Junagadh

‘કાળકા વડલો, સૂરજકુંડ, માળવેલા...’, જાણો ગિરનારની લીલી પરિક્રમામાં આવતી જોવાલાયક જગ્યાઓ

By GS Team
18 Nov 20263 mins read
TukuTouch Logo
ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે. 36 કિલોમીટરની આ યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભવનાથ તળેટીથી શરૂ થતી પરિક્રમામાં કાળકા વડલો, ઝીણા બાવાની મઢી, સરખડિયા હનુમાન, સૂરજકુંડ, માળવેલા, બોરદેવી અને ખોડિયાર ઘૂનો જેવા મુખ્ય પડાવો આવે છે. અહીં શ્રદ્ધાળુઓ દર્શન અને રાત્રિ રોકાણ કરી ધન્યતા અનુભવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘કાળકા વડલો, સૂરજકુંડ, માળવેલા...’, જાણો ગિરનારની લીલી પરિક્રમામાં આવતી જોવાલાયક જગ્યાઓ

Girnar Lili Parikrama: ગિરનારની લીલી પરિક્રમાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પાંચ દિવસીય પરિક્રમામાં ભાગ લેતા હોય છે. તો આજે વાત કરવી છે આ 36 કિલોમીટરની પરિક્રમામાં આવતા જોવાલાયક સ્થળો વિશે. તો ચાલો જઈએ ગિરનારની પરિક્રમાએ…

Girnar ni parikrama (12).jpg

કાળકા વડલો

ભવનાથની તળેટીમાં રૂપાયતનથી થઈને ગિરનારની પરિક્રમાની શરૂઆત કરો તો સૌથી પહેલી જગ્યા આવે કાળકા વડલો. અહીં મહાકાળી માતાજીની સિંદૂરી મૂર્તિ છે અને સાથે કાળભૈરવજીની પણ સિંદૂરી મૂર્તિ સ્થાપિત છે.

Girnar ni parikrama (10).jpg

ઝીણા બાવાની મઢી

ત્યાંથી થોડા આગળ વધો એટલે પહેલો રાત્રિ પડાવ આવે ઝીણા બાવાની મઢીની જગ્યા. નામ પરથી જ સમજાઈ ગયું હશે કે, અહીં ઝીણા બાવા નામે કોઈ સાધુ થઈ ગયા હશે. ઝીણા બાવાની જગ્યાએ ત્રણ-ચાર નાના મોટા મંદિરો આવેલા છે. એવી માન્યતા છે કે, ચલમમાંથી આરપાર નીકળી ગયા હોવાથી તેમનું નામ ઝીણા બાવા પડ્યું હતું. આ ચલમ આજે પણ ત્યાં હયાત છે, જે પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓના દર્શન માટે મૂકવામાં આવે છે. અહીં મહાદેવનું અને ગુરુ દત્તાત્રેયનું મંદિર પણ આવેલું છે. આ સિવાય ઝીણા બાવાની સમાધિ પણ આવેલી છે. આ જગ્યાએ પરિક્રમાનો પહેલો પડાવ હોવાથી પરિક્રમાર્થીઓ માટે અનેક જગ્યાએ જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

Girnar ni parikrama (7).jpg

સરખડિયા હનુમાન

ઘનઘોર જંગલ વચ્ચે આવેલું હનુમાનજીનું અદ્ભુત અને રમણીય સ્થાનક. પરિક્રમા રૂટમાં ઝીણા બાવાની મઢીથી આગળ વધતા સરખડિયા ઘોડી આવે. ત્યાંથી નીચે ઉતરો એટલે આવી જાય ભવ્ય સરખડિયા હનુમાનજીની જગ્યા. પરિક્રમાના રૂટમાં બીજા દિવસનો રાતવાસો અહીં કરવામાં આવે છે. હજારો લોકો અહીં હનુમાનજી અને મહાદેવજીના દર્શન કરીને રાત્રિ રોકાણ કરે છે. આ જગ્યાએ પણ પરિક્રમાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

Girnar ni parikrama (4).jpg

સૂરજકુંડની જગ્યા

સરખડિયા હનુમાનજીની જગ્યાથી આગળ વધો એટલે આવે સૂરજકુંડની જગ્યા. ઘણાં પરિક્રમાર્થીઓ અહીં પણ રાતવાસો કરતા હોય છે. અહીં કુંડમાં સ્નાન કરવાનું અનોખું મહાત્મય છે. અહીં પાટનાથ મહાદેવનું મંદિર સહિત મહંતોની સમાધિની નાની દેરીઓ આવેલી છે. આ જગ્યાએ પણ પરિક્રમાર્થીઓ માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

Girnar ni parikrama (8).jpg

માળવેલાની જગ્યા

સૂરજકુંડથી આગળ વધીને બીજી ઘોડી ઉતરો એટલે આવે માળવેલાની જગ્યા. ત્રણેય બાજુથી ડુંગરોથી ઘેરાયેલી આ જગ્યા અતિરમણીય છે. અહીં મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. એવી માન્યતા છે કે, અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ્યા હતા. ઘણાં પરિક્રમાર્થીઓ અહીં પણ રાત્રિરોકાણ કરતા હોય છે.

Girnar ni parikrama (6).jpg

બોરદેવી

ગિરનારની પરિક્રમાનો અંતિમ પડાવ એટલે બોરદેવી માતાજીનું મંદિર. વિશાળ મેદાનોથી ઘેરાયેલા આ વિસ્તારમાં ત્રણેક લાખ લોકો રાતવાસો કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. આ ઉપરાંત અહીં ચુડાજળી અને હેમજળી નામના બે સુંદર ઝરણાં પણ આવેલા છે. જેને કારણે પરિક્રમાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાણીનો સ્ત્રોત પણ મળી રહે છે. અહીં પણ પરિક્રમાર્થીઓ માટે રાત-દિવસ અન્નક્ષેત્ર ધમધમતું હોય છે.

આ જગ્યાએ બોરડીનું ઝાડ હતું અને તેમાંથી અંબાજી માતાનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. તેથી માતાજીને ‘બોરદેવી’ તરીકે ઓળખવામાં આવે છે. એક એવી પણ માન્યતા છે કે, આ જ જગ્યાએ ભગવાન કૃષ્ણના બહેન સુભદ્રાજી અને અર્જુનના વિવાહ થયા હતા.

Girnar ni parikrama (3).jpg

ખોડિયાર ઘૂનો

બોરદેવી મંદિરના પાછળના રસ્તેથી એક કેડી જંગલમાં જાય છે. ત્યાંથી બે-એક કિલોમીટરનું અંતર કાપો એટલે એક સુંદર ધરો જોવા મળે છે. આ ધરાની બાજુમાં ખોડિયાર માતાજી થાપાના સ્વરૂપે દર્શન આપે છે. પ્રકૃતિની ગોદમાં આવેલી આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ છે. અહીં ધરામાં ખોડિયાર માતાજીનો મગર રહેતો હોવાની પણ માન્યતા છે. પરિક્રમાર્થીઓ અહીં ધરામાં સ્નાન કરીને માતાજીના દર્શન કરતા હોય છે. ખોડિયાર ઘૂનેથી ફરીથી બોરદેવી આવવું પડે છે અને ત્યાંથી આઠેક કિલોમીટર જેટલું અંતર કાપો એટલે ગિરનારની પરિક્રમા પૂરી.

તો આ હતી પરિક્રમાની મુખ્ય જોવાલાયક જગ્યાઓ. જો તમે પણ ગિરનારની લીલી પરિક્રમામાં જવાના હોય તો આ દરેક જગ્યાએ જવાનું ચૂકતા નહીં.