Kheda-Anand

ડાકોરમાં નીકળી રણછોડરાયજીની 254મી રથયાત્રા: 'જય રણછોડ'ના નાદથી ગગન ગુંજ્યું, દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
ડાકોરમાં 15 જુલાઈએ રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. સવારે 6:15 વાગ્યે મંગળા આરતી બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ઠાકોરજી નગરચર્યાએ નીકળ્યા. ચરોતર સહિત રાજ્યભરના હજારો ભક્તો 'જય રણછોડ, માખણ ચોર' નાદથી ગગન ગુંજાવતા જોડાયા. 388 પોલીસ કર્મચારીઓ અને ડ્રોન સર્વેલન્સ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાકોરમાં નીકળી રણછોડરાયજીની 254મી રથયાત્રા: 'જય રણછોડ'ના નાદથી ગગન ગુંજ્યું, દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Dakor Ranchhodraiji Rath Yatra 2026: અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રણછોડરાયજીની રથયાત્રા નીકળે છે. બુધવારે(15 જુલાઈ) ડાકોરમાં રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ નીકળી. જેમાં મંદિરથી મંગળા આરતી સહિતની પારંપરિક વિધિ કર્યા બાદ રણછોડરાયજી ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળ્યા. રથયાત્રામાં ચરોતર સહિત રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

ડાકોરમાં નીકળી રણછોડરાયજીની 254મી રથયાત્રા

યાત્રાધામ ડાકોર મંદિરમાં વહેલી સવારે 6:15 વાગ્યે મંગળા આરતી બાદ ઠાકોરજીની સ્નાન સેવા, મહાભોગ અને વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પછી, મંદિરમાં ભગવાનના રથની પરંપરાગત 11 પરિક્રમા પૂર્ણ થતાં ચાંદીના ભવ્ય રથમાં ભગવાન રણછોડરાયજી બિરાજમાન થયા અને મંદિરના મોટા દરવાજેથી રથયાત્રા પ્રસ્થાન કરી. રથયાત્રાના પરંપરાગત રૂટમાં ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક નરસિંહ ટેકરી થઈને રાધા કુંડ થઈ અંતે કેવડેશ્વર પહોંચી હતી. ડાકોરની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ દરમિયાન ભક્તોની ભારે ભીડ વચ્ચે 'જય રણછોડ, માખણ ચોર' નાદથી ગગન ગુંજી ઉઠ્યું હતું.

રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

રથયાત્રામાં બે ભવ્ય રથ, ત્રણ પાલખી, સુશોભિત ઘોડા, બેન્ડવાજાં તેમજ ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. સમગ્ર રૂટ પર વિવિધ સંસ્થાઓ અને નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનનું ભવ્ય સ્વાગત, આરતી, પ્રસાદ, શરબત અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા ભક્તોમાં જાંબુ, ફણગાવેલા મગ અને કેરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બધે રથયાત્રા યોજાતી હોય છે પરંતુ પુષ્ય નક્ષત્રના દિવસે જ ડાકોરની રથયાત્રા નીકળે છે અને ઠાકોરજી રથ પર બિરાજમાન થઈ નગરચર્ચા કરે છે. આમ, રથયાત્રા નિયત રૂટ પૂર્ણ કર્યા બાદ રાત્રે લગભગ 8 વાગ્યે નિજ મંદિરમાં પરત ફરશે.

રથયાત્રામાં 388 પોલીસ કર્મચારીઓ તૈનાત

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એક ડીવાયએસપી, બે પોલીસ ઇન્સ્પેક્ટર, છ પીએસઆઈ, 147 પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત કુલ 388 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર રૂટ પર ડ્રોન સર્વેલન્સ અને 3D કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.