Junagadh

ગિરનારની દીપડીએ સુત્રાપાડાનાં બે અનાથ બચ્ચાંને દત્તક લઈ નવજીવન આપ્યું

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ ગિરનારની દીપડીએ અનોખી માતૃત્વની મિસાલ કાયમ કરી છે. ગીર સોમનાથના સુત્રાપાડાથી મા વિહોણા થયેલા 2 દીપડાના બચ્ચાઓને ગિરનારની દીપડીએ પોતાના બાળકની જેમ અપનાવી નવજીવન બક્ષ્યું છે. વન વિભાગે આ દીપડી અને તેના 1 બચ્ચાને રેસ્ક્યુ કર્યા હતા. હવે 3 બચ્ચાઓ દીપડીની છત્રછાયામાં સુરક્ષિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનારની દીપડીએ સુત્રાપાડાનાં બે અનાથ બચ્ચાંને દત્તક લઈ નવજીવન આપ્યું

જૂનાગઢ : વન્યજીવોની રહસ્યમય અને ભાવનાત્મક દુનિયામાંથી એક અનોખી અને સ્પર્શી જાય તેવી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના સુત્રાપાડાથી મા વગરના વિખૂટા પડેલા બે અસહાય બચ્ચાઓને જૂનાગઢ ગિરનારની દીપડીએ પોતાના બચ્ચાં તરીકે સહર્ષ સ્વીકારી લઈ નવજીવન આપ્યું છે.
તાજેતરમાં જૂનાગઢ ગિરનાર અભયારણ્યની ડુંગર દક્ષિણ રેન્જમાંથી વન વિભાગની ટીમ દ્વારા એક દીપડી અને તેના એક બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી દીપડીના અન્ય બે અત્યંત નાની વયના બચ્ચાઓ મળી આવ્યા હતા. પોતાની માતાથી વિખૂટા પડી ગયેલા આ બંને બચ્ચાઓ અતિશય નાજુક સ્થિતિમાં હતા. કુદરતી નિયમ મુજબ આટલી નાની ઉંમરે માતાના દૂધ અને હૂંફ વિના તેમનું બચવું લગભગ અશક્ય હતું. વન વિભાગ સામે આ બંને નિર્દોષ જીવોને બચાવવાનો મોટો પડકાર હતો. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સ્ટાફ અને રેસ્ક્યુ ટીમે કુદરતના એક અનોખા પ્રયોગ પર કામ કરવાનું નક્કી કર્યું હતું. મહેનત અને ઝીણવટભરી તબીબી દેખરેખ સાથે સુત્રાપાડાના આ બંને અનાથ બચ્ચાઓને ગિરનારથી રેસ્ક્યુ કરાયેલી માદા દીપડા પાસે લાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે વન્યજીવોમાં અન્યના બચ્ચાઓને સ્વીકારવા ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ માદા દીપડાના માતૃત્વ આગળ તમામ આશંકાઓ ઓગળી ગઈ. માદા દીપડાએ પોતાના એક બચ્ચાની સાથે સાથે આ બંને નવા બચ્ચાઓને પણ પ્રેમથી સ્વીકારી લીધા. હવે આ માદા દીપડાની છત્રછાયામાં કુલ ત્રણ બચ્ચાઓ પૂર્ણ સુરક્ષિત અને હૂંફાળી મમતા માણી રહ્યા છે.

  • આરોગ્ય તપાસ બાદ કુદરતી આવાસમાં પુનઃ મુક્ત કરાશે
    હાલમાં આ સમગ્ર દીપડા પરિવારને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે વિશેષ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. વેટરિનરી ડોક્ટરો દ્વારા માદા દીપડા સહિત ત્રણેય બચ્ચાઓનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તબીબી તપાસમાં તમામ જીવો સંપૂર્ણ સ્વસ્થ અને જંગલમાં રહેવા યોગ્ય જણાતાં જ ટૂંક સમયમાં તેમને તેમના કુદરતી આવાસ જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે.