Krushi Vishwa

માનવામાં નહીં આવે પણ મઘમાખી ઉછેર દ્વારા મેળવી વર્ષે લાખો રૂપિયાની આવક

By GS Team
10 Feb 20265 mins read
TukuTouch Logo
એક અંદાજ પ્રમાણે વિશ્વનાં લગભગ 75 ટકા પાકોની જાતને મધમાખી સહિતનાં કીટકોથી લાભ થાય છે અને વિશ્વનાં પાક ઉત્પાદનમાં અંદાજિત 35 ટકા કરતાં વધુ ભાગ માટે પરાગનયન જવાબદાર છે. જુદાં-જુદાં પાકોમાં થતા ફાયદાઓમાં ફળ કે બીજની ગુણવત્તા તેમ જ ઉત્પાદનમાં વધારો કરવામાં મધમાખી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાકના જનિનિક વૈવિધ્ય જેવા ફાયદા પણ મળે છે. માત્ર પાકને જ નહીં, કોઈપણ વ્યકિત જો આ ક્ષેત્રે રોજગારી મેળવવાનો યોગ્ય પ્રયાસ કરે તો સફળતા સાથે રોજગાર મેળવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવામાં નહીં આવે પણ મઘમાખી ઉછેર દ્વારા મેળવી વર્ષે લાખો રૂપિયાની આવક

• કોરોનામાં નોકરી જતી રહી પણ, મધમાખીપાલનથી આર્થિક દ્રષ્ટિએ પુનર્સ્થાપન થયું

• ટ્રાઇગોના મધમાખીનાં મધની ઔષધીય ગુણવત્તાને કારણે ભાવ ઊંચો મળે છે. તેમાં મધનું ઉત્પાદન અને મેન્ટેનન્સ પણ ઓછું આવતું હોય છે, આ મધનું પ્રતિ કિલો રૂપિયા  5000ના ભાવે વેચાણ થતું હોય છે

• ગત વર્ષે અર્જુનભાઈને 40 ટન મધનું ઉત્પાદન મળેલું, જેનું વેચાણ કરી રૂપિયા  70,00,000 ઉપજ્યા. ખર્ચ રૂપિયા 25,00,000 બાદ કરીને રૂપિયા 45,00,000 ચોખ્ખો નફો મેળવ્યો

Agricultural News : એક અંદાજ પ્રમાણે  વિશ્વનાં લગભગ 75 ટકા પાકોની જાતને મધમાખી સહિતનાં કીટકોથી લાભ થાય છે અને વિશ્વનાં પાક ઉત્પાદનમાં અંદાજિત 35 ટકા કરતાં વધુ ભાગ માટે પરાગનયન જવાબદાર છે. જુદાં-જુદાં પાકોમાં થતા ફાયદાઓમાં ફળ કે બીજની ગુણવત્તા તેમ જ ઉત્પાદનમાં વધારો કરવામાં મધમાખી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાકના જનિનિક વૈવિધ્ય જેવા ફાયદા પણ મળે છે. માત્ર પાકને જ નહીં, કોઈપણ વ્યકિત જો આ ક્ષેત્રે રોજગારી મેળવવાનો યોગ્ય પ્રયાસ કરે તો સફળતા સાથે રોજગાર મેળવી શકે છે. 

ખેડા જિલ્લાનાં મહેમદાવાદ તાલુકાનાં જાળીયા ગામનાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા અર્જુનભાઈની નોકરી કોરોનાકાળમાં જતી રહી. બેરોજગાર થયા બાદ તેઓ કોઈ એવા વ્યવસાયની શોધમાં હતા, જે તેમને સારી રોજગારી આપી શકે. ત્યારે તેમને મધમાખી-પાલનનો વિચાર આવ્યો. તેમણે આ વિચારને સાકાર કરવા કોરોના સમયે જ  કે.વી.કે., ખેડા દ્વારા સરકારની ઓનલાઈન ટ્રેનિંગનો લાભ લઈને 3 દિવસની તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી, જેમાં મધમાખી-પાલન વ્યવસાય અંગેનાં અનેક મહત્ત્વનાં પાસાં શીખ્યા અને સોશિયલ મીડિયાથી પણ તેમણે આ વ્યવસાયની માહિતી એકત્રિત કરી. છ મહિના બાદ તેમણે 100 મધમાખીની પેટીથી આ વ્યવસાયની શરૂઆત કરી. એક પેટી રૂપિયા  4000 ના ભાવે ખરીદીને રૂપિયા  4,00,000નું તેમણે રોકાણ કર્યું.

100 પેટીથી શરૂ કરેલ આ વ્યવસાય તેમણે 4000 કરતાં વધુ પેટી સુધી પહોંચાડ્યો છે. તેમને એક પેટીમાંથી વાત્ત્ષક 20 કિલો મધનું ઉત્પાદન મળે છે. તેઓ એપિસ મેલીફેરા પ્રજાતિની મધમાખીની 4000 પેટી અને  ટ્રાઇગોના પ્રજાતિની મધમાખીની 300 પેટી ધરાવે છે. આ ટ્રાઇગોના મધમાખીનાં મધની ઔષધીય ગુણવત્તા વધુ હોય અને ભાવ પણ ઊંચો મળે છે. તેમાં મધનું ઉત્પાદન અને મેન્ટેનન્સ પણ ઓછું આવતું હોય છે. આ મધનું પ્રતિ કિલો રૂપિયા  5000ના ભાવે વેચાણ થતું હોય છે. જ્યારે એપિસ મેલીફેરાનાં મધનો રૂપિયા 200 પ્રતિ કિલો હોલસેલનો ભાવ હોય છે. મધના વિવિધ ફ્‌લેવર મુજબ રૂપિયા  170-200 સુધીનો ભાવ મળતો હોય  છે.

ગત વર્ષે તેમણે 40 ટન મધનું ઉત્પાદન મેળવી હોલસેલમાં તેનું વેચાણ કર્યું. રૂપિયા 70 લાખનાં મધ ઉત્પાદનમાં, ખર્ચ 20 થી 25 લાખનો થયો અને તેમાંથી રૂપિયા 45 લાખનો ચોખ્ખો નફો થયો. તેઓ મધનું હોલસેલમાં વેપારીઓને તેમ જ અમૂલને વેચાણ કરે છે. તેઓ અલગથી પણ પેકિંગ કરીને મધનું વેચાણ કરે છે. 

તેઓ જણાવે છે કે, આ મધમાખી- પાલનની તાલીમ કે.વી.કે., બાગાયત, એન.ડી.ડી.બી. અને નેશનલ બી બોર્ડ આપતું હોય છે તેમાં ત્રણ દિવસની થીયરી હોય છે અને એક દિવસની પ્રેક્ટિકલ તાલીમ હોય છે. ખેડૂતને આ વ્યવસાય શરૂઆત કરવા માટે તાલીમ ઉપરાંત 50 પેટી સુધી 55% ની સબસિડી પણ મળે છે.

અર્જુનભાઈ જણાવે છે કે, મધમાખીને કારણે થતી પરાગનયનની પ્રક્રિયાથી  પાકનાં ઉત્પાદનમાં થતા વધારા અંગે ઘણાં ખેડૂતો જાગૃત જ હોય છે. ત્યારે આવા ખેડૂતોનો સંપર્ક કરીને તેમના ખેતરમાં મધમાખીની પેટીઓ  ગોઠવતા હોય છે. દોઢ મહિનાનાં રોકાણમાં એક પેટીમાંથી બે રાઉન્ડમાં આશરે 3.50 કિલો બે વાર મુજબ આશરે 7 કિલો મધનું ઉત્પાદન થાય છે. 

મધ ઉત્પાદનની શરૂઆત નવેમ્બર મહિનાથી શરૂ થાય છે અને એપ્રિલમાં આ સિઝન પૂરી થતી હોય છે. આમ છ મહિનાની સિઝન હોય છે. આ સિઝન પત્યા બાદ તેઓ મધમાખી અને તેના બચ્ચાઓને સારું એવું પોષણ મળી રહે એટલા માટે તેને નાળિયેરીના વિસ્તારમાં લઈ જતા હોય છે. જો કે આ સમય દરમિયાન તેમને મધનું ઉત્પાદન ઓછું મળે છે. જો મધમાખીને પૂરતો ખોરાક ન મળે ત્યારે ક્યારેક ખોરાક તરીકે ખાંડ આપવી પડતી હોય છે. 

તેઓ તલ, રાયડો, સુવા, અજમો, વરિયાળી જેવા પાકોમાં તેમની પેટીઓ મૂકે છે. તેલીબીયા પ્રકારના આ પાકોમાં તેમને વધુ મધ મળતું હોય છે. 150-200 વીઘામાં 300 પેટીનું એક યુનિટ મૂકવું સરળ રહે છે. 

તેઓ જણાવે છે કે, મધમાખી માટે એવી જગ્યાની પસંદગી કરવાની હોય છે કે, જ્યાં મંકોડા ન હોય તેમ જ બી ઇટર પક્ષી ન હોય. તેથી મધમાખીની સુરક્ષિતતા જળવાઈ રહે એટલું જ નહીં, જ્યાં દવાનો છંટકાવ થઈ રહ્યો હોય ત્યાં મધમાખી ન મૂકાય. જો દવાનો અગાઉથી જ છંટકાવ થઈ ગયો હોય તો મધમાખી ત્યાં બેસશે જ નહીં. મધમાખી પાલનમાં કોઈ એક પાકમાં એકથી દોઢ મહિના સુધી રોકાવું પડતું હોય છે.

આ મધમાખીની સાચવણી પણ ખૂબ અગત્યની થઈ જતી હોય છે. તેને ચોખ્ખું વાતાવરણ જોઈતું હોય છે. વરસાદી વાતાવરણ મઘમાખી માટે પ્રતિકૂળ છે, આ સમયે મધમાખી બહાર નીકળતી નથી. આ ઉપરાંત 45 ડિગ્રીથી વધુ ગરમી હોય તો આ તાપમાન પણ મધમાખીને અનુકૂળ આવતું નથી. ચોમાસામાં મધમાખીને રોગ ના આવે તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. મધમાખીમાં માઈટનો રોગ જોવા મળતો હોય છે તેના માટે ફોત્ત્મક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે.

અહીં સૌથી મજાની વાત એ છે કે, જે મઘમાખી જેના નામમાત્રથી સામાન્ય રીતે કોઈ દૂર ભાગે, એમાં પણ જો મઘપૂડો છંછેડાય અને ચારે તરફ ગણગણાટ કરતી મઘમાખીઓનું ઝૂંડ જોવા મળે એટલે કોઈ પણ ત્યાંથી ભાગ્યા વિના ન રહે, એવી આ મઘમાખીઓનું જો વૈજ્ઞાનિક રીતે સંવર્ધન થાય તો રોજગારીનું માધ્યમ પણ બની શકે. રાજ્યમાં અનેક ખેડૂતોએ મઘમાખી ઉછેરનો પ્રયોગ કર્યો જ હશે. એટલે સંદેશ એટલો જ છે કે સામાન્ય સંજોગોમાં જેનાથી દૂર ભાગતા હોઈએ તેવી અનેક બાબતો એવી હોય કે જો તેનો અભ્યાસ કરવામાં આવે તો નુકસાનના બદલે તે લાભદાયી નિવડે. માત્ર દ્રષ્ટિકોણ અને અભ્યાસની જરૂર છે.