પ્રાકૃતિક કૃષિની સફળતા તો જૂઓ ! દેવામાં ડૂબેલા ખેડૂતને દેવામુક્ત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : કૃષિ ક્ષેત્રે આજે એવી સ્થિતિ છે કે ખેડૂતને માત્ર પોતાના આર્થિક લાભ માટે શોર્ટ-કટ અપનાવવો છે. રાસાયણિક ખેતી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે, કૃષિ ઉત્પાદન ઘટતું જાય છે, તેની સામે રાજ્યના અનેક ખેડૂતો વૈકલ્પિક આદર્શ કૃષિ પદ્ધતિ સમાન પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળ થઈ રહ્યા હોવા છતા, મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખેતી ચાલુ રાખીને સતત દોડ્યે રાખે છે, છેવટે નિષ્ફળતા જ હાથ લાગે છે. પરંતુ જે ખેડૂતો સમજી ચૂક્યા છે તેઓએ રાસાયણિક ખેતીને તિલાંજલી આપી છે. અમુક ખેડૂતો એવા પણ છે કે પોતાના વડીલોની પરંપરાને જાળવીને પ્રાકૃતિક ખેતી અપનાવીને તેઓએ સફળતા પણ મેળવી છે.
આવા જ એક ખેડૂત એટલે ગીર સોમનાથ જિલ્લાના પીપળવા ગામના હરદાસભાઇ જાદવ. તેમણે સતત 32 વર્ષની રાસાયણિક ખેતી બંધ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો અને વર્ષ 2016 થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. જો કે વર્ષોથી રાસાયણિક ખેતી થતી હોવાના કારણે તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆતનાં વર્ષોમાં થોડી મુશ્કેલી અવશ્ય પડી. કારણ કે એક તો જમીન સૂકી થઈ ગઈ હતી. જમીનમાં ભેજ સંગ્રહશક્તિ ઓછી થઈ ગઈ હતી. ઉપરાંત કઠણ અને ઓછા કાર્બનવાળી જમીનમાં ખેતી કરવા પાછળ ઉત્પાદનની આવકની સામે ખર્ચ પણ ખૂબ થતો હતો, એટલે કે ખેડૂતને જોઈએ તે પ્રમાણમાં વળતર મળતું ન હતું.
આ સંજોગોમાં તેમણે વિચાર્યું કે, ખેતીમાં જે કંઈ મુશ્કેલીઓ આવી છે, તેનો ઉપાય કરવો જ રહ્યો. એટલે તેમણે પ્રાકૃતિક ખેતીના મૂળ પાંચ સ્તંભ બીજામૃત, જીવામૃત, આચ્છાદન, મિશ્ર પાક અને વાપસા એટલે કે 50% હવા અને 50% ભેજના આઘારે પોતાની પ્રાકૃતિક ખેતીને વિકસાવી. પરિણામે આજે તેઓ સફળ નિવડ્યા છે.
ચાર વર્ષમાં જ દેવાની સંપૂર્ણ ભરપાઈ
હરદાસભાઇ કહે છે કે હું 22 વીઘા જમીનમાં રાસાયણિક ખેતી કરતો હતો, પરંતુ જે પ્રમાણેનું ઉત્પાદન મને મળવું જોઈએ તે મળતું ન હતું. અને વારંવાર ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ નુકસાની ભોગવવી પડતી હોવાથી અવારનવાર બેંક પાસેથી ધિરાણ લેવું પડતું હતું, જે ચૂકવવું પણ અઘરું પડતું હતું અને મારા માથે સાડા સાત લાખ રૂપિયાનું દેવું પણ થઈ ગયું હતું. તેની ભરપાઈ કરવી આ ખેતીમાંથી શક્ય બનતી ન હતી. પરંતુ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ માત્ર ચાર વર્ષમાં જ આ દેવાની ભરપાઈ થાય તેટલી આવક મને થઈ. મારા માટે આ બહુ મોટી વાત હતી. પ્રાકૃતિક ખેતીથી આનાથી વધુ ફાયદો શું હોઈ શકે ?
મારી રાસાયણિક ખેતીમાં હું 22 વીઘામાં વીઘાદીઠ સરેરાશ 15 ટન પ્રમાણે શેરડીનું 300 ટનનું ઉત્પાદન મેળવતો હતો. તેની આવક અંદાજે 8 લાખ રૂપિયા થતી અને નીંદણ અને મજૂરીનો રૂપિયા ત્રણ લાખનો ખર્ચ બાદ કરતા મને 5 લાખ રૂપિયા મળતા હતા. જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ 10 વીઘામાં વીઘાદીઠ 15 ટન પ્રમાણે 150 ટન શેરડીનું ઉત્પાદન થયું, જેની સરેરાશ આવક ચારથી પાંચ લાખ રૂપિયા થઈ. જો કે તેના મૂલ્યવર્ધન એટલે કે ગોળ બનાવીને વેચાણ કર્યું અને રૂપિયા નવ લાખની ચોખ્ખી આવક થઈ.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન લગભગ સરખું જ મળે છે, પરંતુ તેના મૂલ્યવર્ધન અને કૃષિ પેદાશની સારી ગુણવત્તાના કારણે રાસાયણિક પદ્ધતિથી કરવામાં આવતી ખેતી કરતા વધારે બજારભાવ મળે છે સરવાળે ખેડૂતને આર્થિક ફાયદો થાય છે.
તેઓ જણાવે છે કે, અન્ય બાર વીઘા જમીનમાં અડદ, મગ, મગફળી, જેવા પાકનું હું વાવેતર કરું છું એટલે વાર્ષિક સાત લાખ રૂપિયાની આવક થાય છે, એટલે કે કુલ 22 વીઘામાંથી મને છેલ્લા દસ વર્ષમાં 80 લાખ રૂપિયાની આવક થઈ છે. રાસાયણિક પદ્ધતિથી ખેતી ચાલુ રાખી હોત તો આટલી આવકની હું કલ્પના પણ ન કરી શક્યો હોત. એટલે પ્રાકૃતિક ખેતી મારા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે.
રોગ-જીવાતના ઉપદ્રવની સમસ્યા નહીંવત્
હરદાસભાઇ કહે છે, હાલ મારી જમીનમાં એટલો બધો ફરક નોંધાયો છે કે રોગનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. સામાન્ય રીતે જો મગફળીની ખેતી કરતા ખેડૂતો હોય તો તે ખેતીમાં રોગ અને ફૂગ તેમ જ સુકારો આવી જતો હોય છે, પરંતુ મારે એવી કોઈ પણ સમસ્યા આવતી નથી. ઉપરાંત કોઈ પણ પ્રકારની બહારથી દવા લાવીને છંટકાવ કરવો નથી પડતો અને જો જરૂર પડે તો પ્રાકૃતિક ઔષધીથી જ રોગ નિયંત્રણ કરી લઉં છું.
પ્રાકૃતિક ખેતી કર્યા પછી મારા ખેતરમાં કોઈ પણ સમસ્યા આવી નથી જ્યારે મારી આસપાસના ખેતરમાં હું જોઉં છું કે મગફળીના પાકમાં સફેદ ફૂગ આવે છે, જેનો મોંઘી રાસાયણિક દવાઓનો છંટકાવ કર્યા પછી પણ પાકને બચાવી શકાતો નથી અને આખે આખા છોડ સુકાઈ જાય છે, જ્યારે મારા ખેતરમાં આવી કોઈ પણ તકલીફ જોવા મળતી નથી.
મારા અનુભવ પછી હું બીજા ખેડૂતોને એટલું જ કહેવા માંગીશ કે શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરશો તો ઉત્પાદન ઓછું મળશે પણ ચિંતા કરવાની જરૂર નથી. આવનારા સમયમાં ઉત્પાદનની સામે ભાવ વધારે મળશે અને જો પ્રમાણિકતાથી પ્રાકૃતિક ખેતી કરીશું તો આગામી સમયમાં ખેડૂતને પણ લાભ થશે, ગ્રાહકોને પણ લાભ થશે. અંતે ગ્રાહક અને ખેડૂત વચ્ચે વિશ્વાસનો એક એવો સેતુ રચાશે તેનાથી ખેતી, ખેડૂત, ગ્રાહક અને સરવાળે સમાજને સર્વાંગી લાભ થશે. તેમાં જ પ્રાકૃતિક કૃષિની સાર્થકતા રહેલી છે.




