Get The App

ખાત્રજ ચોકડી પાસેથી ગાંજાનું વેચાણ કરતા 2 શખ્સ ઝડપાયા

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
ખાત્રજ ચોકડી પાસેથી ગાંજાનું વેચાણ કરતા 2 શખ્સ ઝડપાયા 1 - image

- બનાવમાં 5 વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ

- ગાંધીનગર નાર્કોટિક્સની ટીમે શખ્સો પાસેથી 4.96 લાખનો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડીએથી બે ઇસમો ગાંજાનું વેચાણ કરતા ઝડપાઇ ગયા હતા. આ ઇસમો પાસેથી પોલીસે નશીલાપદાર્થ,મોબાઇલ સહિત કુલ ૪,૯૬,૫૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ બનાવમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ગાંધીનગર નાર્કોટીસ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ કચેરીને ગત્ રોજ બપોરના ત્રણેક વાગ્યે બાતમી મળી હતી કે મહેમદાવાદની ખાત્રજ ચોકડી પર બે ઇસમો ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. આથી પોલીસે ટીમ સાથે આ સ્થળે જવા સાંજના સાડા સાતે નીકળ્યા હતા. પોલીસ ટીમ રાત્રીના સાડા નવ કલાકે ખાત્રજ ચોકડી પાસે આવેલ સરકારી વિશ્રામગૃહ પાસે પહોંચી હતી. અને ત્યાં બાતમી મુજબના ઇસમોની રાહ જોતા હતા. તે દરમ્યાન રાત્રીના ૧૨.૪૧ વાગ્યે બે ઇસમો મલેક ફાર્મ બાજુથી રીક્ષામાં આવ્યા હતા. આથી પોલીસે રીક્ષાને કોર્ડન કરી રોકી હતી. પોલીસે રીક્ષામાં બેઠેલા બંને ઇસમોની પૂછપરછ કરતા તેઓ સૈયદઅલી કાયમઅલી સૈયદ, ઉં.૨૭, રહે. ચુથાપુરા વિસ્તાર, મહેમદાવાદ અને અક્ષય ભરતભાઇ પરમાર,ઉં. ૩૦,રહે. વણકરવાસ, માંકવા, તા.મહેમદાવાદ હોવાનું માલુમ પડયંુ હતું. પોલીસે તલાશી લેતા તેની પાછળની સીટ પરથી એક પ્લાસ્ટીકના કોથળામાંથી લીલાશ પડતા ભૂખરા રંગનો વિશિષ્ટ વાસ ધરાવતો માદક પદાર્થ મળી આવ્યો હતો. ઇસમોને આ અંગે પૂછતા તે ગાંજો હોવાનું જણાવ્યું હતું. 

આ ઇસમોને આ ગાંજો ક્યાંથી લાવો છો અને કેટલામાં વેચો છો તેવા પ્રશ્નો પૂછતા તેમને જણાવ્યું હતુ કે આ ગાંજો રાકેશ ઓરીસ્સાવાળો તથા જસ્ટીન, રહે.ચર્ચની બાજુમાં મહેમદાવાદ તથા અમદાવાદના સોનું નામના ઇસમ પાસેથી ૮૦૦૦ રૂપિયાના કિલોના ભાવે લાવીએ છીએ અને ૧૨,૦૦૦ રૂપિયે કિલોના ભાવે વેચીએ છીએ. પોલીસે સદર ઇસમો પાસેથી ૨૨ કિલો ૭૫૦ ગ્રામનો ગાંજો પકડી પાડયો હતો. ઉપરાંત આ ઇસમોની તલાશી લેતા તેમની પાસેથી મોબાઇલ અને રોકડ રકમ તથા રીક્ષા કિંમત રૂા.૫૦,૦૦૦  મળી કુલ ૪,૯૬,૫૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ઉપરોક્ત બંને ઇસમો ને મહેમદાવાદ પોલીસને સોંપ્યા હતા. 

જ્યાં પોલીસે આબંને ઇસમો સહિત રાકેશૌ,સોનુ  અને જસ્ટીન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.