જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ, સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ નોંતરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ખેડૂતો માટે પાક બચાવવો એ તેમને માટે ગંભીર પ્રશ્ન છે. રોગ-જીવાતોથી પાકને સુરક્ષિત રાખવા માટે જંતુનાશક દવાઓનો વપરાશ જરૂરી છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ દવાઓના અતિરેક અને અનિયમિત ઉપયોગે ખેડૂતોના સ્વાસ્થ્ય માટે નવી ચિંતા ઉપજાવી છે. અત્યાર સુધી આપણે જાણતા હતા કે જંતુનાશક દવાઓના સંપર્કથી ચામડીના રોગો, ફેફસાંના રોગ થાય છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે મગજ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર થાય છે.
તાજેતરમાં આઈ. સી. એમ. આર. દ્વારા કરવામાં આવેલ સંશોધન દર્શાવે છે કે જંતુનાશકોનો અઠવાડિયામાં એક વખત પણ સંપર્ક થતો હોય, તો વ્યક્તિમાં Cognitive Impairment (જ્ઞાનેન્દ્રિય ક્ષતિ), Depression (ડીપ્રેશન) અને Movement Disorder (હલન-ચલનમાં તકલીફ) જેવા માનસિક રોગો વિકસવાની શક્યતા વધી જાય છે. એટલે કે મગજની કાર્યશક્તિ નબળી પડે છે, વિચારો પર નિયંત્રણ ઘટે છે, વિસ્મૃતિની તકલીફ વધે છે અને વ્યક્તિ ધીમે ધીમે ડીપ્રેશનમાં ધકેલાઈ જાય છે.
આ રોગ શરૂઆતમાં અનુભવાતા નથી, પરંતુ વર્ષો સુધી જંતુનાશકોની અસરથી આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. અનેક ખેડૂતોને બોલ-ચાલમાં મુશ્કેલી પડે છે અથવા હાથ ઘૂ્રજવા લાગે છે કે સીધું ચાલવામાં તકલીફ પડે છે. મગજ શરીરના વિવિધ સ્નાયુઓને જે યોગ્ય સંદેશાઓ સમયસર મોકલતું હોય છે તે પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડે છે.
સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે આપણા દેશમાં માનસિક રોગોને ગંભીરતાથી લેવાતા નથી. લોકો સારવાર માટે આગળ આવતાં નથી, પરિણામે રોગ વધતા જાય છે અને નિદાન મુશ્કેલ બની જાય છે. જ્યારે આ રોગની અસર વધી જાય, પછી આખી જિંદગી તેની અસર રહેતી હોય છે.
આ બધી પરિસ્થિતિ પાછળ માત્ર એક કારણ જંતુનાશકોનો વધતો ઉપયોગ. જંતુનાશક દવાની બોટલ પર મોજાં, માસ્ક, ચશ્મા પહેરવાની ચેતવણી લખેલી હોવા છતાં પણ ખેડૂતો આ નિયમોનું પાલન કરતા નથી. પાકને બચાવી લેવાના ખોટા ભ્રમમાં જંતુનાશક દવાઓની ખરીદી અને તેના બેફામ ઉપયોગ દ્વારા તેઓ સ્વાસ્થ્યનું મૂલ્ય ગુમાવી રહ્યાં છે.
ICMRના અભ્યાસમાં જણાવાયું છે કે, પશ્ચિમ બંગાળના ખેતમજૂરો અને ખેડૂતો, જે વર્ષોથી દવાઓનો સંપર્ક ધરાવે છે, તેમના મગજ પર આવી અસરો જોવા મળી છે. ભારતમાં 54% જેટલી વસ્તી ખેતી સાથે સીધી રીતે જોડાયેલી છે. વૈશ્વિક સ્તરે કૃષિમાં જંતુનાશકોનો ઉપયોગ 44% જેટલો છે, જ્યારે ભારતમાં તેનો ઉપયોગ 76% છે. એટલા માટે આપણા દેશમાં જંતુનાશક દવાઓ દ્વારા થતું આ પ્રકારનું જોખમ વધુ ગંભીર છે.
ખાસ કરીને ઓર્ગેનો-ફોસ્ફરસ સંયોજન ધરાવતી દવાઓ જેવી કે ક્લોરોપાયરીફોસ ક્વિનાલફોસ મગજને નુકસાન પહોંચાડે છે. છતાં આપણાં ખેતરોમાં આ જ દવાઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
જંતુનાશક દવાઓ જંતુઓ માટે ઝેર છે, પરંતુ લાંબા ગાળે મનુષ્ય માટે પણ આ દવાઓ એક પ્રકારના ઝેર સમાન સાબિત થઈ રહી છે. એટલે સૌથી અગત્યની વાત તો એ છે કે આ પ્રકારની તેની નુકસાનકારક અસરોથી બચવા ખેડૂતો જંતુનાશકોના છંટકાવ સમયે સુરક્ષા સાધનોનો ફરજિયાત ઉપયોગ કરે તેમ જ દવાઓ વિશે સચોટ માહિતી અને જાગૃતિ મેળવે, નહીંતર પાક સુરક્ષિત રાખવામાં ખેડૂત પોતાનું જ સ્વાસ્થ્ય ગંભીરપણ જોખમાવશે.




