Krushi Vishwa

વરિયાળીનો પાક : રોગ અને જીવાતથી બચાવ માટે સમજૂતી અને સમયસર પગલાં જરૂરી

By GS Team
24 Jan 20264 mins read
TukuTouch Logo
વાતાવરણ બદલાય છે, જીવાતો નવી બને છે, પણ સતર્ક ખેડૂત જ્યારે તકેદારી રાખે છે ત્યારે પાકને નુકસાન થતું નથી અને નફો ટકી રહે છે

Summarized by AI; it may make mistakes. Check important info

વરિયાળીનો પાક : રોગ અને જીવાતથી બચાવ માટે સમજૂતી અને સમયસર પગલાં જરૂરી

Agriculture News : વરિયાળી ગુજરાતના મહત્ત્વના મસાલા પાકોમાંનો એક ગણાય છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ અને જામનગર જેવા જિલ્લાઓમાં તેનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે. સુગંધિત બીજ, ઔષધીય ગુણધર્મો અને નિકાસની તકો હોવાથી આ પાક ખેડૂતોને સારી આવક આપે છે. ઓછી સિંચાઈમાં ઊગી શકે, બજારમાં ઊંચો ભાવ મળે અને સંગ્રહક્ષમતા વધારે હોવાથી વરિયાળી લાભદાયક પાક તરીકે ઓળખાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આબોહવામાં પરિવર્તન, અનિયમિત વરસાદ, ભેજવાળા વાતાવરણ અને જીવાતો-રોગોના વધતા પ્રભાવને કારણે પાકને ભારે નુકસાન થવાનું જોખમ ઊભું થયું છે. પાક ઉત્પાદન જાળવવા અને ગુણવત્તા સંરક્ષિત રાખવા રોગની યોગ્ય ઓળખ, જાગરુકતા અને નિયંત્રણ જરૂરી છે.

વરિયાળીમાં રોગ નિયંત્રણ

વરિયાળી પાકમાં ખાસ કરીને કેટલાક રોગો ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેમાં રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી સૌથી વધુ નુકસાન કરતો રોગ છે. આ રોગ ખાસ કરીને છોડની નીચેની ડાળીઓથી શરૂ થઈ ઉપરની તરફ વધતો જોવા મળે છે. શરૂઆતમાં પાન, ડાળીઓ પર નાના સફેદ કે હળવાં ભૂરાં ટપકાં દેખાય છે. ધીમે ધીમે આ ટપકાઓ એકબીજા સાથે ભળી મોટા ગોળ કે ડાઘરૂપ ધબ્બા બની જાય છે. આથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. જો યોગ્ય સમયે નિયંત્રણ ન કરવામાં આવે તો રોગ આખા ખેતરમાં ફેલાઈ ઉપજમાં ભારે ઘટાડો કરી શકે છે. રોગનો ઉપદ્રવ ભેજ અને ઠંડકવાળા વાતાવરણમાં વધારે જોવા મળે છે.

બીજો નુકસાનકારક રોગ અલ્ટરનેરીયા ફૂગથી થતી ચરમી છે. આ રોગની શરૂઆત પાનના સપાટી પર નાના કાળા કે ગાઢ ભૂરા રંગના ગોળ ચાઠાં દેખાવાથી થાય છે. ધીમે ધીમે આ ચાઠાં ફેલાઈ જાય છે પરિણામે પાન સુકાઈને ખરી પડે છે અને છોડ પોષણ ગુમાવી દે છે. જો રોગ ફૂલો પર ફેલાય તો દાણા બેસતા નથી જેથી ઉત્પાદન પર ગંભીર અસર થાય છે. વાવેતરનું અંતર, વાવણીનો સમય, ભેજ, બિયારણની નબળી જાત અને તેનું વાવેતર વધુ પડતું ગીચ હશે તો પાકમાં રોગનો ઉપદ્રવ થવાની સંભાવના વધી જાય છે.

આ રોગના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ઉપાયો અપનાવવાં જરૂરી છે. સૌપ્રથમ વાવણી માટે રોગમુક્ત અને પ્રમાણિત બીજ અપનાવવું. બીજને વાવણી પહેલાં થાયરમ જેવી દવા 2.5 થી 3 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત કરવી. 

રોગના લક્ષણ દેખાય તો કાર્બેન્ડાઝીમ 12% + મેનકોઝેબ 63%નું 0.2% દ્રાવણ એટલે 27 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ. વિકલ્પ રૂપે કોપર ઓક્સીક્લોરાઇડ 0.3% અથવા હેક્સાકોનાઝોલ 0.05% દવા પણ ઉપયોગી છે. દવાની છાંટણી દસથી બાર દિવસના અંતરે બે વાર કરવી. પાનના નીચેના ભાગ સુધી દવા પહોંચે તે રીતે છંટકાવ કરવો.

વરિયાળીમાં જીવાત નિયંત્રણ

ફૂગના રોગો ઉપરાંત વરિયાળીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ પણ નુકસાનકારક છે. ખાસ કરીને ચુસિયા જીવાતો, શીંગ ચૂસીયા અને ઈયળ જેવી જીવાતો છોડનો રસ ચૂસી વૃદ્ધિ રોકે છે. શરૂઆતમાં છોડ પીળાં પડે છે, કુમળા ભાગ સૂકાઈ જાય છે અને ફૂલ-શીંગોમાં ઘટાડો થાય છે. કાળી મશીનો ફેલાવો વધવાથી પણ વધુ નુકસાન થાય છે.

જીવાત નિયંત્રણ માટે પ્રથમ પ્રયાસ સ્વાભાવિક રીતે જૈવિક પદ્ધતિથી કરવો. લીંબડાના અર્ક 5% નો છંટકાવ લાભકારી છે. જો ઉપદ્રવ વધારે હોય તો થાયમેથોક્સામ, ઈમીડાક્લોપ્રિડ અથવા ડાઇમેથોયેટ જેવી માન્ય દવાનો ઉપયોગ 10 લિટર પાણી દીઠ સૂચિત માત્રામાં કરવો. પાકના કુમળા ભાગોની સારી રીતે દવા ભીનાશ સાથે છંટકાવ કરવો આવશ્યક છે.

પાક વ્યવસ્થાપન મહત્ત્વનું

રોગ-જીવાત નિયંત્રણ જેટલું જ મહત્ત્વ પાક વવાય ત્યાં સુધી પ્રતિકારકશક્તિ ઊભી કરવાનું છે. ભલામણ કરેલી જાતો, પાક વચ્ચે યોગ્ય અંતર, પાક ફેરબદલી, નીંદણ નિયંત્રણ અને સંતુલિત ખાતર વ્યવસ્થા અપનાવવાથી પાક વધુ સશક્ત બને છે. ક્યારેય વધારાનો નાઇટ્રોજન ન આપવો, કારણ કે તે રોગવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. યોગ્ય પ્રમાણમાં જ મૂળ ખાતર સાથે સજીવ ખાતરનો સમાવેશ કરવો.

પાકમાં વધુ પડતો ભેજ હોય તો ફૂગનો ઉપદ્રવ વધી જાય છે. તેથી સમયસર સિંચાઈ કરવી. પાક લણણીની અવસ્થાએ પહોંચે ત્યારે પાણી આપવાનું બંધ કરવું.

વરિયાળીમાં તકેદારી

વાવેતર થયા બાદ પ્રથમ 30-40 દિવસ અને ત્યારબાદ ફૂલની અવસ્થામાં પાક પર ખાસ નજર રાખવી. રોગ અથવા જીવાતની શરૂઆત જણાય તો તરત ઉપાયો અપનાવીને ખેતરમાં ફેલાવો રોકવો. એક છોડમાં દેખાતી સમસ્યા આખા ખેતરમાં ન ફેલાય  તેવા પગલાં લેવા.

અંતમાં, વરિયાળી પાક ખેડૂતોને કમાણી માટેનો એક મહત્ત્વનો પાક કહી શકાય, પરંતુ ગુણવત્તાયુક્ત પાક માટે સમયસર પગલાં આવશ્યક છે. વૈજ્ઞાનિક સલાહ, પાક દેખરેખ, જૈવિક ઉપાયો અને રાસાયણિક દવાનો યોગ્ય ઉપયોગ ખેડૂતને ઉપજ અને ગુણવત્તા બંનેમાં સફળતા અપાવી શકે છે. વાતાવરણ બદલાય છે, જીવાતો નવી બને છે, પણ સતર્ક ખેડૂત જ્યારે તકેદારી રાખે છે ત્યારે પાકને નુકસાન થતું નથી અને નફો ટકી રહે છે.