જૂનાગઢ: સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી કૂદીને મહિલાનો આપઘાત, મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh News: જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે (17મી ઓગસ્ટ) આપઘાતની ઘટના સામે આવી છે. લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા 46 વર્ષીય અંજનાબહેન જેઠવાએ હોસ્પિટલની ઈમારતના સાતમા માળેથી કૂદીને જિંદગી ટૂંકાવી હતી. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.
દર્દીઓની અવરજવર વચ્ચે સાતમા માળેથી માર્યો કુદકો
મળતી માહિતી અનુસાર, અંજનાબહેન જેઠવા માનસિક બીમારીથી પીડાતા હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. સોમવારે તે એકલા જ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં લોકોની અવરજવર વચ્ચે તે અચાનક ઈમારતના સાતમા માળે પહોંચ્યા હતા અને નીચે ઝંપલાવી દીધું હતું. સાતમા માળેથી નીચે પટકાતાં જ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અંતિમ ચિઠ્ઠી અને પુત્રોના નંબર લખેલી નોંધ મળી
પોલીસ અને હોસ્પિટલ તંત્રને તપાસ દરમિયાન મૃતક પાસેથી ભાવુક અંતિમ ચિઠ્ઠી (સ્યુસાઈડ નોટ) મળી આવી હતી. આ ઉપરાંત, તેમની પાસેથી અન્ય એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં તેમણે પોતાનું પૂરું સરનામું અને પુત્રોના મોબાઈલ નંબર લખ્યા હતા, જેથી તેમની ઓળખ કરવામાં સરળતા રહે અને પરિવારજનોનો ત્વરિત સંપર્ક થઈ શકે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









