Kheda

નડિયાદ મનપાનો અણઘડ વહીવટ ખુલ્લો પડ્યો, પ્રજાના 70 લાખ પાણીમાં, વેપારીઓ માટે બનાવેલા શેડને ખંભાતી તાળા

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
નડિયાદમાં સરદાર ભુવનના વેપારીઓ માટે કશીભાઈ પાર્ક પાસે 70 લાખના ખર્ચે બનાવેલા પતરાના શેડનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા માટે આ ખર્ચ કર્યો હતો, પરંતુ રહેણાંક વિસ્તારમાં ગ્રાહકોની અવરજવર ન હોવાથી વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી છે. હાલ આ શેડમાં કોઈ ધંધો થતો નથી અને તેની દેખરેખ માટે સિક્યુરિટી ગાર્ડ રાખવાની નોબત આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નડિયાદ મનપાનો અણઘડ વહીવટ ખુલ્લો પડ્યો, પ્રજાના 70 લાખ પાણીમાં, વેપારીઓ માટે બનાવેલા શેડને ખંભાતી તાળા

Nadiad Municipal Corporation News : નડિયાદમાં સરદાર ભુવનના વેપારીઓ માટે કશીભાઈ પાર્ક પાસે બનાવવામાં આવેલા પતરાના શેડનો પ્રોજેક્ટ નિષ્ફળ સાબિત થયો છે. વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે નડિયાદ મહાનગરપાલિકાએ આશરે 70 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ ગ્રાહકોની અવરજવર ન હોવાથી વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી છે. હાલ આ જગ્યાએ ધંધો થતો નથી અને શેડની દેખરેખ માટે સિક્યુરિટી ગાર્ડ રાખવાની સ્થિતિ ઊભી થઈ છે.

70 લાખ રૂપિયાનું આંધણ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભુવનની જર્જરિત દુકાનો તોડી પાડવામાં આવ્યા બાદ ત્યાંના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી કશીભાઈ પાર્ક પાસે પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પાછળ આશરે 70 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, વેપારીઓ માટે તૈયાર કરવામાં આવેલા શેડનો દેખાવ અને બાંધકામ વેપાર માટે અનુકૂળ ન હોવાના સવાલો શરૂઆતથી જ ઊભા થયા હતા.

રહેણાંક વિસ્તારમાં વચ્ચે શેડ ઉભા કરી દેવાયા

આ શેડ રહેણાંક વિસ્તારની વચ્ચે બનાવવામાં આવ્યા છે. આસપાસ સોસાયટીઓ આવેલી હોવાથી અહીં સામાન્ય નાગરિકો અને ગ્રાહકોની અવરજવર ઓછી રહે છે. વેપાર-ધંધો ચલાવવા માટે ગ્રાહકોની અવરજવર જરૂરી હોય છે, પરંતુ આ સ્થળે ઘરાકી ન મળતાં વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શેડ ફાળવાયા બાદ વેપારીઓએ અહીં પોતાનો ધંધો શરૂ કરીને તેને ચલાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે, ગ્રાહકો ન મળતાં વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. સતત નિરાશા મળતાં અંતે વેપારીઓએ દુકાનો બંધ કરીને તાળાં મારી દીધાં હતાં.

મહાનગરપાલિકામાં આયોજનનો અભાવ

હાલમાં આ શેડમાં કોઈ વ્યવસાય થતો ન હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ માટે બનાવવામાં આવેલી દુકાનો બંધ પડી રહેતાં પ્રોજેક્ટનો હેતુ પણ સિદ્ધ થયો નથી. હવે આ જગ્યાની દેખરેખ માટે સિક્યુરિટી ગાર્ડ રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે કરવામાં આવેલો 70 લાખ રૂપિયાનો ખર્ચ ઉપયોગી સાબિત ન થતાં મહાનગરપાલિકાના આયોજન સામે સવાલો ઊભા થયા છે. રહેણાંક વિસ્તારમાં વેપારીઓ માટે શેડ બનાવતી વખતે ગ્રાહકોની અવરજવર અને વેપારની શક્યતાઓનો પૂરતો વિચાર કરવામાં આવ્યો હતો કે નહીં, તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે.