જીરાને નીંદણમુક્ત રાખવાથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં 20 ટકા વૃદ્ધિ સંભવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : જીરૂ એ એવો મસાલા પાક છે, જેની શરૂઆતની વૃદ્ધિ ધીમી રહે છે, તેથી વાવણીના થોડા જ સમયમાં ખેતરમાં ઉગેલા નીંદણ જમીન પર કબજો જમાવી લે છે. નીંદણ જેમ-જેમ વધે, એમ પાકને પાણી, પ્રકાશ અને ખાતર ઓછું મળે છે અને જીરૂનો નાજુક છોડ નબળો પડે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ જો જીરાના પાકમાં શરૂઆતના 30-40 દિવસ સુધી નીંદણ નિયંત્રણ ન કરવામાં આવે તો ઉત્પાદન 40-60 ટકા સુધી ઘટી શકે છે. તેનો સીઘો અર્થ એ જ થયો કે આટલું કૃષિ ઉત્પાદન ઘટવાના કારણે હેક્ટરદીઠ રૂપિયા 75-80 હજાર જેટલું આર્થિક નુકસાન ખેડૂતને ભોગવવાનું આવે. આ નુકસાન અટકાવવા સંકલિત નીંદણ વ્યવસ્થાપન અપનાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી પાકની વૃદ્ધિ ઝડપી થાય છે અને ઉપજ પણ વધુ મળે છે.
ભારતીય નીંદણ વિજ્ઞાન સંસ્થા, જબલપુરનો એક અભ્યાસ કહે છે કે, વાવણી પછી તરત ઓક્સાડિયાર્ગિલનો 0.06 કિ.ગ્રા./હે. છંટકાવ કરવાથી ખેતરમાં નવા નીંદણના ઉગાવા પર પહેલેથી જ કાબૂ મેળવી શકાય છે. આ દવાના છંટકાવ પછી 40 દિવસે અને 60 દિવસે હાથથી નીંદણ કરવાથી ખેતર લગભગ નીંદણમુક્ત રહે છે. આ પદ્ધતિ અપનાવવાથી છોડ વધુ ઉંચા અને ભરાવદાર થશે, જેથી વધુ ફૂલો આવશે અને દાણા પણ વધુ બેસશે.
અન્ય સંશોધનોમાં જણાવાયું છે કે, માત્ર દવાનો છંટકાવ કરીએ તો ફરી નીંદણનો ઉગાવો થશે, જયારે હાથ વડે નીંદણ કરીએ તો ખેતી પાછળ થતો ખર્ચ વધે છે. પરંતુ જો ખેડૂતો બંને પદ્ધતિ સાથે અપનાવશે તો નીંદણનો ઉગાવો લગભગ 70-80 ટકા ઘટી જશે અને પાકની વૃદ્ધિ ઝડપી અને સારી થશે. ખેડૂતો મલ્ચિંગ તરીકે ઘઉં અથવા જુવારનું પરાળ અથવા પાકના વધેલા અવશેષોનો ઉપયોગ કરે તો નીંદણના ઉગાવા પર ચોક્કસ નિયંત્રણ અને જમીનમાં ભેજ પણ સંગ્રહ થશે, જેથી પિયતની જરૂરિયાત પણ ઘટી જશે.
પાકની શરૂઆતના 30-40 દિવસ સૌથી મહ•વના હોય છે, કારણ કે આ સમય દરમિયાન પાક અને નીંદણ વચ્ચે ખાતર, પિયત, જગ્યા, હવા અને સૂર્યપ્રકાશ માટે સ્પર્ધા થશે અને પાકની વૃદ્ધિ અટકી જાય છે.
આથી ખેડૂતો માટે વ્યવહારુ સલાહ એ છે કે, જીરાની ખેતીમાં સંકલિત નીંદણ વ્યવસ્થાપન અપનાવવું સૌથી વધુ જરૂરી છે. વાવણી પછી 24-48 કલાકના અંતરે ઓક્સાડિયાર્ગિલ નીંદણનાશકનો છંટકાવ કરવો, પછી 40 અને 60 દિવસે હાથ નીંદણ કરવું જોઈએ.
આ પદ્ધતિ સૌથી અસરકારક અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે છે. જો શક્ય હોય તો મલ્ચિંગનો પણ ઉપયોગ કરવાથી અંદાજે બે પિયત ઓછા આપવા પડે છે તદુપરાંત નીંદણનું નિયંત્રણ પણ થાય છે. આ પદ્ધતિ અપનાવવાથી જીરામાં ચોક્કસપણે વધુ ઉત્પાદન, સારી ગુણવત્તાવાળા દાણા અને સ્થિર આવક પ્રાપ્ત થઈ શકે છે.
નીંદણનો ઉગાવો ઓછો રહે તો પાકને શું ફાયદો ?
• પાકની વૃદ્ધિ માટે પૂરતું પાણી, ખાતર અને જગ્યા મળશે.
• છોડની ઉંચાઈ સાથે ડાળીઓની સંખ્યા વધુ થશે.
• પાક પર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહેશે.
• પાકની વૃદ્ધિ ઝડપી થવાથી દાણા વધુ અને વજનદાર થશે.
• ઉત્પાદનમાં 20 ટકા સુધી વધારો થઈ શકે.




