ખેતતલાવડીઓ દ્વારા જળસંચય અને બોર રિચાર્જ અભિયાન : પાણીની ગુણવત્તા સુઘરી, ઉત્પાદન વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : સામાન્ય રીતે વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે આ વર્ષે એવું બન્યું કે વરસાદ તો શું વરસાદનું નામ પણ પડે કે તેની આગાહી થાય તોય ખેડૂત થથરી જાય એવી સ્થિતિ ગત ચોમાસામાં સર્જાઈ. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય કહી શકાય તેવા દિવસોમાં જે રીતે વરસાદે કહેર વર્સાવ્યો, તેના કારણે કરોડો રૂપિયાનું કૃષિઅર્થતંત્રને નુકસાન થયું. આ સંજોગોમાં વરસાદ કે વરસાદી પાણીના સંગ્રહની વાત પણ કોઈ ખેડૂતને કરવી એ કેટલી સલાહભરી ? તેવો પ્રશ્ન સહેજેય થાય.
વાત તો સાચી છે. જ્યાં કહેર સર્જાયો હોય ત્યાં જળસંચયની વાત કદાચ પ્રસ્તુત ન પણ લાગે. ત્યારે આપણે એ વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે, આવા સંજોગો વારંવારના નથી હોતા. સામાન્ય સંજોગોમાં તો આપણે એટલે કે ખેડૂતોએ વરસાદની પ્રતિક્ષા કરવી પડે, ઘાર્યા સમયે એટલે કે જ્યારે સિંચાઈની જરૂરિયાત હોય ત્યારે વરસાદ દિવસોના દિવસો સુઘી હાથતાળી આપીને જતો રહે અને એના કારણે ખેતીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના ભૂતકાળમાં અનેક ઉદાહરણો છે. આ પરિસ્થિતિને ટાળવા માટે જળસંચય જેવી બાબત કાયમ માટે પ્રસ્તુત હતી અને રહેશે જ. એટલે જ અહીંયા જળસંચયની ઉપયોગીતા અને તેના સારા પરિણામની વાત આપણે કરવી છે.
સામાન્ય માણસને ભાદરવાની ૠતુમાં વાતાવરણમાં વધુ ગરમી લાગતી હશે પણ જો ખેડૂતની વાત કરીએ તો આ પરિસ્થિતિ ખેડૂતોની ખેતી માટે વધુ નુકસાનકારક કહેવાય, એમાંય જ્યાં પાણીની અછત હોય તેવા વિસ્તારના ખેડૂતો માટે આ સ્થિતિ વધુ કપરી બનતી હોય છે. સિંચાઈની સમસ્યાના કારણે ખેતી સામે સર્જાયેલા સંકટના વાદળ દૂર કરીને તેમાંથી બહાર કેવી રીતે આવી શકાય તે વાત જાણવા આજે એવા એક વિસ્તારની વાત કરીશું કે જ્યાં પાણીના સ્તર ઊંડા જવાના કારણે સામાન્ય ખેતી કરવી મુશ્કેલ છે. આવા જ એક ખેડૂત છે પ્રતાપભાઈ જાટ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રતાપજીભાઈ જાટે તેમની ખેતીમાં પાણીની અછત જેવા પ્રતિકૂળ સંજોગોમાં જળવ્યવસ્થાપન દ્વારા સફળતા મેળવી છે.
પ્રતાપભાઈ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જળ વ્યવસ્થાપન સંબંધી અનેક યોજનાઓના કારણે બનાસકાંઠા જિલ્લામાં અગાઉના વર્ષોની સરખામણીએ પાણીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ સિંચાઈ માટે પાણીની તકલીફ ખેડૂતો અનુભવે.
પ્રતાપભાઈ જણાવે છે કે વર્ષ 2015 અને વર્ષ 2017 માં જે પૂર આવ્યું, તેમાં વરસાદનું પાણી સારી એવી માત્રામાં વેડફાઈ ગયું હતું. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે જો આ વહી ગયેલા પાણીનો સંગ્રહ કર્યો હોત તો ઘણી બધી પાણીની બચત કરી શક્યા હોત અને આ જ વિચાર સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વખર્ચે પ્રતાપભાઈએ ખેતતલાવડી બનાવી અને દરેક ૠતુમાં પાણીનો જથ્થો મળી રહે તે પ્રમાણેનું આયોજન કર્યું. અને બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપી. એટલું જ નહીં સરકારે પણ આ જળસંચયના પ્રયાસને પ્રોત્સાહન આપવા સહાય આપવાનું શરૂ કર્યું.
પોતાના અનુભવ વર્ણવતા પ્રતાપભાઈ જણાવે છે કે ઉનાળામાં પાણીનું સ્તર ઘટી જતું હતું, જેના કારણે ખેતી કરવામાં મુશ્કેલી આવતી હતી. બનાસકાંઠામાં 1000 થી 1200 ફૂટના બોર કરવા છતાં પણ પૂર્વ અને ઉત્તર બનાસકાંઠા વિસ્તારમાં પાણીની તંગી અનુભવાય છે, જો ત્યાં સારો વરસાદ થાય તો જ સારી ખેતી કરી શકાય, નહીં તો ભૂગર્ભમાંથી પાણી ખેંચી ખેતી કરવી પડે છે. જે કેટલાક અંશે મોંઘી છે માટે મને વિચાર આવ્યો કે જો હું વરસાદી પાણીનો સંગ્રહ કરું તો બારેમાસ વરસાદના પાણીથી ખેતી કરી શકું અને તે માટે વર્ષ 2021 માં મારા ખેતરમાં ખેતતલાવડી બનાવી અને વરસાદી પાણીના સંગ્રહનું આયોજન કર્યું. જે પ્રથમ વર્ષે જ ભરાઈ ગઈ અને તે જોયા બાદ બીજા ખેડૂતોએ પણ તેમાંથી પ્રેરણા લીધી.
ખેતતલાવડીથી ખેતી કરતા થયા તો ઉત્પાદન પણ વધારે જોવા મળ્યું. દાખલા તરીકે જો હું બટાકાની ખેતી બોરવેલના પાણીથી કરું તો એક કટ્ટુના બિયારણનું વાવેતર કરું તો પાંચથી સાત કટ્ટા ભરાય એટલું બટાકાનું ઉત્પાદન થાય છે પરંતુ તેની જ સામે જો ખેતતલાવડીમાં સંગ્રહાયેલ વરસાદી પાણીથી ખેતી કરું તો એક કટ્ટામાંથી 10 થી 12 કટ્ટા જેટલું બટાકાનું ઉત્પાદન થાય છે અને ઘણી વખત 15 કટ્ટા જેટલું પણ ઉત્પાદન થાય છે, એટલે કે સામાન્ય રીતે ખેડૂતને આ પ્રકારની ખેતતલાવડી દ્વારા કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર ફાયદો થાય છે.
તેઓ કહે છે કે, ઉત્પાદનની સામે ખર્ચમાં પણ ઘટાડો નોંધાય છે, એટલે કે જો બોરવેલથી પિયત કરે તો 80 હો.પા.ની મોટરમાં વાર્ષિક બીલ તથા બીજો અન્ય ખર્ચ અંદાને રૂપિયા એકાદ લાખની આસપાસ થાય, જ્યારે ખેતતલાવડીથી પિયત કરીએ તો પાંચ હો.પા.ની મોટર પ્રમાણે વાર્ષિક બીલ અથવા અન્ય ખર્ચ સાથે રૂા. 20,000 ની આસપાસ ખર્ચ થાય છે. આમ પિયત ખર્ચ પેટે ખેતતલાવડીના કારણે ખેડૂતને સીધો જ રૂા. 80,000 નો ફાયદો થાય છે.
કોઈ ખેડૂતને પ્રશ્ન પણ થાય કે ખેતતલાવડીનો ખર્ચ નાના ખેડૂતને પોષાય કેવી રીતે ? તો આવી મૂંઝવણ અનુભવવાની જરૂર ખેડૂતોને નથી. કારણ કે આવી પ્લાસ્ટિકયુક્ત ખેતતલાવડી બનાવવા માટે ગુજરાત સરકાર પણ સહાય કરે છે, જેમાં ખેડૂત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને તેની સહાય મેળવી શકે છે. આ યોજનાનો જેમણે લાભ લેવો હોય તે ખેડૂતે જાતે ખેતતલાવડી ખોદ્યા પછી તલાવડીમાં વપરાતા પ્લાસ્ટિક સરકાર પાસેથી મેળવી શકે છે. પ્રતાપજી જાટનું કહેવું છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ખેતતલાવડીઓ દ્વારા જળસંચયનું અભિયાન ચાલુ છે. તેનાં ખૂબ સારાં પરિણામો મળતાં થયાં છે.
તેઓ ખેતતલાવડીના અભિયાન ઉપરાંત બોર રિચાર્જનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. તેમના આ અભિયાનના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં સારા એવા પ્રમાણમાં ખેડૂતોના બોર રિચાર્જ પણ થવાથી આવા નાના ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન પ્રમાણમાં ઘણો હળવો થઈ ગયો છે.
તેઓ કહે છે કે, એક સમયે બોરવેલના પાણીમાં ટી.ડી.એસ.નું પ્રમાણ 800 થી 900 જેટલું હોવાથી ખેતી અને પીવા માટે યોગ્ય ન હતું. આવા પાણીથી ખેતી પાકને નુકસાન થતું હતું, પરંતુ અમારા આર્ટિફિશીયલ બોર રિચાર્જીંગ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો જે-તે બોરમાં સંગ્રહ કર્યા પછી ટીડીએસમાં 100 થી 150 જેટલા પોઈન્ટ જોવા મળ્યા, આમ ટીડીએસનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું અને પાકના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો.
ખેતતલાવડી દ્વારા થતા લાભ
- વધુ વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ રહેતું નથી અને સીધું ખેતતલાવડીમાં ભેગું થાય છે.
- જમીનનું ધોવાણ અટકે છે અને તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે.
- ઓછા ટીડીએસવાળા અને વધુ ગુણવત્તાયુક્ત પાણીથી જમીન અને પાકની ગુણવત્તા જળવાઈ રહે છે.
- ખેડૂતનો સિંચાઈનો પ્રશ્ન નોંધપાત્ર રીતે હળવો થતા તેની ખેતી સાચા અર્થમાં ટકાઉ પણ બને છે.
ભૂગર્ભ જળ રિચાર્જ
જો ખેડૂતો એકંદરે પાણીનો સંગ્રહ યોગ્ય રીતે કરતા થાય તો પોતાના ખેતરમાં બારેમાસ ધારે તેવી ખેતી ચોક્કસ કરી શકે છે અને ઉત્પાદનમાં પણ યોગ્ય રીતે વધારો મેળવી શકે છે. તેમના કહેવા પ્રમાણે, હાલ જળસંચય અભિયાનના પરિણામે બનાસકાંઠા જિલ્લામાં 5,000 થી વધુ ખેતતલાવડીઓ બની છે અને તેના કારણે ભૂગર્ભજળ રિચાર્જ થવાથી અંદાજે 10,000 થી વધુ બોર રિચાર્જ થયા છે. આ રીપે આ વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જો દરેક ખેડૂત આ પ્રકારે પોતાની આત્મસૂઝથી પાણીનો બચાવ કરે, તો આવનારા સમયમાં ખેડૂતને જ ફાયદો થાય છે અને યોગ્ય રીતે પાણીનો વપરાશ પણ કરી શકે છે.




