વણાકબોરીમાં બેફામ ટ્રકોમાંથી ઉડતી એશને કારણે વેપારીઓનો ચક્કાજામ

- અધિકારીઓ કલાકોની સમજાવટ બાદ ટ્રકો છોડાઇ
- સ્થાનિકોમાં આંખમાં બળતરા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે છેલ્લા ઘણાં સમયથી પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય એશ ભરેલી ટ્રકોમાંથી હવામાં એશ ઉડે છે. જેને કારણે સ્થાનિકોની આંખો અને શ્વાસમાં સમસ્યાઓ વધી રહી છે. કેટલાંક મોટી ઉંમરના રહીશોને શ્વાસનો પ્રોબ્લેમ પણ શરુ થયો છે. ઉપરાંત આ પાવર સ્ટેશન બહાર રસ્તાની આજુબાજુ કચરાના ઢગલા પણ ખડકાયા છે. જેને કારણે સ્થાનિકો રોષે ભરાયા છે. આજે બપોરે આવી જ એક ફ્લાય એશ ઉડાડતી ટ્રક પસાર થતા સ્થાનિક વેપારીઓએ હલ્લા બોલ બોલાવ્યો હતો અને ટ્રકને રોકી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ શહેરની ગાયત્રીનગર સોસાયટીના રહીશોએ રોડની સાઇડના ઢગલા બાબતે ચક્કાજામ કર્યો હતો. ત્યારે થોડા સમય માટે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. પરંતુ ફરી વખત એ જ પ્રોબ્લેમ ચાલુ થતા વેપારીઓ રોષે ભરાયા હતા. પાવર સ્ટેશનના અધિકારીઓ દ્વારા આવી ફ્લાય એશ ભરેલી ટ્રકોમાં પાણી ન છાંટતા ટ્રક પસાર થતા આ ડસ્ટ હવામાં ઉડે છે. આજે વેપારીઓએ ગાયત્રીનગરના ગેટ પર જ ટ્રકને રોકી લેતા ફ્લાયને લગતા અધિકારીઓ તેમજ જવાબદાર કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં અનેક રકઝકો બાદ અધિકારીઓએ વેપારીઓને સત્વરે ઉકેલ લાવવાની હૈયાધારણા આપતા મામલો થાળે પડયો હતો.




