જૂનાગઢ: માણાવદરમાં મિલ નજીકથી એકસાથે 50 કાચબા મૃત હાલતમાં મળતાં અરેરાટી, વન વિભાગ દોડતું થયું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Turtle Deaths In Manavadar, Junagadh: જૂનાગઢના માણાવદરમાં આવેલા એન.જી. મિલ નજીત એક સાથે મોટી સંખ્યામાં કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં કાચબાના મોત થવાને પગલે પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જંતુ કે પ્રાણીએ ખાધા નથી, છતાં મૃત હાલતમાં મળ્યા
મળતી માહિતી અનુસાર, માણાવદરમાં એન.જી. મિલ નજીકના વિસ્તારમાં અંદાજે 50 જેટલા કાચબાઓ મૃત હાલતમાં પડ્યા હોવાનું સ્થાનિક યુવાનોના ધ્યાન પર આવ્યું હતું. આ ચોંકાવનારા દ્રશ્યો જોતાં જ યુવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી વનવિભાગને ઘટના અંગે જાણ કરી હતી. આ માહિતી મળતાની સાથે જ માણાવદર રાઉન્ડ ફોરેસ્ટર એ.બી. રાઠોડ પોતાના સ્ટાફ સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસ અને નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કાચબાઓને કોઈ હિંસક પ્રાણી કે જીવજંતુએ ખાધા નથી, છતાં તમામ કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી ઝેરી અસર કે પાણીમાં કેમિકલ ભળવાથી મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃત કાચબાઓને પીએમ અર્થે મોકલાયા
આ અંગે માણાવદરના ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઘટનાસ્થળેથી અંદાજે 50 જેટલા મૃત કાચબાઓના મૃતદેહો કબ્જે કરવામાં આવ્યા છે. મોતનું સાચું કારણ જાણવા માટે તમામ મૃત કાચબાઓને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે અમરાપુર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાઓના મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.'




