Gujarat

વંથલી નજીક ઓઝત નદીમાં ડૂબી જવાથી પિતરાઈ ભાઈ-બહેનના મોત

By GS Team
20 Apr 20201 min read
This article was originally published on 20 Apr 2020
વંથલી નજીક ઓઝત નદીમાં ડૂબી જવાથી પિતરાઈ ભાઈ-બહેનના મોત

જૂનાગઢ, તા. 20 એપ્રિલ, 2020, સોમવાર

વંથલી નજીક ઓઝત નદીમાં આજે બપોર બાદ પિતરાઈ ભાઈ-બહેન ઊંડા પાણીમાં ગરક થઈ જતાં બંનેનું ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ઓઝત નદીમાં  અકસ્માતે બાળકીનો પગ લપસ્યા બાદ તેણી ઉંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. તેને બચાવવા તેના પિત્રાઈ ભાઈએ પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ કમનશીબે બંનેના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતાં. આ ઘટના બાદ પરિવારજનોમાં ઉંડા શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ વંથલીમાં રહેતો અતીક ઈકબાલ સોઢા (ઉ.વ.૧૯) તથા જૂનાગઢ રહેતી તેની માસીની પુત્રી આરઝુ સબીરભાઈ પડાયા (ઉ.વ.૭) આજે ઓઝત નદીના કાંઠે આવેલી વાડીએ ગયા હતા. જ્યાં નદી કાંઠા પરથી પસાર થતી વખતે સાત વર્ષની આરઝૂનો પગ લપસતા તેણી નદીમાં ખાબકી હતી અને ઊંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. તેને બચાવવા અતીક સોઢાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ તે પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.

બંને પાણીમાં ડૂબતા હોવાનું જણાતા આસપાસમાં રહેલા લોકોએ ત્યાં પહોંચી બંનેની શોધખોળ કરી હતી. પરંતુ પાણીમાંથી પિતરાઈ ભાઈ-બહેનના મૃતદેહ જ મળી આવ્યા હતા. જેને વંથલી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.માં ખસેડાયા હતા.

ડૂબી જવાથી માસીયાઈ ભાઈ-બહેનના મોત થયાની ઘટનાથી વંથલીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે જાણ થતા વંથલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.