Krushi Vishwa

કોઈ પણ ખર્ચ વિના રોગ-જીવાત નિયંત્રણ કરીને લાખો રૂપિયાનો પાક બચાવે-ગોકૃપા અમૃતમ્‌

By GS Team
29 Dec 20253 mins read
TukuTouch Logo
ગોકૃપા અમૃતમ્‌, ગાયના દૂધમાંથી બનાવાયેલ દહીંની ખાટી છાશ અને દેશી ગાયના તાજા ગૌમૂત્રનો રોગ-જીવાતવાળા છોડ પર છંટકાવ કર્યો અને પરિણામ એ આવ્યું કે પાંદડા સુધરી ગયા, ઉત્પાદન મળતું થયું

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈ પણ ખર્ચ વિના રોગ-જીવાત નિયંત્રણ કરીને લાખો રૂપિયાનો પાક બચાવે-ગોકૃપા અમૃતમ્‌

Agriculture News : પ્રાકૃતિક ખેતી કરતા હોય પણ ક્યારેક તેમાં પણ અડચણ અને વિવિધ રોગોનો સામનો ખેડૂતે કરવો પડતો હોય છે. આ સમયે જો જીવાત કે રોગ પ્રયત્નો કરવા છતાં પીછેહઠ કરતા ન હોય, ત્યારે ખેડૂત માટે આ કસોટીનો સમય બની જતો હોય છે. કુદરતી રીતે પાક સાથે અનુકૂલન સાધે તેવાં અને પોષણ તો આપે જ, પણ રોગ-જીવાતોને પણ દૂર પણ કરે તેવો કોઈ અન્ય બિનરાસાયણિક પ્રાકૃતિક વિકલ્પ જો ખેડૂતને મળી જાય તો તે ખેડૂત અને તેની મોલાત માટે જાણે કે તારણહાર બની જાય છે.

ગોકૃપા અમૃતમ્‌-ખેડૂતનો સ્વાનુભવ

સુરત-મહુવાના ભરતભાઈ નાનુભાઈ પટેલના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું. તેઓ 10 વીઘા જમીનમાં કેરી તેમ જ અન્ય પાકની ખેતી કરે છે. આમ તો તેઓ ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને છેલ્લા લગભગ સાત વર્ષથી ગોકૃપા અમૃતમ્‌નો ઉપયોગ કરી રહ્યા છે. ગોકૃપા અમૃતમ્‌ના પરિણામથી પરિચિત અને તેનાં ગુણોથી વાકેફ ભરતભાઈ તેમના વિસ્તારના અન્ય ખેડૂતોને પણ તાલીમ આપે છે અને બે વર્ષમાં સેંકડો ખેડૂતોને મફતમાં તેનું વિતરણ કરી ચૂક્યા છે.

પ્રથમ વર્ષે જ નોંધપાત્ર ઉત્પાદન

ગોકૃપા ખેતી વિશે ભરતભાઈનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. ગોકૃપા અમૃતમ્‌ના ઉપયોગથી પ્રથમ વર્ષમાં જ કેરીના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થયો અને ખર્ચમાં પણ ઘટાડો થયો. તેમનાં ખેતરમાં ચીકુ, જામફળ અને સ્ટ્રોબેરી જેવા અન્ય ફળ પાકોના ફળ, ફળની ગુણવત્તા અને કદમાં પણ ગોકૃપા અમૃતમ્‌ના ઉપયોગ પછી સુધારો થયો છે.

વૃક્ષો માટે કેન્સર જેવા રોગથી પણ થયો બચાવ

ભરતભાઈએ દક્ષિણ ગુજરાતમાં આંબાના ઝાડમાં એન્થ્રેક્નોસનો ઉપદ્રવ જોયો છે, જે આ વૃક્ષો માટે કેન્સર જેવો જીવલેણ સાબિત થઈ શકે છે. ભરતભાઈના અનુભવ મુજબ ગોકૃપા અમૃતમ્‌નો છંટકાવ કરવાથી આ રોગ સરળતાથી દૂર થઈ જાય છે એટલું જ નહીં, ભરતભાઈના જણાવ્યા મુજબ કેરીના પાકમાં સફેદ માખી, ફળમાખી વગેરે જેવી અનેક પ્રકારની જીવાતો અને રોગોની સમસ્યા ગોકૃપા અમૃતમ્‌નો છંટકાવ કરીને ઉકેલી શકાય છે.

જીવાતોના ઉપદ્રવમાં લાભદાયી

શરૂઆતમાં તેમના ખેતરમાં મગ, વટાણા અને ચોળાના પાકમાં લશ્કરી ઈયળ અને અન્ય એક જંતુ કે જેને ગુજરાતીમાં ‘જરા’ કહે છે, તેનો ઉપદ્રવ હતો. આ સમસ્યા સમગ્ર દક્ષિણ ગુજરાતનાં ખેતરોમાં આતંક ફેલાવી રહી હતી અને તેનું નિરાક2ણ અત્યંત મુશ્કેલ હતું. 

આ સમયે ભરતભાઈએ તેમના ખેતરના એક પ્લોટમાં ગોકૃપા અમૃતમ્‌નો ઉપયોગ કર્યો હતો અને બીજા પ્લોટમાં અન્ય જૈવિક ખાતરો અને દવાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે પ્રથમ પ્લોટમાં દરેક પાંદડું તંદુરસ્ત બન્યું, છોડની લીલોતરી સારી હતી અને સારો વિકાસ થયો. બીજા પ્લોટમાં, લશ્કરી ઈયળ અને ‘જરા’ના ઉપદ્રવને નિયંત્રિત કરી શકાયો ન હતો અને પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

કુકડવા રોગમાં અસરકારક નિયંત્રણ

ભરતભાઈના અનુભવ મુજબ મરચામાં કુકડવાનો રોગ પણ ગોકૃપા અમૃતમ્‌નો છંટકાવ કરવાથી સરળતાથી દૂર થઈ જાય છે અને પાકને વિનાશથી બચાવી શકાય છે. આ માટે તેમણે 15 લીટરના પંપમાં 3 લીટર ગોકૃપા અમૃતમ્‌, દેશી ગાયમાંથી મેળવેલી 250 મીલી. ખાટી છાશ અને 100 મીલી. દેશી ગાયના તાજા ગૌમૂત્રનો 15 લીટરના પંપથી પ્રયોગ કર્યો, ત્યારબાદ પરિણામ એ આવ્યું કે પાંદડાં સુધરી ગયાં અને છોડ ફરીથી ઉત્પાદન આપવા લાગ્યા.

કોઈ પણ નવો અખતરો- પ્રયોગ ખેતીમાં કરતાં પહેલાં ખેડૂતને તેનાં પરિણામ અને દુષ્પરિણામ અંગે ચોક્ક્‌સ શંકા-કુશંકા જાગે તે સ્વાભાવિક છે, પણ આગળ વધવું છે, તો પ્રયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. સફળતા-નિષ્ફળતામાંથી તો શીખવાનું હોય છે. પ્રયોગશીલ ખેડૂતો માટે ખેતર એક પ્રયોગશાળા છે અને તેમાંથી મળતાં સકારાત્મક પરિણામ ભરતભાઈ જેવાં ખેડૂતને પ્રોત્સાહન અને નવી આશા આપતા હોય છે.

(સૌજન્ય : ગોપાલભાઈ સુતરિયાનું પુસ્તક ‘ગોસંસ્કૃતિ’)