87 વર્ષીય ખેડૂતનો અભિનવ પ્રયોગ : નર્સરી અને મશરૂમની ખેતીમાં લાખો રૂપિયાની આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના અમીરગઢના 87 વર્ષીય ખેડૂત ઠાકોરભાઈ પૂનમભાઈ પટેલની ખેતી અચૂક જોવા-જાણવા જેવી છે. આ ખેડૂત ખેતીને એક વ્યવસાય તરીકે અપનાવીને સમૃદ્ધિનું ખેડાણ કરી મોટી ઉંમરે પણ સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને તેમનાં સફળ સાહસનો વ્યાપ પણ વધારી રહ્યા છે.
શરૂઆતનાં વર્ષોમાં કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડામાંથી માતૃબીજ મેળવીને તેઓએ ગવાર, ડુંગળી, સોયાબીન અને એરંડા જેવા પાકોના હાઈબ્રીડ બીજ તૈયાર કરી બીજ નિગમને પૂરાં પાડ્યાં હતાં. હંમેશાં ગુણવત્તા અને નવીનતા પર ભાર મૂકતા ઠાકોરભાઈ 100 વીઘા જમીનમાં તેમનાં અનુભવનો ખેતીમાં પૂરતો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે ખેતીને માત્ર આર્થિક ઉપાર્જનના સાધન સુધી સીમિત ન રાખતા આત્મસંતોષ અને સમૃદ્ધિનું એક વ્યાવસાયિક માળખું બનાવ્યું છે. ઠાકોરભાઈ ધરૂની નર્સરી અને મશરૂમની ખેતી પણ કરે છે.
ત્રણ એકરની અભિનવ નર્સરી
આજે ત્રણ ગ્રીનહાઉસ અને બે નેટહાઉસ ઘરાવતી તેમની ત્રણ એકરની નર્સરી, આધુનિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ બની છે. નવાઈની વાત એ છે કે ઠાકોરભાઈએ નર્સરી અંગે કોઈ પુસ્તકિયું જ્ઞાન મેળવ્યું નથી. તેમણે આ જ્ઞાન અનેક જગ્યાએ ભ્રમણ કરીને, સતત અનુભવ અને અવલોકન કરીને મેળવ્યું છે, જેના કારણે આજે કૃષિ યુનિવર્સિટીનાં અભ્યાસુઓ તેમની નર્સરીમાં શીખવા માટે આવે છે. મોટી ઉંમરે પણ તેઓ નર્સરી સંચાલનમાં સક્રિય છે. તેઓ નર્સરીમાં 40 માણસોને રોજગારી આપી રહ્યા છે.
ઠાકોરભાઈ પ્લગ નર્સરી ધરાવે છે. પ્લગ નર્સરી એટલે, એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ જેમાં ગુણવત્તાયુક્ત ધરૂનાં બિયારણને પ્લાસ્ટિકની ટ્રેમાં, માટીનો ઉપયોગ કર્યા વિના કોકોપીટ જેવા માધ્યમનો ઉપયોગ કરીને વાતાનુકૂલિત નર્સરીમાં ઉછેરવામાં આવે છે. આનાથી ધરૂ રોગ-જીવાત મુક્ત, ખાસ કરીને જમીનજન્ય રોગોથી મુક્ત રહે છે. આ પદ્ધતિમાં ૠતુ અને જાત પ્રમાણે માત્ર 15 થી 45 દિવસમાં ધરૂ તૈયાર થઈ જાય છે.
ઓટોમેટીક પ્લાન્ટિંગ મશીન
વ્યાવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો, ઠાકોરભાઈની નર્સરીમાં ખેડૂતોની માંગ મુજબ વાર્ષિક ધોરણે મરચી, રીંગણ, ટામેટાં 10-10 લાખ જેટલાં, પપૈયાના રોપાં અને ગલગોટાના ધરૂનો ઉછેર 15-20 લાખ જેટલો થાય છે.
આ ધરૂ ઉછેરની પ્રક્રિયાને ઝડપી બનાવવા તેમની પાસે પ્રતિ કલાક 16,000 બીજ ભરવાની ક્ષમતાવાળા બે ઓટોમેટીક પ્લાન્ટિંગ મશીન છે, જે તેમના કાર્યને ઝડપી અને વ્યાવસાયિક બનાવે છે. આ ઉપરાંત, આંબા, ચીકુ, જામફળ, લીંબુ, મોસંબી, સંતરા અને સરગવાની મલ્ટીપ્લેક્ષ વેરાયટીના ફળ છોડ પણ તેઓ તૈયાર કરે છે, જે રૂા.100 થી રૂા.200 કે તેથી વધુ ભાવે ઉપલબ્ધ હોય છે.
માત્ર 3 એકરની નર્સરીમાંથી તેઓ પ્રતિ એકરે રૂા.10,00,000 પ્રમાણે કુલ રૂા. 30,00,000નો ચોખ્ખો નફો મેળવે છે. એટલે કે વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ નર્સરી દ્વારા તેઓએ સારી એવી સફળતા મેળવી છે.
મશરૂમના ઉત્પાદનનો અદ્યતન પ્રયોગ
ઠાકોરભાઈની રુચિ માત્ર નર્સરી પૂરતી મર્યાદિત નથી. તેમણે શરૂઆતમાં ઝૂંપડીમાં ઓઈસ્ટર અને બટન મશરૂમના ઉત્પાદનનો પ્રયોગ શરૂ કર્યો હતો. તેનાં પરિપાકરૂપે આજે તેમણે રાજ્ય સરકારની રૂા. 16 લાખની આર્થિક સહાય દ્વારા રૂપિયા 1.20 કરોડનાં ખર્ચે 4020 ફૂટના પાંચ આધુનિક કોલ્ડસ્ટોરેજ બનાવ્યા છે. આ સ્ટોરેજમાં શરૂઆતમાં રૂપિયા 40-50 હજારનું વીજળી બિલ આવતું, માટે આ ખર્ચ ઘટાડવા તેમણે 50 એચ.પી.ની ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ લગાડી, જે તેમની આધુનિક વ્યવસ્થાપનની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે.
પ્રત્યેક રૂમમાં 9 થી 10 બેડ પર બટન મશરૂમ ઉગાડવામાં આવે છે. બેગમાંથી 28માં દિવસે ઉત્પાદન શરૂ થઈ જાય છે અને 40 દિવસ સુધી લણણી કરવામાં આવે છે. મશરૂમ ઉત્પાદનમાં સફાઈ અને ગુણવત્તા પર તેમનો વિશેષ ભાર છે, જ્યાં ફૂગ અને બેક્ટેરિયાથી બચવા માટે સેનેટાઈઝેશન અને નક્કી કરેલા મર્યાદિત સ્ટાફને મશરૂમનાં રૂમમાં પ્રવેશ આપવામાં આવે છે.
એક રૂમમાંથી આશરે 3000 કિલો મશરૂમનું ઉત્પાદન થાય છે, જેનો હોલસેલ ભાવ રૂા. 150 પ્રતિ કિલો મળે છે. ખર્ચ પ્રતિ કિલોએ રૂા. 120 બાદ કરતા રૂા. 30 મુજબ એક રૂમમાંથી રૂા. 90,000 પ્રમાણે 5 કોલ્ડસ્ટોરેજમાંથી રૂા. 4,50,000 નો ચોખ્ખો નફો મેળવે છે. આ ઉત્પાદન અમદાવાદ, વડોદરા અને સુરતના વેપારીઓને સપ્લાય કરવામાં આવે છે. આમ, નર્સરી અને મશરૂમની ખેતીમાંથી કુલ ચોખ્ખી આવક રૂા.34,50,000 જેટલી થાય છે.
ઠાકોરભાઈ માત્ર એક ખેડૂત નથી, પરંતુ આધુનિક કૃષિના એક સફળ ઉદ્યોગપતિ છે. તેમણે ખેતીને એક બિઝનેસ મોડેલમાં પરિવર્તિત કરી છે.




