નોબેલ આયુર્વેદ કોલેજના ફેકલ્ટી અને ટ્રસ્ટીનાં ઘરે સર્ચ કરવાની તજવીજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : લાંચ ઓફર કરવાના કેસમાં જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજના ટ્રસ્ટી અને ફેકલ્ટીની દિલ્હી ખાતે ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે સીબીઆઈની ટીમ જૂનાગઢ આવી છે. આ ટીમ દ્વારા બંનેના ઘર પર સર્ચ કરવામાં આવશે તેમજ લાંચ પેટે જે દસ લાખ આંગડિયામાં મોકલવામાં આવ્યા હતા તે કોણે અને કોના કહેવાથી મોકલ્યા હતા એ તપાસ કરાશે.
ભેંસાણ રોડ પર આવેલી નોબલ આયુર્વેદ કોલેજમાં શિક્ષકો ન હોવા છતાં રેકોર્ડ પર ૧૩ શિક્ષકો દર્શાવવામાં આવ્યા હતા. અગાઉ થયેલા ઇન્સપેકશનમાં આ કોલેજમાં શિક્ષકો હોવાનો રિપોર્ટ થયો હતો પરંતુ આ અંગે એનસીઆઈએસએમને શંકા જતા લખનૌ પ્રબુધ્ધ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રૂપાલી મહાડીકને ૧૩ શિક્ષકોની ચકાસણી કરવા નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગત તા.૧૮ના નોબલ કોલેજના ફેકલ્ટી ડો. અભય નલાવડેએ ડો. રૂપાલી મહાડીકને વોટ્સએપ કોલ કરી કોલેજના ભૂતિયા શિક્ષકો વિશે હકારાત્મક અભિપ્રાય આપવા બદલ ૧૦ લાખની લાંચ ઓફર કરી હતી. ડો. રૂપાલી મહાડીકે આ બાબતે મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડીસીનને આ અંગે જાણ કરી હતી, તેઓએ પુરાવા એકત્ર કરવા કહ્યું હતું. બાદમાં નોબલ આયુર્વેદ કોલેજના ફેકલ્ટી ડો. અભય નલાવડે અને ટ્રસ્ટી પ્રતીક મોરીએ ડો. રૂપાલી મહાડીકને લાંચની ઓફર કર્યાના પુરાવા એકત્ર કરાયા હતા, જે કોલ રેકોર્ડ અને અન્ય પુરાવા અંગે ડો. રૂપાલી મહાડીકે દિલ્હી સીબીઆઈની એસીબી વિંગને જાણ કરી હતી, જ્યાં સીબીઆઈની એસીબી વિંગે છટકું ગોઠવી નોબલ આયુર્વેદ કોલેજના ફેકલ્ટી ડો. અભય નલાવડે અને ટ્રસ્ટી પ્રતીક મોરીને લાંચ આપતા પકડી લીધા હતા અને બંને સામે ગુનો દાખલ કર્યો હતો.
આ કેસની તપાસ માટે આજે સીબીઆઈની ત્રણ સભ્યની ટીમ જૂનાગઢ આવી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, આ ટીમ બંને આરોપીના ઘરે સર્ચ કરશે તેમજ આંગડિયા મારફત દસ લાખ મોકલવામાં આવ્યા તે કોણે અને કોના કહેવાથી મોકલ્યા એ સહિતની બાબતોની તપાસ કરશે. સીબીઆઈની એસીબી વિંગની તપાસનો રેલો હજુ અન્ય સુધી આવવાની સંભાવનાના પગલે ફફડાટ ફેલાયો છે.
- સીબીઆઈ દ્વારા ફેકલ્ટી અને ટ્રસ્ટીના મોબાઈલ ચેટ અને કોલ ડિટેઇલ મેળવાઈ
લાંચ ઓફર કરતા પકડાયેલા નોબલ આયુર્વેદ કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને ફેકલ્ટી ડો. અભય નલાવડેના ફોન કબ્જે કરવામાં આવ્યા હતા, જેમાં વોટ્સએપ ચેટ અને કોલ અંગેની ડિટેઇલ પણ મળી છે. આ બાબત પરથી હજુ કંઈકના તપેલાં ચડી જાય એમ છે ત્યારે આગામી દિવસોમાં સીબીઆઇની એસીબી વિંગ દ્વારા શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.




