Krushi Vishwa

ઘઉંનું ઉત્પાદન ઘટે તો તેની ચિંતા ન કરો, જાણો ઉત્પાદકતા અને ગુણવત્તા જાળવવાની રીત

By GS Team
19 Jan 20265 mins read
TukuTouch Logo
ઘઉં ગુજરાતનો એક મહત્ત્વનો પાક છે અને તેની નફાકારકતા સંપૂર્ણપણે યોગ્ય વ્યવસ્થાપન પર આધારિત છે. જો ઘઉંના પાકમાં વધારે માત્રામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય, તો તે ઉત્પાદન અને નફામાં ઘટાડો લાવે છે. આ માટે ખાતરનો વૈજ્ઞાનિક ભલામણ અનુસાર ઉપયોગ કરવો જોઈએ. તેમ જ જમીનનું સંતુલિત પોષણ જાળવવા માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. આ તમામ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને ખેડૂતો 35 થી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન મેળવી શકે છે, સાથે દાણા પણ ઉચ્ચ ગુણવત્તાવાળા રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘઉંનું ઉત્પાદન ઘટે તો તેની ચિંતા ન કરો, જાણો ઉત્પાદકતા અને ગુણવત્તા જાળવવાની રીત

Agriculture News : ઘઉં ગુજરાતનો એક મહત્ત્વનો પાક છે અને તેની નફાકારકતા સંપૂર્ણપણે યોગ્ય વ્યવસ્થાપન પર આધારિત છે. જો ઘઉંના પાકમાં વધારે માત્રામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય, તો તે ઉત્પાદન અને નફામાં ઘટાડો લાવે છે. આ માટે ખાતરનો વૈજ્ઞાનિક ભલામણ અનુસાર ઉપયોગ કરવો જોઈએ. તેમ જ જમીનનું સંતુલિત પોષણ જાળવવા માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. 

આ તમામ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને ખેડૂતો 35 થી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન મેળવી શકે છે, સાથે દાણા પણ ઉચ્ચ ગુણવત્તાવાળા રહે છે. ઘઉંના પાક માટે નીંદણ નિયંત્રણ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. નીંદણ છોડ સાથે જગ્યા, પોષક તત્ત્વો, પિયતનું પાણી અને સૂર્યપ્રકાશ માટે સ્પર્ધા કરે છે, જેના કારણે છોડની વૃદ્ધિ અવરોધાય છે અને ઉત્પાદન પર ગંભીર અસર થાય છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નીંદણનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે ઓછા ઉત્પાદનનું મુખ્ય કારણ બની શકે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે નીંદણનું પ્રમાણ ધ્યાનમાં રાખીને યોગ્ય નિયંત્રણ માટેના પગલાં અપનાવવા જરૂરી છે. ઘઉંના નીંદણ નિયંત્રણ માટે પારંપરિક અથવા રાસાયણિક પદ્ધતિ અપનાવવી જોઈએ. પારંપરિક પદ્ધતિમાં નીંદણમુક્ત બીજ વાવવું, આંતરખેડ કરવી, વાવણી પહેલાં મજૂરોથી નીંદણ દૂર કરાવવું અને શેઢા-પાળા તેમ જ ઢાળિયાને નીંદણમુક્ત રાખવા જેવી વિવિધ પદ્ધતિઓ સામેલ છે.

નીંદણ નિયંત્રણ ખૂબ જરૂરી

જ્યાં નીંદણનું પ્રમાણ અત્યંત વધારે હોય અને મજૂરોથી નિયંત્રણ કરવું આર્થિક રીતે શક્ય ન હોય, ત્યાં રાસાયણિક પદ્ધતિ ખૂબ પ્રભાવી સાબિત થાય છે. આ પદ્ધતિમાં ઘઉંના અંકુર ફૂટતા પહેલાં અને પછી દવા છાંટીને નીંદણના વિકાસને અટકાવી શકાય છે. ઉગાવા પહેલાં દવા છાંટવાની પદ્ધતિ સૌથી અસરકારક છે. આ માટે પેન્ડીમીથેલીન (સ્ટોમ્પ) 1.0 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરમાં 600 લીટર પાણીમાં ઓગાળી વાવણી પછી, ઘઉં ઉગતા પહેલાં એકસરખી રીતે છાંટવી જોઈએ. આ રીતે મોટાભાગના નીંદણનો ઉગાવો અટકાવી શકાય છે. જો જમીનમાં પૂરતો ભેજ ન હોય, તો દવા યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી, એટલે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે. જો કોઈ કારણસર ઘઉં ઉગતા પહેલાં દવા છાંટવી શક્ય ન હોય, તો પાક જ્યારે 30-35 દિવસનો થાય ત્યારે 2-4-ડી દવાનેે 0.400 કિગ્રા પ્રતિ હેક્ટરમાં 600 લીટર પાણીમાં ઓગાળી બે પિયત વચ્ચે આ મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ. પરંતુ તેમાં ખાસ કાળજી એ રાખવાની છે કે પિયત આપ્યા પછી તરત દવા છાંટવી નહીં અને દવાના છંટકાવ પછી તરત જ પાણી આપવું નહીં. દવા અને પાણીનો જથ્થો ભલામણ પ્રમાણે જ રાખવો અને નીંદણનાશક દવા છાંટવા માટે ખાસ પ્રકારની નોઝલનો ઉપયોગ કરવો જરૂરી છે.

ઘઉંને અસર કરતાં પરિબળો

ઘઉંના ઉત્પાદન પર વિવિધ પરિબળો અસર કરે છે, જેમાં પિયત સૌથી અગત્યનું અને ખર્ચાળ પરિબળ છે. જ્યારે પિયતની અત્યંત જરૂરિયાત હોય તેવી અવસ્થામાં પિયત ન આપવાથી ઉત્પાદન 5% થી 30% સુધી ઘટી શકે છે.

ઘઉંની કુલ છ કટોકટી અવસ્થાઓ છે. મુકુટ મૂળ, ફૂટ, ગાભે આવવી, ડુંડી અથવા ફૂલ, દુધિયા દાણા અને પોંક. આ દરેક અવસ્થામાં પિયત સમયસર આપવું જરૂરી છે, કેમ કે કોઈ પણ અવસ્થામાં પિયત ચૂકી જવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

દાણામાં પોપટીયાપણું (સફેદ દાગ) ઓછું કરવા અને દાણાનો ચળકાટ વધારવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થામાં (90 દિવસના રોજ) આપવું મહત્ત્વપૂર્ણ છે. જો દાણા કઠણ થાય ત્યારે પિયત આપવામાં આવે, તો દાણામાં પોપટીયાપણું વધે છે અને ગુણવત્તા ખરાબ થઈ શકે છે.

મર્યાદિત પાણી હોય ત્યારે

મર્યાદિત પાણીની ઉપલબ્ધિ હોય ત્યારે ખેડૂતોએ પિયત આપવાનું આયોજન સમજદારીપૂર્વક કરવું જોઈએ. એક જ પિયત માટે મુકુટ મૂળ અવસ્થામાં પિયત આપવી, બે પિયત માટે મુકુટ મૂળ અને ફૂલ અવસ્થામાં અને ત્રણ પિયત માટે મુકુટ મૂળ, ફૂલ અને પોંક અવસ્થામાં પિયત આપવી યોગ્ય છે. સામાન્ય પાણી ઉપલબ્ધ હોય ત્યારે જાન્યુઆરીના અંત સુધી બે અઠવાડિયાના અંતરે અને ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન દસ દિવસના ગાળે ફુવારાથી પિયત આપવું. જ્યારે પિયતનું પાણી મર્યાદિત હોય, ત્યારે જાન્યુઆરીના અંત સુધી ત્રણ અઠવાડિયાના અંતરે અને ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન દસ દિવસના ગાળે ફુવારાથી પિયત આપવી. 4 સે.મી. ઊંડાઈનું પિયત આપવા માટે ફુવારાને અઢી કલાક સુધી ચાલુ રાખવા અને ફુવારાના સેટને એકબીજાથી 12 મીટર 12 મીટરના અંતરે ગોઠવવું જરૂરી છે.

રોગ-જીવાત નિયંત્રણ

ગુજરાતમાં ઘઉંના પાકને નુકસાન પહોંચાડતા મુખ્ય રોગમાં ગેરૂ અને પાનના સુકારાનો રોગ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને ઉત્તર તેમ જ મધ્ય ગુજરાતમાં ગેરૂ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રોગને નિયંત્રિત કરવા માટે રોગપ્રતિકારક જાતનું વાવેતર કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે.

જ્યારે રોગનાં લક્ષણો દેખાય, ત્યારે 15 દિવસના અંતરે ત્રણ વાર ઝાયનેબ અથવા મેન્કોઝેબ 0.2% દ્રાવણ છાંટવું જરૂરી છે. જીવાતોમાં ઉધઈ, લીલી ઈયળ અને ખપેડી મહત્ત્વપૂર્ણ છે. ઉધઈને નિયંત્રિત કરવા માટે ક્લોરપાયરીફોસ 20 ઈ.સી. 450 મિલી પ્રતિ હેક્ટર પ્રમાણે રેતી સાથે પૂંખવાની ભલામણ છે. ઉપદ્રવ જણાયા પછી તરત જ માવજત કરેલી રેતી પૂંખીને હળવું પિયત આપવું જોઈએ અને વાવણીના દિવસે પણ ક્લોરપાયરીફોસ 20 ઈ.સી. 450 મિલી સાથે માવજત કરી શકાય છે.

લીલી ઈયળ માટે દુધિયા દાણાની અવસ્થામાં એક વખત ક્વિનાલફોસ 25 ઈ.સી. 0.05% છંટકાવ કરવો. ભાલ વિસ્તારમાં બિનપિયત ઘઉંના વાવેતરમાં ખપેડીના નુકસાનને રોકવા માટે મિથાઈલ પેરાથીઓન 2% ડી.પી. 25 કિ.ગ્રા./હેક્ટર માત્રામાં વધુ પ્રમાણમાં શેઢા-પાળાની આસપાસ છાંટવું.

ઘઉંના લાંબા ગાળાના સંગ્રહ માટેની વ્યવસ્થા

• કોથળા ઉપર મેલાથીઓન 0.1% છંટકાવ કરી, પ્રવાહી સૂકાયા બાદ સંગ્રહ કરવો. 

• 100 કિ.ગ્રા. દાણામાં 500 ગ્રામ દિવેલ ભેળવીને સંગ્રહ કરવો. 

• 2 કિ.ગ્રા. લીમડાના સૂકા પાન સાથે મિશ્રણ કરી ગેલ્વેનાઈઝ પીપમાં સંગ્રહ કરવો. 

• મોટા કોઠાર અથવા પીપમાં 100 કિ.ગ્રા. ઘઉં દીઠ એક એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ (સેલફોસ) પાઉડરનું પાઉચ મૂકી હવાચૂસ્ત રાખવું. ટીકડી મૂક્યા પછી સાત દિવસ સુધી પીપ, ગોદામ કે કોઠારને હવાચૂસ્ત રાખવું. 

• મોટેભાગે એવું બને છે કે વર્ષોથી ઘઉંની ખેતી કરતા ખેડૂતો ઘઉંનું ઉત્પાદન ઘટે ત્યારે ચિંતા તો કદાચ કરતા જ હશે, પરંતુ તેનું કારણ સમજવા માટે સાચું નિદાન તેઓ કરતા કે કરાવતા નથી. 

• ઘઉંની ખેતીમાં મોટેભાગે ચીલાચાલુ કે એકબીજાની પદ્ધતિઓ જ ખેડૂતો અજમાવતા હોય ત્યારે ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ વધી જાય છે. આ સંજોગોમાં સિંચાઈ-ખાતર વ્યવસ્થાપન યોગ્ય રીતે જળવાય તે જરૂરી છે.

લણણી ક્યારે કરશો ?

ઘઉંનો પાક સામાન્ય રીતે માર્ચના પ્રથમ પખવાડિમાં તૈયાર થાય છે. કાપણી સમયસર વહેલી સવારે કરવી, અને થ્રેસિંગ પછી દાણા સારી રીતે સુકવી (10% ભેજ જળવાય ત્યાં સુધી) ઠંડા કરીને સંગ્રહ કરવો. સંગ્રહ પહેલા કોથળા, પીપ અને કોઠારો સારી રીતે સાફ કરવા જરૂરી છે.