Krushi Vishwa

રોગ-જીવાત ઉપદ્રવ અને તેની અસરની ચેતવણી, દવા છંટકાવની માત્રાનું પણ માર્ગદર્શન, ખેતીખર્ચ ઘટાડશે

By GS Team
18 Feb 20265 mins read
TukuTouch Logo
સમગ્ર દેશના ખેડૂતો આજે બદલાતા હવામાન, આબોહવા, કૃષિ પાકોમાં આવતા અવનવા રોગ-જીવાતના ઉપદ્રવ અને તેના નિયંત્રણ પાછળ મોંઘીદાટ દવાઓના ઉપયોગના કારણે વધતો જતો ખેતીખર્ચ અને ક્યારેક પાક બરબાદ થવા જેવી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. પરંપરાગત કૃષિ પ્રણાલીમાં રોગ-જીવાતની ઓળખ અને નિયંત્રણ અનુભવ અને અંદાજ પર આધારિત હતા, પરંતુ હવેના યુગમાં એ.આઇ. આધારિત એપ્લિકેશન અને ટેક્‌નોલોજીની મદદથી ખેતીમાં રોગ-જીવાત આવતા પહેલા અનુમાન મળી જાય છે, તેમ જ રોગ-જીવાતનું નિયંત્રણ વધુ સરળ, ઝડપી અને સચોટ બની જાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોગ-જીવાત ઉપદ્રવ અને તેની અસરની ચેતવણી, દવા છંટકાવની માત્રાનું પણ માર્ગદર્શન, ખેતીખર્ચ ઘટાડશે

• AI ટેક્‌નોલોજી દ્વારા ખેતરના દરેક ખૂણાની રિયલ-ટાઇમ દેખરેખ, 99% ચોક્કસ જીવાતની ઓળખ

• ચોક્કસ જીવાતની ઓળખ, ચોક્કસ જીવાત નિયંત્રણની પદ્ધતિ, ચોક્કસ સમયે અને ચોક્કસ દવાથી આ સિસ્ટમના ઉપયોગ દ્વારા ખેડૂતોને ખેતી પાછળ થતા  ખેતીખર્ચમાં અંદાજે 30-40% ઘટાડો થાય છે

Agriculture News : સમગ્ર દેશના ખેડૂતો આજે બદલાતા હવામાન, આબોહવા, કૃષિ પાકોમાં આવતા અવનવા રોગ-જીવાતના ઉપદ્રવ અને તેના નિયંત્રણ પાછળ મોંઘીદાટ દવાઓના ઉપયોગના કારણે વધતો જતો ખેતીખર્ચ અને ક્યારેક પાક બરબાદ થવા જેવી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. પરંપરાગત કૃષિ પ્રણાલીમાં રોગ-જીવાતની ઓળખ અને નિયંત્રણ અનુભવ અને અંદાજ પર આધારિત હતા, પરંતુ હવેના યુગમાં એ.આઇ. આધારિત એપ્લિકેશન અને ટેક્‌નોલોજીની મદદથી  ખેતીમાં રોગ-જીવાત આવતા પહેલા અનુમાન મળી જાય છે, તેમ જ રોગ-જીવાતનું નિયંત્રણ વધુ સરળ, ઝડપી અને સચોટ બની જાય છે. 

એ.આઇ. એવી ટેક્‌નોલોજી છે, જે પાકનો તાજેતરમાં પાડેલો ફોટો, પાનનો રંગ, હવામાન અને જીવાતના ઉપદ્રવની અસર અને તે પણ કેટલા પ્રમાણમાં તેની અસર છે, તેના પરથી તરત જ નક્કી કરીને ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય પગલાં ભરવામાં મદદ કરે છે. ખેડૂતે આ પ્રકારની ટેક્‌નોલોજીનું માર્ગદર્શન મેળવવા માટે પોતાના મોબાઇલમાં કૃષિ ક્ષેત્રને લગતી અનેક પ્રકારની એપ પ્રચલિત છે તેમાંથી કોઈ પણ પ્રકારની એપ ડાઉનલોડ કરવાની રહે છે. આવી એપ ડાઉનલોડ કરવાથી ખેડૂતને માત્ર આંગળીના ટેરવે રોગ-જીવાત નિયંત્રણ ઉપરાંત ખેતી સંબંધી અન્ય પ્રશ્નોનો ઉપાય મળી જશે.

એ.આઇ. આધારિત એપ્લિકેશન કોઈ પણ પાકનાં ફોટા પરથી ઝડપથી કહી શકે છે કે, પાકમાં કઈ જીવાતનો ઉપદ્રવ આવ્યો છે અને કેટલા પ્રમાણમાં તેની અસર છે. એ.આઈ. પર થયેલા એક અભ્યાસ મુજબ જાણવા મળેલ છે કે, એ.આઈ. આધારિત કૃષિ મોડલ 99% સુધીની ચોકસાઈ સાથે ખેતીકાર્યમાં મદદરૂપ થાય છે. આ એપની વિશેષતા એ છે કે તે ઓપરેટ કરતાની સાથે જ આગામી સપ્તાહના હવામાન પરથી જીવાતો આવવાની શકયતા, જીવાતની ઓળખ અને તેની અસરો વિષે આગવી આગાહી કરે છે. 

આ પૂર્વચેતવણી ખેડૂતોને પહેલેથી જ પોતાના પાકનું રક્ષણ કરવા માટે જરૂરી દવાઓનો ઉપયોગ કરવાનું સૂચન કરશે. તેથી જીવાતનો ઉપદ્રવ પાક પર તેની તીવ્ર અસર બતાવે તે પહેલા જ નિયંત્રણ કરી શકાય, સરવાળે પાકને થતું નુકસાન અટકાવી શકાય. એ.આઈ. માત્ર જીવાતની ઓળખ જ નથી કરતું, પરંતુ કઈ દવાનો ઉપયોગ કરવો, કેટલી માત્રામાં કરવો અને કયારે છંટકાવ કરવો એનું પણ ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે.

સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં એ.આઈ. ‘4 ઇ સિસ્ટમ (Right pest identification, Right method selection, Right control timing, Right action)’ને વધુ મજબૂત બનાવે છે. ચોક્કસ જીવાતની ઓળખ, ચોક્કસ જીવાત નિયંત્રણની પદ્ધતિ, ચોક્કસ સમયે અને ચોક્કસ દવાથી આ 4 આર  સિસ્ટમના ઉપયોગથી ખેડૂતોને ખેતી પાછળ થતા ખેતીખર્ચમાં અંદાજે 30-40 ટકાનો ઘટાડો થાય છે. 

ગુજરાતમાં પણ એ.આઈ. આધારિત ખેતીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન દ્વારા રોગ-જીવાતની ઓળખ કરી યોગ્ય દવા અને યોગ્ય માત્રામાં વાપરવા લાગ્યા છે. ખાસ કરીને ‘નમો ડ્રોન દીદી’ સ્કીમ હેઠળ દવાનો છંટકાવ પણ હવે ડ્રોનના માધ્યમથી થવા લાગ્યો  છે. 

એ.આઈ. આધારિત સંકલિત જીવાત નિયંત્રણથી ખેડૂતોને પાકમાં આવતા સંકટની પૂર્વ આગાહી મળી રહે છે. વર્તમાન અથવા તો પછીના અઠવાડિયામાં કઈ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, આવનાર આબોહવાથી કઈ દિશામાં પાકને અસર થશે અને ક્યા દિવસે દવાનો છંટકાવ કરવો યોગ્ય રહેશે તેની પણ આગાહી આ એપ્લિકેશન દ્વારા થતી હોવાથી ખેડૂત સમયસર રોગ-જીવાત નિયંત્રણ વગેરેનું આયોજન કરી શકે છે. મજૂરોની અછત, વરસાદની વચ્ચે દવાનો છંટકાવ કરવો મુશ્કેલ છે, તેવી પરિસ્થિતિમાં એ.આઈ. ખેડૂત માટે માર્ગદર્શન પૂરું પાડશે.

બદલાતી આબોહવાના કારણે રોગ-જીવાતના ઉપદ્રવ આવવાનો સમય અને પાક પર તેની અસર બદલાઈ ગઈ છે. ત્યારે  રોગ-જીવાતનું આગવું અનુમાન અને નિયંત્રણ કરવાની પદ્ધતિમાં પણ બદલાવ લાવવો ખૂબ જરૂરી બને છે. આગામી સમયમાં એ.આઈ. આધારિત સંકલિત જીવાત વ્યવસ્થાપન ખેતીમાં એક મહત્ત્વનું પાસું બની શકે છે. 

ઓછા ખર્ચે, ઓછા જોખમ સાથે, વધુ ચોકસાઈપૂર્વક અને વધુ ઉત્પાદન આ ચાર મોટા ફાયદા ખેડૂતોને ટકાઉ ખેતી માટે એ.આઈ. આધારિત ખેતી કરવા તરફ આકર્ષિત કરી રહ્યા છે. કમનસીબી એ છે કે મોટાભાગના ખેડૂતો જંતુનાશક દવાઓની ખરીદી અને તેના છંટકાવની બાબતમાં કાં તો દેખાદેખીથી અથવા તો પોતાની સૂઝબૂઝ પ્રમાણે પરંપરાગત રીતે દવા છંટકાવ વગેરે કરતા હોય છે. તેના કારણે વર્ષનો હિસાબ કાઢીએ ત્યારે ખબર પડે કે આવી દવાઓ પાછળ ખેડૂતો બિનજરૂરી ખર્ચ કરે છે. આ ખર્ચની સાથે વાતાવરણ અને માનવીય સ્વાસ્થ્ય પર જે વિપરીત અસર થાય તેનો તો કોઈ હિસાબ જ નથી. આ સ્થિતિનું નિવારણ જ્યારે ટેક્‌નોલોજી પાસે હોય ત્યારે તેનો ઉપયોગ માત્ર ખર્ચના બચાવની દ્રષ્ટિએ નહીં પણ સર્વાંગી દ્રષ્ટિએ લાભદાયી છે.

સંકલિત વ્યવસ્થાપનમાં AI ડ્રોન ટેક્‌નોલોજીનું યોગદાન

• એ.આઈ. આધારિત રિમોટ સેન્સિંગ અને ડ્રોન ટેક્‌નોલોજી પણ સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપનમાં મોટું યોગદાન આપે છે.

• હાલમાં જ થયેલ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એ.આઈ. ટેક્‌નોલોજી સાથે જોડાયેલા રિમોટ સેન્સિંગ અને ડ્રોન ટેક્‌નોલોજી પાકના દરેક ખૂણા પર નજર રાખીને ખેતરમાં કયા ભાગમાં રોગ-જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે તે રિયલ-ટાઇમ માહિતી આપે છે.

• તેનો ફાયદો એ છે કે જે તે વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાની જરૂર હોય ત્યાં જ ખેડૂતે દવા છાંટવાની રહે. આમ કરવાથી દવા અને તેના છંટકાવ પાછળ થતો બિનજરૂરી ખેતીખર્ચ ઘટશે અને પાક પર ઝેરી દવાઓના અવશેષ રહી જવાની શક્યતા નહીંવત્‌ થઈ જશે.

• એક અભ્યાસ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે, ખેડૂતો મોટેભાગે મગફળી, કપાસ, શાકભાજી, જીરૂ, ચણા જેવા પાકોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનું વધારે પસંદ કરે છે. આની પાછળનું કારણ એટલું જ છે, આ પાકોનો ગુજરાતના ખેતી ક્ષેત્રમાં મહત્ત્વનો ફાળો છે. 

• ડ્રોનથી દવાનો છંટકાવ કરાવેલ ખેડૂતોનું માનવું છે કે, પહેલાં જે ક્ષેત્રમાં ત્રણ વખત દવાનો છંટકાવ કરવો પડતો તેની તુલનામાં હવે એ.આઈ. આગાહી દ્વારા ફક્ત એક અથવા બે છંટકાવથી જ પાક સુરક્ષિત રહે છે.