VIDEO : નડિયાદના કોલેજ રોડ પર પ્રચંડ આગ : 4 ગેસ સિલિન્ડર ફાટતાં નાસભાગ, અનેક સ્ટોલ બળીને ખાખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nadiad Fire : નડિયાદ શહેરના અતિ વ્યસ્ત મનાતા કોલેજ રોડ પર કેનાલ અને સંકેત ઇન્ડિયા નજીક અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. તહેવારના માહોલ વચ્ચે સર્જાયેલા આ અગ્નિકાંડમાં જોતજોતામાં જ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ પકડી લીધું હતું, જેના પરિણામે રેસ્ટોરન્ટ, ગારમેન્ટ સ્ટોર અને અંદાજે બારેક જેટલા ફૂડ સ્ટોલ આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા.
ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટથી સમગ્ર પંથક ધ્રૂજ્યો
આગની જ્વાળાઓ જ્યારે ફૂડ સ્ટોલ્સ સુધી પ્રસરી ત્યારે ત્યાં રાખેલા ચાર જેટલા ગેસ સિલિન્ડરમાં ઉપરાઉપરી પ્રચંડ વિસ્ફોટ થયા હતા. આ ધડાકાઓને કારણે સમગ્ર માર્ગ પર ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા, જેના લીધે આખા વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડના સાત વાહનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
દુર્ઘટનાની જાણ થતાં જ નડિયાદ નગરપાલિકા ફાયર વિભાગના સાત જેટલા ફાયર ફાઇટરો તાબડતોબ ઘટનાસ્થળે ધસી ગયા હતા. અગ્નિશામક દળના જવાનોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી રોકવા મથામણ આદરી હતી. પરિસ્થિતિ વિકટ હોવાથી આગ પર પૂર્ણ કાબૂ મેળવવામાં લાંબો સમય લાગી રહ્યો છે.
પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર તહેનાત
ઘટનાની ગંભીરતા જોતાં નડિયાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ માટે પહોંચી ગયો હતો. કોઈ જાનહાનિ થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર ખડકી દેવામાં આવી હતી. આગ પાછળનું પ્રાથમિક કારણ અને થયેલા સત્તાવાર આર્થિક નુકસાન અંગે વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




