સૂરજગઢની ભગવતી આશ્રમ શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓ દર્શાવી કૌભાંડ !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : મેંદરડા તાલુકાના સૂરજગઢમાં આદિજાતિ વિભાગ હસ્તકની આશ્રમ શાળામાં આજે વિદ્યાર્થી આગેવાન તેમજ આપના આગેવાનોએ તપાસ કરતા ત્યાં રેકર્ડ પર ૭પ વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવ્યા હતા પરંતુ એકપણ વિદ્યાર્થી હાજર ન હતો. વિદ્યાર્થી આગેવાને આક્ષેપ કર્યો કે બોગસ હાજરપત્રક અને એલસી બનાવી ભૂતિયા વિદ્યાર્થીઓ દર્શાવી સરકારની ગ્રાન્ટ ચાઉં કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા અનુસુચિત જન જાતિ અને પછાત વર્ગના બાળકોના ઉત્થાન અને નિવાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આવી શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓ રેકર્ડ ઉપર દર્શાવીને તેમના નામે કરોડોની ગ્રાન્ટ ચાઉં કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા પ્રવર્તે છે. આજે મેંદરડા તાલુકાના સૂરજગઢમાં આવેલી આદિજાતિ વિભાગ હસ્તકની ભગવતી આશ્રમ શાળામાં વિદ્યાર્થી આગેવાન સહિતનાઓએ તપાસ કરી હતી, જેમાં શાળાના હાજરીપત્રકમાં વિવિધ ધોરણના ૭પ વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવ્યા હતા પરંતુ શાળામાં એકપણ વિદ્યાર્થી હાજર ન હતો. રેકર્ડ ઉપર જે નામ દર્શાવવામાં આવ્યા છે તેવા કોઈ વિદ્યાર્થી જ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આગેવાને જણાવ્યું હતું કે, વયપત્રક, એલસીના આધારે વિદ્યાર્થીઓના નામે ટ્રસ્ટના ખાતામાં ગ્રાન્ટ આવે છે પરંતુ આ શાળામાં વિદ્યાર્થીઓનું અસ્તિત્વ જ નથી. આ તમામ ગ્રાન્ટ ટ્રસ્ટ ચાઉં કરી જાય છે. આ શાળામાં વિદ્યાર્થીઓ નિવાસ કરી અભ્યાસ કરી શકે તે માટે ત્રણ રૂમ છે પરંતુ હોસ્ટેલના કોઠારપત્રક કે અન્ય કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી. શાળાની વિઝિટ બુકમાં સીઆરસી, બીઆરસી, શિક્ષણાધિકારી, આદિજાતિ વિભાગના અધિકારીઓનો ઉલ્લેખ છે, તો આ બાબત તેઓના ધ્યાનમાં ન આવી એ એક મોટો પ્રશ્ન છે.
આવી શાળામાં બોગસ વયપત્રક બનાવી ગ્રાન્ટ ઉપરાંત બોગસ જાતિ પ્રમાણપત્રનું પણ કૌભાંડ ચાલતું હોવાનો વિદ્યાર્થી આગેવાને આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી શિક્ષણ વિભાગ સમક્ષ માંગ કરી હતી.
- આદિજાતિ વિભાગ દ્વારા શાળાની તપાસ થઈ ગઈ છે : શિક્ષણાધિકારી
આ મામલે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આ બાબત અંગે આજે જાણકારી મળી છે, આ આશ્રમ શાળા આદિજાતિ વિભાગ હસ્તકની છે, આ બાબત આદિજાતિ વિભાગના નાયબ નિયામકના ધ્યાનમાં મુકતા તેઓએ જણાવ્યું હતું કે આ શાળાની તપાસ થઈ ગઈ છે, તેનો અહેવાલ રાજ્ય કચેરીને થઈ ગયો છે અને તેમની એક સુનાવણી પણ થઈ ગઈ છે, અન્ય પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રકરણમાં જે કોઈ પણની જવાબદારી નક્કી થતી હશે તે મુજબ કાર્યવાહી થશે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા કમિટીની રચના કરી તપાસ કરવામાં આવશે અને તેના અહેવાલ મુજબ નિયમાનુસાર પગલાં લેવાશે.




