માણાવદરમાં 51 મૃત કાચબા પ્રકરણમાં નવો વળાંક: વન વિભાગના અધિકારીઓએ યુવકોને માર મારી ગુનો કબૂલ કરાવ્યાના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

51 Dead Turtles Case: જૂનાગઢના માણાવદરમાંથી ગત 25મી ઓક્ટોબરે 51 મૃત કાચબા મળી આવ્યાનાં ચકચારી પ્રકરણમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા આ કેસમાં બે શખસોની ધરપકડ કરી હતી, પરંતુ કસ્ટડી દરમિયાન અધિકારીઓ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારીને ગુનો કબૂલ કરાવાયો હોવાના આક્ષેપો થયા છે.
ફોરેસ્ટર, RFO અને ACF સામે ગંભીર આક્ષેપો
માણાવદરમાં આવેલા એન.જી. મિલ નજીત અચાનક મોટી સંખ્યામાં મૃત કાચબા મળી આવ્યાની ઘટના સામે આવતા જ વન તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસના નામે બે શખસોને ઝડપી પાડ્યા હતા. વન વિભાગે આ કેસને ઉકેલી નાખ્યાનો દાવો કર્યો હતો, પરંતુ આ કેસમાં સંડોવણીના આક્ષેપ સાથે વન વિભાગે માણાવદરના જેન્તી બાલંભિયા, ક્રિષ્ણા પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જામીનમુક્ત કરાયા હતા.
જામીન મળતાની સાથે જ તેઓ તાત્કાલિક સારવાર માટે માણાવદર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બંને પીડિતોના શરીરે ઈજાના નિશાનો નજરે પડે છે, જેણે પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભોગ બનનાર શખસોએ આપેલા નિવેદનોમાં વન વિભાગના જવાબદાર અધિકારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ, ફોરેસ્ટર દીપક વાઢેર ઉપરાંત આર.એફ.ઓ. અલ્પાબહેન બારૈયા અને એસીએફ સાજિદ મકરાણીની સીધી સંડોવણી અથવા સૂચનાથી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને બળજબરીપૂર્વક ગુનો કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વન વિભાગની કસ્ટડીમાં થયેલા કથિત માનવાધિકાર ભંગ અને અત્યાચાર મામલે પોલીસે ગંભીરતા દાખવતા ભોગ બનનાર બંને ઈજાગ્રસ્તોના સત્તાવાર નિવેદનો નોંધી લઈને હાલ આ મામલે એન.સી. ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
શું વનતંત્ર સાચા આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહીને નિર્દોષોને બલિનો બકરો બનાવી રહ્યું છે? તેવા ગંભીર સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આ મામલે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ થઈને કસૂરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે.




