Krushi Vishwa

નિવૃત્તિ બાદ 66 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ, ત્રીજા જ વર્ષે જમીન કુદરતી રીતે જીવંત બની

By GS Team
10 Feb 20265 mins read
TukuTouch Logo
પ્રાકૃતિક ખેતી માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ માનવસ્વાસ્થ્ય અને પર્યાવરણને સુરક્ષિત રાખવાની એક દ્રઢ વિચારધારા છે. આજે ઘણીવાર રાસાયણિક કરતા પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધારે મળે છે કે ઓછું ? આ ચર્ચા થાય છે, પરંતુ એ વાત ભૂલી જવાય છે કે રાસાયણિક ખેતી દ્વારા ઉત્પાદિત ખોરાક એ માનવ શરીર માટે કેટલો સલામત છે. રસાયણ મુક્ત ખોરાકનું મહત્ત્વ જેટલું એક ડોક્ટર કે હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારી સારી રીતે સમજી શકે, એટલું કદાચ કોઈ બીજા નથી સમજી શકતા. આવી જ સમજ અને અનુભવ ધરાવતા વિરેન્દ્રભાઈ કાલરીયા વર્ષો સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિવૃત્તિ બાદ 66 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ, ત્રીજા જ વર્ષે જમીન કુદરતી રીતે જીવંત બની

• નિવૃત્તિ  આરોગ્ય અઘિકારીને રાસાયણિક ખેતીની સ્વાસ્થ્ય સંબંધી વિપરિત અસરો સમજાઈ ગઈ

• જીરામાં રોગ અને જીવાતોનો પ્રશ્ન ખૂબ વધારે હોય છે, તેથી તેમાં પ્રાકૃતિક ખેતી શક્ય નથી. પરંતુ વિરેન્દ્રભાઈનો નિર્ણય અડગ હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે ખેતી તો રસાયણમુક્ત જ કરવી

Agricultural News : પ્રાકૃતિક ખેતી માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ માનવસ્વાસ્થ્ય અને પર્યાવરણને સુરક્ષિત રાખવાની એક દ્રઢ વિચારધારા છે. આજે ઘણીવાર રાસાયણિક કરતા પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધારે મળે છે કે ઓછું ? આ ચર્ચા થાય છે, પરંતુ એ વાત ભૂલી જવાય છે કે રાસાયણિક ખેતી દ્વારા ઉત્પાદિત ખોરાક એ માનવ શરીર માટે કેટલો સલામત છે. રસાયણ મુક્ત ખોરાકનું મહત્ત્વ જેટલું એક ડોક્ટર કે હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારી સારી રીતે સમજી શકે, એટલું કદાચ કોઈ બીજા નથી સમજી શકતા. આવી જ સમજ અને અનુભવ ધરાવતા વિરેન્દ્રભાઈ કાલરીયા વર્ષો સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચૂક્યા છે. 

સેવાકાળ દરમિયાન જ વિરેન્દ્રભાઈએ સમાજમાં વધતી બીમારીઓને ખૂબ નજીકથી જોઈ. નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ સામાન્ય બનતી જતી હતી. તેમને ઘણીવાર વિચાર આવતો કે આખરે આ બીમારીઓનું મૂળ કારણ શું છે ? ફરજ દરમિયાન અને પોતાના અનુભવથી તેમને લાગ્યું કે આપણા રોજિંદા ખોરાકમાં રહેલાં રસાયણો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. 

વિરેન્દ્રભાઈ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના રહેવાસી છે. તેમની પાસે હાલમાં પોતાની 32 વીઘા જમીન છે, જ્યારે તેમના સગા-સંબંધીઓની 34 વીઘા જમીન પણ તેઓ સંભાળે છે. આમ કુલ મળીને તેઓ 66 વીઘા જમીનમાં ખેતી કરે છે. પોતાના ખેતીના અનુભવ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની નોકરી દરમિયાન જોયેલી હકીકતો તેમના મનમાં રસાયણો સામે ઊંડી છાપ છોડી ગઈ હતી. 

રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાઓ અંગેના તેમના વિચારોના નિષ્કર્ષ રૂપે આ પ્રકારની ખેતીથી થતા નુકસાનને અટકાવવા, માનવીય આરોગ્યને જાળવી રાખવા તેમણે વર્ષ 2016માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. જો કે શરૂઆતનાં વર્ષોમાં જમીનની ફળદ્રુપતા પાછી લાવવા માટે સમય લાગ્યો. જમીનમાં જીવંતતા લાવવા અને તેમાં પોષક તવો કુદરતી રીતે ઉપલબ્ધ થાય એ માટે તેમણે ધીરજ રાખી. માત્ર 2 થી 3 વર્ષ પછી એવી સ્થિતિ આવી કે જમીન ફરી કુદરતી રીતે ફળદ્રુપ બની ગઈ અને તેમાં ઉગેલો પાક પણ સંપૂર્ણ રસાયણમુક્ત અને ઉત્તમ ગુણવત્તાવાળો બન્યો.

ઘણા ખેડૂતો એવું માને છે કે જીરામાં રોગ અને જીવાતોનો પ્રશ્ન ખૂબ વધારે હોય છે, તેથી તેમાં પ્રાકૃતિક ખેતી શક્ય નથી. પરંતુ વિરેન્દ્રભાઈનો નિર્ણય અડગ હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે ખેતી તો રસાયણમુક્ત જ કરવી. આ માટે તેમણે નજીકના કૃષિવિજ્ઞાન કેન્દ્ર, પીપડીયા સાથે સતત સંપર્ક રાખ્યો, યોગ્ય માર્ગદર્શન મેળવ્યું અને જીરાની પ્રાકૃતિક ખેતી શરૂ કરી.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઘણીવાર એક સમસ્યા સતાવે છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના વેચાણ માટે યોગ્ય ભાવ અને બજાર મળતું નથી. વિરેન્દ્રભાઈએ પણ આ વાત અનુભવી. પરંતુ તેમણે આ સમસ્યાને પડકાર તરીકે સ્વીકારી અને અન્ય ખેડૂતો સાથે મળી એક આત્મનિર્ભર ગૌપ્રકૃતિ કૃષિ જૂથની રચના કરી. આ જૂથ મારફતે સભ્યોની ખેતપેદાશ એક જ જગ્યાએ વેચવામાં આવે છે. પરિણામે ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મળે છે અને ગ્રાહકોને પણ એક જ સ્થળે વિવિધ પ્રકારની રસાયણ મુક્ત વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. આ રીતે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે લાભદાયક વ્યવસ્થા ઊભી થઈ છે.

આજે વિરેન્દ્રભાઈ 66 વીઘા જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરે છે. ચાર વર્ષ પહેલાં તેમણે 12 વીઘા જમીનમાં બાંબુનું (વાંસ) વાવેતર કર્યું હતું. બાંબુનો પાક સામાન્ય રીતે પાંચમા વર્ષે ઉત્પાદન આપતો હોવાથી આવનાર વર્ષે તેમને બામ્બુમાંથી પણ સારી આવક થવાની આશા છે. 

તેમણે 66 વીઘા જમીનમાંથી 30 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. પ્રતિ વીઘા 32 મણનું ઉત્પાદન મળ્યું. આમ, કુલ 960 મણ ઘઉંનું ઉત્પાદન મળ્યું. રૂપિયા  1000 પ્રતિ મણના ભાવે વેચાણ થતાં ઘઉંમાંથી રૂપિયા  9,60,000ની આવક થઈ, જ્યારે વીઘા દિઠ ખેતીખર્ચ રૂપિયા  1000 આમ કુલ ખેતી ખર્ચ માત્ર રૂપિયા  30,000 રહ્યો. ઘઉંમાંથી તેમને રૂપિયા  9,30,000ની ચોખી આવક મળી.

જીરાની વાત કરીએ તો તેમણે 66 વીઘા જમીનમાંથી 3 વીઘામાં જીરાનું વાવેતર કર્યું હતું. પ્રતિ વીઘા 5.5 મણના હિસાબે કુલ 16.5 મણ ઉત્પાદન મળ્યું. રૂપિયા  8000 પ્રતિ મણના ભાવે વેચાણ થતાં રૂપિયા  1,32,000ની આવક થઈ. જીરામાં કુલ ખર્ચ માત્ર રૂપિયા  7500 રહ્યો, જેથી રૂપિયા  1,24,000નો ચોખ્ખો નફો થયો. 

66 વીઘા જમીનમાંથી 3 વીઘામાં તરબૂચના પાકનું વાવેતર કરીને તેમને વીઘા દિઠ 300 મણનું ઉત્પાદન મળ્યું. આમ કુલ 900 મણ તરબૂચનું ઉત્પાદન થયું. રૂપિયા  600 પ્રતિ મણના ભાવે વેચાણ થતાં રૂપિયા  5,40,000ની આવક થઈ. તેમને તરબૂચમાં વીઘાદીઠ રૂપિયા  2500 ખેતીખર્ચ થયો હતો, જેથી તરબૂચમાં કુલ ખેતીખર્ચ રૂ 7500 થયો. આમ, તમામ ખર્ચ બાદ રૂપિયા  5,32,000ની ચોખી આવક રહી.

એરંડાના પાકમાં તેમણે 66 વીઘામાંથી 15 વીઘામાં વાવેતર કર્યું હતું. પ્રતિ વીઘા 35 મણ ઉત્પાદન મળ્યું. આમ, કુલ 15 વીઘામાં 525 મણ ઉત્પાદન મળ્યું. રૂપિયા  1200 પ્રતિ મણના ભાવે વેચાણ કરતાં રૂપિયા  6,30,000ની આવક થઈ. તેમને એરંડામાં વીઘાદીઠ રૂપિયા  1000 ખર્ચ થયો હતો. આમ, કુલ ખેતીખર્ચ રૂપિયા  15000 થયો. આવકમાંથી ખર્ચ બાદ રૂપિયા  6,15,000ની ચોખ્ખી આવક મળી. આ રીતે વિરેન્દ્રભાઈની વર્ષોની મહેનત, દ્રઢ વિચાર અને રસાયણમુક્ત ખેતી પ્રત્યેની અડગ નિષ્ઠાના પરિણામે ગયા વર્ષે અંદાજે રૂપિયા  22 લાખ જેટલી ચોખ્ખી આવક 66 વીઘામાં વાંસ સિવાયના અન્ય ખેતીપાકો દ્વારા પ્રાપ્ત થઈ.

વિરેન્દ્રભાઈએ તેમના સરકારી અઘિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન રાસાયણિક ખેતીના દુષ્પરિણામ કેવા આવી શકે તે પ્રત્યક્ષ અનુભવ્યું અને નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી, એ જ રીતે તેમનું જોઈને તેમના બંને સંતાનોએ પણ મનોમન નક્કી કર્યું કે ભવિષ્યમાં પોતાની કારકિર્દી કૃષિ ક્ષેત્રે જ વિકસાવવી રહી. 

આજે તેમના દીકરા તેજ કાલરીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બી.એસ.સી. એગ્રી. અને દીકરી રાજવીબહેન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ ક્ષેત્રે ચોક્કસ વિષયમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યાં છે. સંભવ છે કે તેમના આ બંને સંતાનો પણ ભવિષ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રને જ અપનાવી પિતાના વારસાને જાળવી રાખશે.

વિરેન્દ્રભાઈની સફળતા એ વાત સાબિત કરે છે કે, જો યોગ્ય વિચાર, ધીરજ, માર્ગદર્શન અને નવી રીતો અપનાવવામાં આવે, તો પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ આર્થિક રીતે પણ લાભદાયક બની શકે છે. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેનો ઉકેલ શોધીને આગળ વધવામાં આવે તો સકારાત્મક પરિણામ ચોક્કસ મળે છે.

વિરેન્દ્રભાઈનું જીવન અને ખેતી એ જ વાતનું જીવંત ઉદાહરણ છે. તેમના પાસેથી પ્રેરણા લઈને અન્ય ખેડૂતો પણ રસાયણ મુક્ત ખેતી તરફ આગળ વધે અને પોતાની ખેતપેદાશ સીધી ગ્રાહકો સુધી પહોંચાડે એ જ આજના સમયની સાચી જરૂરિયાત છે.