Krushi Vishwa

કાર્બન ક્રેડિટ દ્વારા ખેતી ટકાઉ-સુરક્ષિત બનશે, પ્રકૃતિનું સંરક્ષણ થશે અને પૂરક આવક પણ મળતી થશે

By GS Team
7 Jan 20264 mins read
TukuTouch Logo
પ્રાકૃતિક ખેતી અથવા રિજનરેટિવ કૃષિ અપનાવીને જમીનમાં કાર્બનને સ્થિર કરી કાર્બન ઉત્પન્ન કરીને કાર્બન ક્રેડિટનો લાભ ખેડૂતો લઈ શકે, પરંતુ આ માત્ર વ્યક્તિગત ઘોરણ નહીં પરંતુ સંસ્થાગત રીતે જ શક્ય બને

Summarized by AI; it may make mistakes. Check important info

કાર્બન ક્રેડિટ દ્વારા ખેતી ટકાઉ-સુરક્ષિત બનશે, પ્રકૃતિનું સંરક્ષણ થશે અને પૂરક આવક પણ મળતી થશે

Agriculture News : ખેતી કરતા ખેડૂતોને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, પાણીની અછત વધી રહી છે અને ખેતીનો ખર્ચ પણ વર્ષે ને વર્ષે વધતો જાય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે આર્થિક ઉપાર્જનની એક નવી તક ઊભી થઈ છે, જેને આપણે કાર્બન ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ. કાર્બન ક્રેડિટનો અર્થ એ છે કે જો આપણે એવી ખેતી કરીએ કે જેમાં પ્રકૃતિનું રક્ષણ થાય, કાર્બન વાયુઓ ઓછા થાય અને પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે, તો તેના બદલામાં આપણે વધારાની આવક મેળવી શકીએ છીએ.

કાર્બન ક્રેડિટનો મૂળ સિદ્ધાંત ખૂબ જ સરળ છે. જો ખેડૂતની ખેતી દ્વારા વાતાવરણમાંથી વધારે કાર્બન જમીનમાં સ્થિર થાય અને હવા શુદ્ધ બને તો તેના બદલામાં ખેડૂતને કાર્બન ક્રેડિટ મળે છે. આ ક્રેડિટ મુખ્યત્વે મોટી કંપનીઓ ખરીદે છે. કારણ કે તેમના કારખાનાઓમાંથી પ્રદૂષણ થાય છે અને તેને સંતુલિત કરવા તેઓ જે ખેડૂતો ખેતીમાં કાર્બનનું વધુ સંગ્રહ કરે છે તેવા ખેડૂતો પાસેથી કાર્બન ક્રેડિટ લે છે. આમ, ખેડૂત પ્રકૃતિને બચાવે છે અને સાથે પોતાની આવકમાં પણ વધારો કરે છે.

કાર્બન જમીનમાં કેવી રીતે સ્થિર કરી શકાય ?

એક પ્રશ્ન એ ઊભો થાય છે કે ખેડૂત આ કાર્બન જમીનમાં કેવી રીતે સ્થિર કરી શકે ? તેનો જવાબ છે પ્રાકૃતિક ખેતી અથવા રિજનરેટિવ કૃષિ અપનાવીને. આ પદ્ધતિઓમાં કુદરતી સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે ગાયનું ગૌમુત્ર, છાણ, જીવામૃત, ઘનજીવામૃત અને જૈવિક પદ્ધતિઓ. આવી ખેતી જમીનને પોષણ આપે છે, જમીનનું બંધારણ જાળવે છે અને પાકને સ્વાભાવિક રીતે વિકસવા દે છે.

કાર્બન ક્રેડિટ ફક્ત કમાણી નહીં,  પ્રકૃતિને સાચવવાનો ઉપાય

વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા  કરે છે. તેમાં તેઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે અને ઓક્સિજન છોડે છે. આ પ્રક્રિયામાં જ કાર્બન જમીનમાં વધુ પ્રમાણમાં સ્થિર થાય છે. જો જમીન પ્રાકૃતિક પદ્ધતિઓથી સુધરે છે, તો તે કાર્બનને લાંબા સમય સુધી જાળવી રાખે છે. આ રીતે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂત પોતાના પાકની ઉપજમાં તો વધારો કરે જ છે, સાથે પર્યાવરણ શુદ્ધ રાખવામાં પણ યોગદાન આપે છે.

આથી કાર્બન ક્રેડિટ ફક્ત કમાણીનો રસ્તો નથી, પણ પ્રકૃતિને સાચવવાનો એક ઉપાય છે. જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો જમીન સુધરશે, હવા શુદ્ધ થશે અને ભવિષ્યમાં આપણે તથા આપણાં સંતાનોને ટકાઉ ખેતીનો લાભ મળશે.

FPO-NGOનો સહકાર વધુ લાભ અપાવશે 

ખેડૂતો માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેઓ પોતાની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO), સહકારી મંડળી અથવા કોઈ NGO સાથે જોડાય. આવી સંસ્થા ઘણા ખેડૂતોને એક સાથે જોડીને પ્રોજેક્ટ બનાવે છે, તેનું રજિસ્ટ્રેશન કરાવે છે અને ચકાસણી કરાવે છે. જ્યારે કાર્બન ક્રેડિટ ઉત્પન્ન થાય છે, ત્યારે તેની આવક બધા ખેડૂતો વચ્ચે વહેંચાય છે.

આ પ્રોજેક્ટની પ્રક્રિયા થોડી લાંબી છે. સૌથી પહેલા રજિસ્ટ્રેશન થાય છે, ત્યારબાદ ત્રીજી પાર્ટી ચકાસણી કરે છે કે ખરેખર ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી છે કે નહીં. તેમાં પાણી બચાવવાનું, ઓછું ખાતર વાપર્યાની, વૃક્ષો વાવ્યાની કે જૈવિક ખેતી કર્યાની વિગતો નોંધવામાં આવે છે. આ વિગતો પરથી જ નક્કી થાય છે કે ખેડૂતોને કેટલી કાર્બન ક્રેડિટ આપવાની છે. એક વખત ક્રેડિટ મળી જાય પછી તે ઓનલાઈન એકાઉન્ટમાં આવે છે અને તેને ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકાય છે.

ભારતમાં ખેડૂતો તેમના કાર્બન ક્રેડિટ ઇન્ડિયન એનર્જી એક્ષ્ચેન્જ અથવા પાવર એક્ષ્ચેન્જ ઇન્ડિયા લી. જેવી સંસ્થાઓ મારફતે વેચી શકે છે. આ ઉપરાંત, કેટલીક વિદેશી સંસ્થાઓ પણ કાર્બન ક્રેડિટ ખરીદે છે. ઘણીવાર કંપનીઓ જેમ કે એરલાઈન્સ કે મોટી એફ.એમ.સી.જી. કંપનીઓ સીધા ખેડૂતો પાસેથી કાર્બન ક્રેડિટ ખરીદવા માટે આગળ આવે છે, કારણ કે તેમને પોતાના કાર્બન ઉત્સર્જનનું સંતુલન જાળવવું હોય છે.

આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રાસાયણિક ખેતી પર આધાર રાખવાના કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. પાણીની અછત વધી રહી છે અને ખેતીખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ આપણે કાર્બન ક્રેડિટ જેવા નવા સાધનોનો લાભ લઈ શકીએ છીએ. કાર્બન ક્રેડિટ માત્ર પૈસા કમાવવાનો રસ્તો નથી, પરંતુ તે આપણા ભવિષ્યની ખેતીને સુરક્ષિત કરવાનો અસરકારક ઉપાય છે.

કાર્બન ક્રેડિટ ખેડૂતો માટે એક મોટો અવસર છે. એક તરફ તે જમીનને ટકાઉ બનાવે છે, પ્રકૃતિનું સંરક્ષણ કરે છે અને પાણીનું સંતુલન જાળવે છે, તો બીજી તરફ વધારાની આવક આપે છે. ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે કે આ એક ઝડપી કમાણીનો રસ્તો નથી. સામાન્ય રીતે આવક શરૂ થવામાં બે થી ત્રણ વર્ષ લાગી જાય છે. પરંતુ એકવાર ક્રેડિટ મળવાનું શરૂ થઈ જાય પછી ખેડૂતોને દર વર્ષે સતત આવક થતી રહે છે.

કાર્બન ક્રેડિટ મેળવવા રાખવી પડતી ખાસ તકેદારી

કાર્બન ક્રેડિટ મેળવવા માટે ખેડૂતોને પોતાની ખેતીમાં કેટલાક ખાસ પગલા લેવા પડે છે. ઉદાહરણ તરીકે, જો ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે, રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો કરે, પાણી બચાવે, વૃક્ષો વાવે અથવા જમીન સુધારતી પદ્ધતિઓ અપનાવે, તો તેમાંથી કાર્બન વાયુઓનું ઉત્સર્જન ઘટે છે. આ ઘટેલી માત્રા જ કાર્બન ક્રેડિટ તરીકે ગણવામાં આવે છે. 

આ ક્રેડિટ પછી બજારમાં વેચી શકાય છે અને તેના બદલામાં ખેડૂતોને આર્થિક આવક મળે છે. એટલે કે, ખેડૂત જેટલા સારા પ્રયોગો કરે, તે માત્ર ખેતરની જમીન જાળવવામાં જ નહીં પરંતુ પોતાના ખિસ્સામાં વધારાની આવક લાવવામાં પણ મદદરૂપ થાય છે.

કાર્બન ક્રેડિટનો વ્યવહાર મોટાભાગે જૂથમાં થાય છે. એકલા ખેડૂત માટે રજિસ્ટ્રેશન કરાવવું, ચકાસણી કરાવવી અને ક્રેડિટ વેચવી ખૂબ જ ખર્ચાળ છે. અંદાજે દસથી વીસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.