જૂનાગઢ: સોંદરડા GIDCમાં કરૂણ દુર્ઘટના, લોખંડના હેવી એંગલ ધસી પડતાં ભેંસ ચરાવતા પશુપાલક યુવકનું મોત, CCTVમાં ઘટના કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Keshod GIDC Accident News: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા GIDC વિસ્તારમાં એક કરૂણ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં લોખંડના હેવી એંગલ અચાનક ધસી પડવાથી એક પશુપાલક યુવક અને ભેંસનું કરુણ મોત નીપજ્યું છે. કારખાનાની કામગીરી દરમિયાન ખુલ્લા પ્લોટમાં બનેલી આ આકસ્મિક ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેશોદના 40 વર્ષીય પશુપાલક બટુક મુળુભાઈ કોડિયાતર ઘટનાસ્થળે ભેંસ ચરાવી રહ્યા હતા તે દરમિયાન આ ગંભીર ઘટના સર્જાઇ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દુર્ઘટનાની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. યુવક ભેંસ પાછળ દોડતો હોય છે ત્યાં અચાનક જ કોઈ કારણસર નિર્માણાધીન સેડના લોખંડના એંગલ પડે છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન બનેલા પશુપાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

આ અણધારી અને આઘાતજનક દુર્ઘટનાના કારણે યુવકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ સહિતની તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




