Junagadh

ગિરનાર પરિક્રમાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન, આગ અને વન્યપ્રાણીઓના જોખમને જોતાં આગવી તૈયારીઓ

By GS Team
18 Nov 20264 mins read
TukuTouch Logo
ગિરનારની લીલી પરિક્રમા 20 નવેમ્બરથી શરૂ થશે, જેમાં 8 થી 15 લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે. પાણીની અછત અને આગના જોખમ વચ્ચે પણ, વહીવટી તંત્રએ 51 સ્થળોએ પાણી, 7 હેલ્થ યુનિટ્સ, 450 ST મિની બસો અને 2500થી વધુ સુરક્ષાકર્મીઓની વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. વન્યપ્રાણી સુરક્ષા માટે પ્લાસ્ટિક અને ખાનગી ફોરવ્હીલ વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનાર પરિક્રમાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન, આગ અને વન્યપ્રાણીઓના જોખમને જોતાં આગવી તૈયારીઓ

Girnar Lili Parikrama 2026: ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આગામી 20 નવેમ્બરની રાત્રીથી શરૂ થવા જઈ રહી છે, જેમાં અંદાજે 8 થી 15 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની ધારણા છે. ઓછા વરસાદને કારણે પાણીની અછત અને જંગલમાં આગના જોખમ જેવા પડકારો વચ્ચે પણ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર 51 સ્થળોએ પાણીની ટાંકીઓ, 7 હેલ્થ યુનિટ્સ, 450 એક્સ્ટ્રા ST મીની બસની વ્યવસ્થા સાથે 2500થી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે તહેનાત રહેશે. વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભ્યારણ્યમાં પ્લાસ્ટિક તેમજ ખાનગી ફોરવ્હીલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને નિર્ધારિત સમયે જ પ્રવેશ લેવા, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ગિરનાર પરિક્રમાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન

ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આ વર્ષે 20 નવેમ્બરની રાત્રીના શરૂ થશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, પરિક્રમા માટે સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર છે. આ વર્ષે વરસાદ ઓછો થતાં પાણીની અછત અને જંગલમાં સૂકા પાંદડાના કારણે આગનું જોખમ વધુ છે. તેમ છતાં વહીવટી તંત્રે પાણી, આરોગ્ય, ટ્રાફિક, સુરક્ષા અને વનપ્રાણી સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી છે. અંદાજે 8 થી 15 લાખ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે.

કુદરતી જળસ્રોત ઉપલબ્ધ ન હોવાથી પર્યાપ્ત બોર કરાવવામાં આવ્યા છે. 51 જગ્યાએ 5000 લિટર ક્ષમતાના ટેન્ક મૂકવામાં આવ્યા છે, જ્યાંથી નળ દ્વારા પાણી મળશે. નળપાણી અને માળવેલા બંને ઘોડી પર પાણી પહોંચાડવામાં આવ્યું છે. માળવેલા ઘોડી સુધી આ વર્ષે પહેલી વાર પાણી પહોંચ્યું છે. સમગ્ર રૂટ પર પૂરતી રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓટો રિક્ષા માટે પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ભવનાથ દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ઓટો 24 કલાક ઉપલબ્ધ રહેશે.

ફોરવ્હીલ વાહનો પર પ્રતિબંધ

ફોરવ્હીલ વાહનો પર પ્રતિબંધ છે. માત્ર આશ્રમવાળા, સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી સેવાઓને પાસ આપવામાં આવશે. ટુવ્હીલ વાહનનો પર સામાન્ય સમયે પ્રતિબંધ નથી પરંતુ સાંજે 6થી 11 વાગ્યા સુધીના પીક અવર્સમાં પ્રતિબંધ રહેશે. આશ્રમવાળા, સ્થાનિકો, ઇમરજન્સી સ્ટાફને અલગ પાસ આપવામાં આવશે જેથી તેઓ કોઈપણ સમયે જઈ શકે.

પરિક્રમા રૂટ પર 7 હેલ્થ યુનિટ્સ

પરિક્રમા રૂટ પર સાત હેલ્થ યુનિટ્સ તહેનાત રહેશે જ્યાં 24 કલાક પેરામેડિક અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે. તેમજ પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે એસડીઆરએફની બે યુનિટ્સ સહિત 2500નો સ્ટાફ તહેનાત રહેશે. પોલીસ અને વન વિભાગની આશરે 70 યુનિટ્સ અલગ-અલગ સ્થાને રહેશે.

15 ડિવિઝનના 350 અધિકારી-કર્મચારીઓની ફોજ ખડેપગે રહેશે

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, વન્યપ્રાણીઓના સંરક્ષણ અને જંગલ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પરિક્રમા રૂટ પર રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વિવિધ કામગીરી માટે રાજ્યના અન્ય 14 ડિવિઝનમાંથી કુલ 350 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.

ગિરનારની લીલી પરિક્રમા માટે વન વિભાગ સજ્જ

વન વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, પરિક્રમાની સમગ્ર વ્યવસ્થા સંભાળવા માટે જૂનાગઢ વન વિભાગના કુલ 88 અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, બહારના અન્ય 14 ડિવિઝન અને વર્તુળ કચેરીઓમાંથી 262 જેટલા સ્ટાફને જૂનાગઢ ખાતે ફરજ પર બોલાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બહારના ડિવિઝનમાંથી ફાળવવામાં આવેલા સ્ટાફમાં સૌથી વધુ 92 ફોરેસ્ટ ગાર્ડ એકલા કાકરાપાર વિભાગમાંથી ફાળવવામાં આવ્યા છે.

નિર્ધારિત સમયે જ પરિક્રમામાં એન્ટ્રી મળશે

કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે, નિર્ધારિત સમય પહેલાં એન્ટ્રી મળશે નહીં. નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી આવવાનું ટાળવું. પીવાનું પાણી વિવેકપૂર્વક વાપરવું. ગિરનાર અભ્યારણ્યમાં સિંહ અને દીપડા છે. રૂટ પર પોલીસ-વન ટીમો અને ઇમરજન્સી માટે પાંજરાની વ્યવસ્થા છે. રૂટ પર શાંતિથી ચાલવું, આસપાસના વિસ્તારમાં ન જવું અને કોઈ સિંહ દેખાય તો તેને ઉશ્કેરવો નહીં, તાત્કાલિક સપોર્ટ સ્ટાફને જાણ કરવી.

જૂનાગઢ ST ડેપોથી ભવનાથ પહોંચવા 450 એક્સ્ટ્રા મીની બસની વ્યવસ્થા

ગિરનાર લીલી પરિક્રમાને લઈને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ST ડેપોથી લઈને ભવનાથ સુધી પહોંચાડવા માટે ST વિભાગે 450 જેટલી એક્સ્ટ્રા મીની બસનું આયોજન કર્યું છે. જેનો લાભ લેવા પ્રવાસીઓ GSRTCની સત્તાવાર વેબસાઈટ અથવા એપના માધ્યમથી ઓનલાઇન બુકિંગથી લઈને ડિજિટલ પેમેન્ટ કરી શકશે. જેમાં જૂનાગઢ ST ડેપોથી બાળકો માટે 15 અને ઉંમરલાયક પ્રવાસીઓ માટે 30ની ટિકિટ નિર્ધારિત કરાઈ છે. તેમજ ભવનાથ કે જૂનાગઢ બસ સ્ટોપથી રાજ્યના અન્ય શહેરોમાં જવા 230 જેટલી બસની સુવિધા કરવામાં આવી છે.

પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ

ગિરનાર અભ્યારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચેકિંગ માટે અલગ સ્ક્વોડ્સ તહેનાત છે. પ્લાસ્ટિક મળશે તો વન કાયદા મુજબ ભારે દંડ થશે. યાત્રિકોને જણાવાયું છે કે, પાણીના સ્થાનો આસપાસ વનપ્રાણી આવી શકે તેમ છે તેથી રૂટ છોડીને પાણીવાળા વિસ્તારમાં પ્રવેશ ન કરવો, તેમજ મગરનું જોખમ પણ છે. આ વર્ષે સૂકા પાંદડાને કારણે આગનું જોખમ વધુ છે. તેથી વધારાના મેનપાવર અને ફાયર બ્લોવર્સ તહેનાત કર્યા છે. સિગારેટ, બીડી કે કોઈપણ આગ પેદા કરતી વસ્તુઓનો ઉપયોગ ન કરવો. જો રસોઈ માટે આગ સળગાવી હોય તો તેને સંપૂર્ણપણે બુઝાવીને જ આગળ વધવું.