પરિણીતાને બ્લેકમેઈલ કરી પાડોશી મહિલાએ સમલૈંગિક સંબંધ બાંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : પ્રવર્તમાન યુગમાં લગ્નેત્તર સંબંધોના તો અનેક કિસ્સા બહાર આવતા હોય છે પરંતુ જૂનાગઢમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ પોતાના પડોશી ગૃહિણીને બ્લેકમેઈલ કરી લેસ્બિયન રિલેશનશિપ રાખી ચાર વર્ષ સુધી પ્રતાડિત કર્યાં હતાં. આખરે, ત્રસ્ત પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતી અને ઘરકામ કરતી ૩૦ વર્ષની પરિણીતાના એપાર્ટમેન્ટમાં ખાનગી સિક્યોરિટી તરીકે નોકરી કરતી એક મહિલા એકલી રહે છે. પાડોશી મહિલાએ પરિણીતાને 'તારે એક છોકરા સાથે પ્રેમસબંધ છે જેની હું તારા પતિને વાત કરી તને બદનામ કરી દઈશ' એમ કહ્યું હતું. આથી પરિણીતા ડરી ગઈ હતી. મહિલાએ 'જો તારે આ બહાર આવવા ન દેવું હોય તો હું કહું તેમ કરવું પડશે.' એમ કહી એક કાગળ પર 'હું કઈ પણ પગલું ભરૂ તો પાડોશી મહિલાની જવાબદાર નથી' એવું લખાણ કરાવ્યુ હતું. ત્યારબાદ પાડોશી મહિલાએ પરિણીતાને બ્લેકમેઇલ કરી સમલૈંગિક સબંધ બાંધ્યો હતો. પરિણીતાના પતિ બહાર હોય ત્યારે મહિલા ઘરે આવી બદનામ કરવા ધમકી આપી બળજબરીથી સમલૈંગિક સબંધ બાંધતી હતી.
ચારેક વર્ષથી થતા આ શારીરિક શોષણથી થાકી ગયેલી પરિણીતાએ હિંમત કરી તેના પતિને વાત કરી હતી, બાદમાં આજે પતિ અને ભાઈ સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી જ્યાં તેણીએ પોતાની સાથે થયેલી ઘટના અંગે વાત કરતા પોલીસે પાડોશી મહિલા સામે બીએનએસ ૭૪,૭૬ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ રીતે થઈ શરૂઆતઃ બોયફ્રેન્ડ સાથે મિત્રતા કરાવી, એણે પણ ઘરમાં ઘૂસવા પ્રયાસ કર્યો હતો
ચારેક વર્ષ પહેલાં પાડોશી મહિલાના ઘરે તેનો પુરૂષ મિત્ર આવ્યો હોવાથી મહિલા તેને લઈ પરિણીતાના ઘરે ગઈ હતી અને તેની સાથે મિત્રતા કરાવી હતી. મહિલાના મિત્રએ પરિણીતાના નંબર મેળવી રાત્રીના ફોન કર્યો હતો અને બળજબરીથી ઘરમાં ઘૂસવા પ્રયાસ કર્યો હતો પરંતુ પરિણીતાએ તેને ઘૂસવા દીધો ન હતો. એ સમયથી જ પરિણીતાને બ્લેકમેઈલ કરાતી આવી હતી.
પરિણીતાની માંગમાં સિંદૂર પણ પૂરતી હતી
પાડોશી મહિલા બ્લેકમેઇલ કરી સમલૈંગિક સંબંધ બાંધ્યા બાદ પરિણીતા પાસે ઘરના કચરા- પોતા ઉપરાંત કપડાં પણ ધોવડાવતી હતી. કામ ન કરે તો બદનામ કરવા ધમકી આપતી હતી તેમજ પરિણીતાની માંગમાં સિંદૂર પણ પૂરતી હતી. પરિણીતાએ ફરિયાદમાં કરેલા આ ઉલ્લેખથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
વારંવાર સજાતીય સંબંધની માગણી, ગત મહિને ઝગડો કર્યો
પરિણીતા પાસે મહિલા વધારે સજાતીય સબંધની માંગણી કરતી હતી. ગત સપ્ટેમ્બરમાં મહિલાએ આ બાબતે ઝઘડો પણ કર્યો હતો. એક સંતાનની માતા એવી પરિણીતાને બદનામ કરવા ધમકાવી બ્લેકમેઇલ કરી સજાતીય સંબંધ બાંધ્યાની ઘટનાથી ચકચાર વ્યાપી ગઈ હતી.




