાં કોઈ ફેર ન પડ્યો. તેની સાથે છાણિયા ખાતરનો ખર્ચ પણ અત્યંત વધી ગયો. ઉપરાંત છોડના મૂળ પણ બળી જતા હતા.
આ બધી સમસ્યાઓથી તેમણે વિચાર્યું કે પ્રાકૃતિક ખેતી જો હું કરીશ તો ચોક્કસથી મને સારું પરિણામ મળશે અને ખર્ચ પણ ઘટશે એટલે વર્ષ 2014માં તેમણે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત અડધા વીઘામાં રાસાયણિક ખેતીની સાથે જ કરી. તેમાં તેમને રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં સારું પરિણામ મળ્યું.
ત્યારબાદ તેમને થયું કે જો મારે હવે જમીને સુધારવી હશે તો ચોક્કસથી એવા પ્રકારે ખેતી કરવી પડશે કે જેના કારણે મારી જમીન પણ સુધરે અને ધીમે ધીમે રાસાયણિક ખેતીમાંથી પણ છુટકારો મેળવાય. એટલે તેમણે શરૂઆતના બે વર્ષ લીલો પડવાશના વાવેતરની શરૂઆત કરી અને તેના આધારે ખેતરનો જે કચરો થતો તે જ કચરો પાછો ખેતરમાં નાખવાથી જમીનમાં દિન-પ્રતિદિન સુધારો જોવા મળ્યો.
તેમનું કહેવું છે કે, જો જમીનને નુકસાન ન થવા દેવું હોય તો મોટાભાગનું વાવેતર ડાંગર, જુવાર, બાજરો, જેવા પાકનું કરીએ તો જમીનનું ધોવાણ પણ ઓછું થાય છે અને નીંદણના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
આમ, ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થવા લાગ્યું, પરિણામે તેઓએ રાસાયણિક ખેતી બંઘ કરીને છેલ્લા 11 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવીને અન્ય ખેડૂતોને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત
હિતેશભાઈ પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત જણાવતા કહે છે કે, જ્યારે હું રાસાયણિક પદ્ધતિથી કેળાની ખેતી કરતો હતો ત્યારે લગભગ પાંચ વીઘામાં વર્ષે 2000 મણ જેટલા કેળાનું ઉત્પાદન થતું હતું, જ્યારે પ્રાકૃતિક ખેતી કરતો થયો ત્યારે ઉત્પાદનમાં પ્રમાણમાં ઘટાડો થયો. આમ છતાં પણ સૌથી મોટો ફાયદો એ છે કે, એક વખત વાવેતર કર્યા પછી પ્રાકૃતિક કેળની 15 થી 20 વર્ષ સુધી ફરીથી રોપણી કરવાની જરૂર રહેતી નથી. રાસાયણિકમાં છોડ ઉપરાંત ખાતર, મજૂરી સાથે વીઘાદીઠ વાર્ષિક ખર્ચ રૂ. 22000 જેટલો થઈ જાય. ઉપરાંત બે વર્ષ પછી ફરીથી છોડની રોપણી કરવી પડે, તેની પાછળ આટલો જ અથવા આથી પણ વધુ ખર્ચ થાય.
હાલમાં હું 4 વીઘામાં કેળનું વાવેતર કરું છું તે જોતા પ્રાકૃતિક ખેતીના કારણે રૂ. 40 થી 50 હજારનો ખર્ચ બચી જાય છે. આ જ સૌથી મોટો ફાયદો છે. એટલે હું બીજા ખેડૂતોને એટલું જ કહેવા માગું છું કે, પ્રાકૃતિક ખેતી ચોક્કસ મહેનત માંગી લે છે, તેમાં સમય ખૂબ જ આપવો પડે છે પરંતુ હારીને કે થાકીને ડગવાનું નહીં, કારણ કે આજે રાસાયણિક ખેતીથી થતું પાક ઉત્પાદન કદાચ વધુ મળશે, પરંતુ લાંબે ગાળે તે ઘટવાનું જ છે અને તેની સાથે જ સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડશે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં થોડી મહેનત પડે છે, પરંતુ ત્યાં એક વખત ગ્રીપ (પકડ) આવી ગયા બાદ જમીન અને પાક બંનેમાં ફાયદો જોવા મળે છે.
હિતેશભાઈનું કહેવું છે કે, એક વાત ચોક્કસ છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતને ફાયદો તો થાય જ છે સાથોસાથ ખેતીને પણ લાંબાગાળે સારો એવો ફાયદો થાય છે. હું મારી વાત કરું તો શરૂઆતમાં મને પણ એવું થયું હતું કે રાસાયણિક ખેતી બંધ કરીશ તો પ્રાકૃતિકમાં મને ઉત્પાદનની સામે ફાયદો થશે કે કેમ, પરંતુ મેં ધીરજ રાખી અને વિશ્વાસ રાખ્યો કે જો ભવિષ્યમાં સ્વાસ્થ્યને નુકસાન અને ખેતીને બચાવવી છે તો ધીરજ રાખવી જ પડશે અને તેથી જ આજે હું દરેક શાકભાજી અને મારી જમીનમાં થતાં ફળ જામફળ, સીતાફળ, કેળા, પપૈયા તથા ઘઉં, બાજરો, મગ, કઠોળ જેવું અનાજ આ દરેક વસ્તુનું સીધું વેચાણ અને મૂલ્યવર્ધનનું વેચાણ કર્યા બાદ મને વાર્ષિક રૂ. 14 લાખની ચોખ્ખી આવક થાય છે, જે એક ખેડૂત માટે આ ખૂબ સારી વાત છે. જો સીધો નફો ખેડૂતને થતો હોય તો પ્રાકૃતિક ખેતી તરફ દરેક ખેડૂતે સકારાત્મક વિચાર રાખીને વહેલી તકે તેની શરૂઆત કરવી જોઈએ.
‘ધરતી માતા મારી પણ માતા છે, તેનું જતન કરવું મારી જવાબદારી છે. હું તો સ્પષ્ટ કહું છું કે, જો ધરતીનું સંવર્ધન આપણે કરીશું તો ધરતીમાતા પણ આપણું સંવર્ધન કરશે. ધરતીના સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે.’ તેમનો આ સંદેશ પ્રત્યેક ખેડૂતે સમજવા જેવો છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા
• કોઈ પણ જાતનું ખાતર બજારમાંથી લાવવાની જરૂર પડતી નથી.
• ફૂગની દવા બજારમાં લેવા જવી પડતી નથી.
• ખેતરમાં કોઈ પણ પ્રકારની જીવાત નુકસાન પહોંચાડતી નથી.
• મિત્રકીટકો એટલે કે કીડી, મકોડા, ક્રાયસોપા નામની ભમરી વધી જાય છે.
• અળસિયા અને બેક્ટેરિયા પણ વધે છે.
• જીવામૃત, ઘન જીવામૃત જેવા ખાતરનો વપરાશ વધારે કરવાથી જમીન પોચી અને નરમ બને છે.




