ખારેકની ખેતીમાં ઉપયોગી ઓજારની શોધ : ખેડૂતની કાર્યક્ષમતામાં વૃદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : કહેવાય છે કે, જરૂરિયાત એ શોધની જનેતા છે. જામનગર જિલ્લાના જગા ગામના ખેડૂત સુરેશભાઈ સાવલિયાના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું. 7 વીઘામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરતા સુરેશભાઈએ વર્ષ 2022માં ખારેકના ઝાડ પર ચડવા માટેનું એક ખાસ પ્રકારનું ઓજાર વિકસાવ્યું. આ ઓજારની મદદથી ખરબચડી સપાટીના ઝાડ ઉપર સહેલાઈથી ચડીને ખેડૂત તેનું કૃષિકાર્ય સરળતાથી નિપટાવી શકે છે.
સામાન્ય રીતે ખારેકના ઝાડની ઊંચાઈને કારણે તેની કૃષિલક્ષી કામગીરી કરવામાં ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ખારેકની પરાગરજ ભારે હોવાથી તેની પરાગનયનની ક્રિયામાં કુદરતી રીતે મધમાખી પર આધારિત ન રહેતા તેમાં ખેડૂતે જાતે જ પરાગરજ લઈને માદા ડુંડા પર છાંટવાની પ્રક્રિયા કરવી પડતી હોય છે. આ ઉપરાંત ખારેક ઉતારવા, કાંટા કાપવા, લુમને બાંધવા જેવા ઉંચાઈ પરનાં અલગ અલગ કાર્યો માટે સામાન્ય રીતે ખેડૂતો દ્વારા ટેબલ કે સીડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીં ઝાડની ઉંચાઈ વધુ હોય ત્યારે વધુ તકલીફ પડતી હોય છે.
સામાન્ય રીતે ટેબલ કે સીડીનો ઉપયોગ કરતા હોય ત્યારે વારેઘડીએ સીડી-ટેબલને બાંઘવા, ચડ-ઉતર કરવામાં લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય વેડફાતો હોય છે, જ્યારે આ ઓજારમાં ચડ-ઉતર કરવી પડતી નથી અને ઉપર રહીને જ દિશા બદલી શકાય છે તેથી આ ઓજારથી માત્ર 20 થી 25 મિનિટમાં સરળતાથી ખેતીકાર્ય થઈ શકે છે.
5ોતાની આગવી શોધનો લાભ અન્ય ખેડૂતો પણ લઈ રહ્યા છે
સુરેશભાઈ પોતે શરૂઆતમાં 10 ફૂટ ઊંચા ટેબલ અને નિસરણીનો ઉપયોગ કરતા હતા. આ કાર્યમાં પડતી તકલીફને લઈને તેમણે આ નવું ઓજાર શોધ્યું. આ ઓજારથી ગમે તેટલી ઊંચાઈ હોય અને ઝાડની સપાટી ખરબચડી હોય તો પણ આ ઓજારના ઉપયોગથી ઝાડ ઉપર સરળતાથી ચડી શકાય છે અને વિવિધ ખેતીકાર્યો સરળતાથી કરી શકાય છે. આ ઓજાર તેમણે મિસ્ત્રીને માર્ગદર્શન આપીને બનાવડાવ્યું હતું. તેઓ આ ઓજારનો ઉપયોગ સરળતાથી આજે કરી રહ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈને આજુબાજુના વિસ્તારના ઘણા ખેડૂતો પણ આ ઓજાર બનાવડાવીને તેનો ઉપયોગ કરીને પોતાની કાર્યક્ષમતા વધારી રહ્યા છે.
પોતાના વિસ્તારમાં ખારેકની ખેતીના પ્રણેતા
આ તો થઈ તેમના દ્વારા કરવામાં આવેલી શોધની વાત, પરંતુ તેમની ખારેકની ખેતીની વાત કરીએ તો, તેમના મતે વર્ષ 2002માં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ખારેકની ખેતીની શરૂઆત પોતે કરી હતી અને તે માટે તેમણે આ ખેતીની માહિતી કચ્છના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી લીધી હતી. તેમણે પ્રથમ 250 દેશી ખારેકના રોપા, પ્રતિ રોપાના રૂા. 50 ના ભાવે ખરીદ્યા અને 30 5 ફૂટના અંતરે તેનું વાવેતર કર્યું. તેમાં ઉત્પાદન પાંચમાં વર્ષે શરૂ થયું હતું. તેમણે 100 નારી ખારેક સામે 10 નર ઝાડનો રેશિયો રાખ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2011માં તેમણે બારાહી જાતની ટીશ્યુકલ્ચર ખારેકનાં 100 છોડ રૂા. 2500 ના ભાવે લાવીને રોપ્યા. તેઓ સિંચાઈ માટે ડ્રીપ ઈરિગેશનનો ઉપયોગ કરે છે. તેઓ દેશી ખાતરનો ઝાડની આસપાસ રીંગ બનાવીને પ્રયોગ કરે છે. ખારેકનાં ઝાડના પાનનો મલ્ચિંગ તરીકે ઉપયોગ કરે છે, જે અંતે સડીને ખાતર બની જતું હોય છે.
ખારેકનાં ઉત્પાદનમાં પહેલા દેશી ખારેકની સિઝન આવે છે. તેનું ઉત્પાદન 15 જૂનથી શરૂ થાય છે અને 20 થી 25 દિવસ સુધી ચાલતું હોય છે. ત્યારબાદ બારાહી ખારેકનું ઉત્પાદન 10 થી 15 જુલાઈમાં શરૂ થતું હોય છે. આમ, બારાહી ખારેક કરતાં દેશી ખારેક દસ દિવસ વહેલી બજારમાં આવતી હોય છે. બારાહી ખારેક કરતાં દેશી ખારેક ગ્રાહકોની પહેલી પસંદગી બની છે. તેઓ ખારેકનું છૂટક વેચાણ તેમની વાડીએથી જ કરે છે.
ગત વર્ષની તેમની ખારેકની આવક 6000 કિલો થઈ હતી, પ્રતિ કિલો રૂા.100 મુજબ વેચાણ કરતા રૂા. 6,00,000 ની ખારેકની આવક થઈ. તેમાથી ખર્ચ રૂા.75,000 બાદ કરતા રૂા.5,25,000ની ચોખ્ખી આવક મેળવી. તેમણે છેલ્લા ત્રણ વર્ષની સરરાશ વાર્ષિક આવક રૂા. 8,25,000 મેળવી.
આમ, કોઈપણ ખેડૂત ધારે તો માત્ર ખેતીમાં જ નહીં, શોધ સંશોધનમાં પણ ચમત્કાર કરી શકે છે.




