Junagadh

સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું દેશભરમાં વેચાણ, વાવેતરમાં ગીર સોમનાથ નંબર 1 જિલ્લો

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 28,000 હેક્ટર જમીનમાં નાળિયેરીનું વાવેતર થાય છે, જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો મોટો ફાળો છે. સરકારના પ્રોત્સાહનને કારણે વાવેતરમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું વેચાણ થાય છે, જેમાં ગીર સોમનાથનો હિસ્સો સૌથી વધુ છે. ખેડૂતોને કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને ખેતીવાડી વિભાગ દ્વારા પ્રોત્સાહન મળે છે, જેનાથી B.T. નાળિયેરીના વાવેતરને વેગ મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું દેશભરમાં વેચાણ, વાવેતરમાં ગીર સોમનાથ નંબર 1 જિલ્લો

Saurashtra Coconut Farming: ગુજરાતના 1600 કિલોમીટર સાગરકાંઠા વિસ્તારમાં 45.61 લાખ હેક્ટરમાં ખેતીવાડી થાય છે. એમાંથી 28000 હેક્ટર જમીનમાં નાળિયેરીનું વાવેતર થાય છે. આ જમીનમાંથી એકલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો બંનેનો મળીને કુલ હિસ્સો 17500 હેક્ટર થવા જાય છે. એક હેક્ટર જમીનમાં કુલ 177 નાળિયેરી વાવેતરનો સમાવેશ થાય છે. જેમાં આશરે સરેરાશ 13000 નાળિયેરનું ઉત્પાદન આવે છે. આ રોકડિયા પાકને હાલ સરકારે નાળિયેરીની બીટી જાતને વેગ આપવા માટે સારા પ્રોત્સાહન આપવાનું ચાલુ કરતા જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે 130થી 200 હેક્ટરમાં વાવેતરનો વધારો થતો જાય છે. આવો જ વધારો ગીર સોમનાથ જિલ્લામાં જ થાય છે.

સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું દેશભરમાં વેચાણ

જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે સાત કરોડ નાળિયેર વેચાય છે. સૌથી મોટો હિસ્સો ગીર સોમનાથ જિલ્લાનો છે. સમગ્ર સૌરાષ્ટ્રનો વેચાણ હિસ્સો અંદાજે 17 કરોડ નાળિયેરનો છે. જૂનાગઢ જિલ્લામાં નાળિયેરીનું વાવેતર 6770 હેક્ટરથી વધુ છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં હાલ 11000 હેક્ટર જમીનમાં નાળિયેરીના વાવેતર થયા છે. એમાં એકલા વેરાવળ પંથકમાં જ 6500 હેક્ટર જમીનમાં વાવેતર છે. બાગાયતવિભાગ ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે એક હજાર હેક્ટરમાં વાવેતર વધારવા સક્રિય છે.

ગુજરાતમાં દર વર્ષે અંદાજે 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. એમાંથી એકલા ગીર સોમનાથ, સોરઠમાં 17.42 કરોડ રૂપિયા નાળિયેર રાજ્ય અને આંતરરાજયમાં જાય છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 6.97 કરોડ રૂપિયાનું ઉત્પાદન થાય છે. ખેતીવાડી અધિકારી વિશાલ હદવાણીના જણાવ્યા મુજબ ખેડૂતોમાં લોટણ, દેશી, ટીડી, હાઈબ્રિડ ડીટી, ફોસનોબા, બોના જેવી નાળિયેરીના પણ વાવેતર થાય છે.

કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને ખેતીવાડી વિભાગ ખેડૂતોને ઈન્સેટિવ આપે છે

સોરઠના બે જિલ્લાઓ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા અને દરિયાઈ વિસ્તારો, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવેતર થાય છે. સરકારે નાળિયેરના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે વાવેતર ઈન્સેટિવ્સ આપવાનું પણ ચાલુ કર્યું છે. અગાઉ એક હેક્ટરે 11700 રૂપિયાનું પ્રોત્સાહન મળતું હતું. હવે રાજ્યસરકારે ચાર હેક્ટર સુધી આવુ પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું છે. એમાં પ્રતિ હેક્ટર 37500 રૂપિયા લેખે કુલ મળીને 1.50 લાખ રૂપિયા અપાય છે. જ્યારે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ બે હેક્ટર સુધીની મર્યાદામાં પ્રતિ હેક્ટર 16 હજાર લેખે 32 હજાર રૂપિયા અપાય છે. જો કે ખેડૂત બેમાંથી એક જ વળતર પસંદ કરી શકે છે. આ યોજના બીટી નાળિયેરી માટે છે.

ચોરવાડ, કુકસવાડા, માંગરોળ, મહુવા જૂનાગઢ, ગડુથી આંતરરાજ્ય વેપાર

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ભલે વેચાણ વ્યવસ્થા અલગ ન હોય પણ ખેડૂતોએ સ્વતંત્ર વેચાણ વ્યવસ્થા ઉભી કરી લીધી છે. માંગરોળમાં વાડીઓમાંથી જ સીધું વેચાણ થાય છે અને ટ્રકો ભરાઈને છેક મુંબઈ સુધી પહોંચી જાય છે. તો ચોરવાડ પાસેના કુકસવાડા તથા ગડુમા લીલા નાળિયેરોનો મોટો કારોબાર થાય છે. અન્ય રાજ્યોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતો હોવાથી સાઉથના લીલા નાળિયેર ખરીદવા પોષાતા નથી. આથી સૌરાષ્ટ્રના લીલા નાળિયેરના વાર્ષિક વેચાણનો આંકડો કરોડોએ આંબી જાય છે. એમાં યે ગડુથી ચોરવાડ જતાં કાણેક સુધી એ પછી ચોરવાડથી માંગરોળ જતા અને કેશોદ તરફથી માંગરોળ જતા વખતે માનબારાથી માંગરોળ સુધીના વિસ્તારમાં કોઈ જાય તો એને દ. ભારતમાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે આવી જ રીતે માધવપુરથી પોરબંદરના પટ્ટામાં પણ અનેક જગ્યાએ મનમોહક નાળિયેરીઓ મન મોહી લે છે. જૂનાગઢ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નાળિયેરની નિકાસ થાય છે.