Junagadh

વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાના નામે સ્કોલરશીપ ચાઉં કરવાનું કૌભાંડ

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થાના સંચાલક દર્શન મેસવાણીયાએ અનુ. જાતિના 40 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ લઈ ફ્રી શિપ કાર્ડના નામે કૌભાંડ આચર્યું હતું. તેણે 21 વિદ્યાર્થીના ખાતામાં આવેલી ₹24.44 લાખની સ્કોલરશીપમાંથી ₹11.03 લાખ ઉપાડી લીધા હતા. પોલીસે દર્શન મેસવાણીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાના નામે સ્કોલરશીપ ચાઉં કરવાનું કૌભાંડ

જૂનાગઢ : જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં આવેલી એક ખાનગી સંસ્થા દ્વારા અનુ. જાતિના વિદ્યાર્થીઓને અલગ-અલગ કોર્સમાં ફ્રી શિપ કાર્ડમાં પ્રવેશ આપવાના નામે ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા હતા જેના આધારે બેંકમાંથી કીટ તેમજ સીમકાર્ડ મેળવી લઈ સ્કોરલરશીપ મેળવી લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે કુલ ૪૦ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ લીધા હતા, જેમાંથી ૨૧ વિદ્યાર્થીના ખાતામાં ૨૪.૪૪ લાખની સ્કોલરશીપની રકમ જમા થઈ હતી અને તેમાંથી ૧૧.૦૩ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.
શહેરના જોશીપરાના ગંધારીવાડી વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ કોમ્પલેક્ષમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસમાં કામ કરતી મહિલાનો બે માસ પૂર્વે વિડીયો સામે આવ્યો હતો. તેણી ધો.૧૦ અને ૧૨ અને કોલેજમાં પૈસા લઈ પાસ કરવાની ફૂલ ગેરંટી આપવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે એસ.ઓ.જી.એ તપાસ કરી હતી. કોમ્પ્યુટર, લેપટોપ, ૯ મોબાઈલ, ૧૧૦ સીમકાર્ડના કવર, અડમિશન ફોર્મની ફાઈલ, ધો.૧૦-૧ર અને કોલેજની માર્કશીટ મળી આવી હતી. સંસ્થાના સંચાલક દર્શન નટવરદાસ મેસવાણીયાની પૂછપરછ કરતા તેણે વિદ્યાર્થીઓના એડમિશન માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એસ.એ. સોલંકીએ આ અંગે તપાસ કરી વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા તેમજ ગુજરાત એજ્યુકેશનની ઓફિસમાં રહેલી ફિનો પેમેન્ટ બેંકની ૧૪૯ કીટ મળી તે બાબતે માહિતી મેળવતા આ એકાઉન્ટમાં અલગ-અલગ ૪૦ વિદ્યાર્થીઓના ખાતામાં પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ જમા થયાનું જાણવા મળ્યું હતું.
પોલીસે એકાઉન્ટ મુજબ તપાસ કરતા જૂનાગઢ તેમજ જિલ્લાના અનુસુચિત જાતિના ૪૦માંથી ર૧ વિદ્યાર્થીના ખાતામાં ફિનો પેમેન્ટ બેંકના એકાઉન્ટમાં સ્કોલરશીપના ર૪.૪૪ લાખ જમા થયા હતા. તેમજ તેમાંથી ૧૧.૦૩ લાખ વિડ્રો થઈ ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓની તપાસ બી ડિવિઝન પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એસ.એ. સોલંકીએ ગુજરાત એજ્યુકેશન સંસ્થાના સંચાલક દર્શન નટવરદાસ મેસવાણીયા અને તપાસમાં ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ઉચાપત સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • ડોક્યુમેન્ટ મેળવી ફિનો પેમેન્ટ બેંકનું એકાઉન્ટ ખોલાવતા હતા
    વિદ્યાર્થીઓ એક્સટર્નલ કોર્સ માટેની પૂછપરછ માટે જતા ત્યારે દર્શન મેસવાણીયા અને તેને ત્યાં કામ કરતી મહિલાઓ એડમિશન અપાવવા અને પાસ કરાવવા તેમજ ૧૦૦ ટકા સ્કોલરશીપ મળશે તેમ કહેતા હતા અને ફરજીયાત ફિનો પેમેન્ટ બેંકનું એકાઉન્ટ ખોલવા કહેતા. અમુક વિદ્યાર્થીઓ પોતાની પાસે એકાઉન્ટ છે તેમ કહેતા હોવા છતાં દર્શન તથા તેના મળતીયાઓ આ ઓનલાઈન બેંકનું એકાઉન્ટ ખોલવા જ આગ્રહ રાખતા અને તેમાં જ બધાની સ્કોલરશીપ જમા થશે તેમ કહેતા હતા. આવી રીતે આ ઓનલાઈન બેંકમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટના આધારે ખાતા ખોલાવી તેની કીટ મેળવી લીધી હતી અને ઓટીપી મેળવવા માટે સીમકાર્ડ એક્ટિવ કરાવી લેતા હતા.
    દિલ્હી, બિહાર ઓપન બોર્ડની શંકાસ્પદ માર્કશીટ પણ મળી
    પોલીસ તપાસમાં દર્શન મેસવાણીયાની ઓફિસમાંથી મળી આવેલા મોબાઈલમાં પ્રજ્ઞોશ નીયોશ ત્રિવેદી નામની ચેટમાં દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલની ૩ તેમજ પ્રજ્ઞોશભાઈ સુરત નામની ચેટમાં બિહાર બોર્ડ ઓફ ઓપન સ્કૂલીંગ એન્ડ એક્ઝામિનેશન પટનાની ૭ માર્કશીટ મળી આવી હતી. આ શંકાસ્પદ માર્કશીટ ખરી છે કે ખોટી તે અંગે પોલીસે બોર્ડ સાથે પત્ર વ્યવહાર કર્યો છે. ત્યાંથી શું રિપોર્ટ આવે છે તે જોવું રહ્યું.
    વિદ્યાર્થીઓને વધુ વિદ્યાર્થી શોધવા કમિશનની લાલચ અપાતી હતી
    દર્શન મેસવાણીયા તેમજ તેને ત્યાં કામ કરતી મહિલાઓ પૂછપરછ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને અલગ-અલગ કોર્સમાં પ્રવેશ આપતા હતા તેના પૈસા પણ લેતા હતા. વિદ્યાર્થીઓને હજુ વધુ વિદ્યાર્થીઓ શોધી આપશો તો તમને કમિશન આપવામાં આવશે તેવી લાલચ આપતા હતા. પોલીસે વિદ્યાર્થીના નિવેદન લેતા મિલન કટારીયા તથા આશિષ દર્શન મેસવાણીયા સાથે આવતા હતા અને ફિનો પેમેન્ટ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તથા જયશ્રીબેન કટારીયા સ્કોલરશીપમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓને કોર્સ માટે બોલાવતા હતા.
    ઓપન બોર્ડ તેમજ લોંગ ડિસ્ટન્સ કોર્સમાં પ્રવેશનો દાવો
    દર્શન મેસવાણીયા વિદ્યાર્થીઓને અન્ય રાજ્ય અને દિલ્હી ઓપન બોર્ડમાં તેમજ લોંગ ડિસ્ટન્સ અભ્યાસ કરાવતી યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનો દાવો કરી ફી લેતો હતો. જ્યારે અનુ. જાતિના વિદ્યાર્થીઓને ફી વગર ડોક્યુમેન્ટ લઈ તેના નામે સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશન કરાવી લેતો હતો અને ફિનો ઓનલાઈન પેમેન્ટ બેંકના ખાતામાં રકમ જમા કરાવી ઉપાડી લેતો હતો. બી ડિવિઝન પીઆઈ ડી.વી. ડાંગરે જણાવ્યું હતું કે, આ શખ્સ ક્યા બોર્ડ કે યુનિવર્સિટીમાં એડમિશન અપાવતો હતો તે અંગે હવે તપાસ કરવામાં આવશે.