લગ્નમાં જવા નિકળેલા ફાગવેલના નિવાસીનું કારની ટક્કરે અકસ્માતમાં મોત

- અમદાવાદ ઇન્દોર હાઇવે પરની ઘટનામાં પોલીસ ફરિયાદ
- પગપાળા જઇ રહેલા શખ્સને પૂરઝડપે આવતી કારના ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ
કઠલાલ તાલુકાના ફાગવેલ માલજી ભાગ વિસ્તારમાં રહેતા રાયસિંહ સોમાભાઈ રાઠોડ શુક્રવારે સાંજે પોતાના સંબંધીને ત્યાં લગ્નમાં જવા નિકળ્યા હતા. તેઓ અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પગપાળા જઇ રહ્યા હતા તે સમયે હોટલ નજીક પૂરઝડપે પસાર થતી કારના ચાલકે રોડની સાઇડ પર ચાલતાં જતાં રાહદારીને અડફેટમાં લેતાં રાયસિંહ રાઠોડનું (ઉં.વ.૪૫) માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ ઇજાગ્રસ્તના સંબંધી સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બનેલા રાયસિંહ રાઠોડને ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબે રાયસિંહ ભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રણજીત કુમાર રાયસિંહ રાઠોડએ ફરિયાદ આપતા કઠલાલ પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




