પત્નીએ પ્રેમી સાથે ષડયંત્ર રચી પતિની હત્યા માટે એક મહિનો તૈયારી કરી'તી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર: જામનગરમાં ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રીનો ગઈકાલે પર્દાફાશ થયો હતો. જેમાં ગૃહસ્થ જીજ્ઞોશ માવદીયાનો કાંટો કાઢી નાખવા માટે તેની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિએ પોતાના પ્રેમી નિલેશ કછેટીયા સાથે મળીને કાવતરું રચી એક મહિનો તૈયારી કરી હોવાનું ખુલ્યું છે. ભાડે કારખાનું રાખીને હત્યા કર્યા બાદ લાશને ત્યાં ૧૫ ફૂટ ઊંડે દાટી દેવામાં આવી હતી. પતિ કામકાજ કરવા ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું બે વર્ષ સુધી રટણ કર્યે રાખી પત્નીએ બધાને ગેરમાર્ગે દોર્યા હતા. દટાયેલા મૃતદેહનાં અવશેષો કબજે લઈને પોલીસે પત્ની, પ્રેમી અને પ્રેમીના મિત્ર બલવીર દેવીરામ વર્માની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું કે, ચકચારી હત્યાની ઘટના ૩૧ મે, ૨૦૨૪ની રાત્રે ૧૨ વાગ્યા પહેલાં બની હતી. મુખ્ય સૂત્રધાર એવા નિલેશે તેના એક મહિના પહેલાંથી જ હત્યાનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. એ માટે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં શિવમ પાર્ક-૬ પાસે આવેલું મહાકાળી ફોર્જિન નામનું કારખાનું ભાડે રાખ્યું હતું. ત્યાં મશીનરી ફિટ કરવાની હોવાનું બહાનું ધરીને મૃતદેહનો નિકાલ કરવા માટે ૧૫ ફૂટ જેટલો ઊંડો ખાડો તૈયાર કરાવી લીધો હતો. સમાંતરે, પ્રેમિકાના પતિ જીજ્ઞોશ સાથે મિત્રતા પણ કેળવી લીધી અને રાત્રે તેને દારૂની પાર્ટીના બહાને બોલાવ્યો હતો. ત્યાં ભૂમી, તેના પ્રેમી નિલેશ કછેટીયા અને નિલેશના મિત્ર બલવીર દેવીરામ વર્માએ દારૂ સાથે સાઇનાઇડ ભેળવી હત્યા કરી નાખી હતી. બાદમાં ત્યાં ખાડામાં મૃતદેહ નાખીને સિમેન્ટથી ચણતર કરાવી નાખ્યું હતું.
બીજી તરફ, લાંબા સમય સુધી જીજ્ઞોશનો સંપર્ક નહીં થવાથી પરિવારની શંકા વધુ ગાઢ બનતા પોલીસને જાણ કરવાની ચીમકી આપતા આખરે પુત્રવધૂ ભૂમી અને તેના પ્રેમી નિલેશે ગત તા.૨૪ જુલાઈના રોજ પોતે જ બે વર્ષ પહેલાં હત્યા કરી લાશની વિધિ કરી નાખ્યાની ચોંકાવનારી કબૂલાત આપતા અંતે પોલીસ સુધી વાત પહોંચી હતી, જેના પગલે ગઈકાલે પોલીસે વિધિવત ફરિયાદ નોંધીને આરોપી પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમી, નિલેશ મનસુખ કછટીયા અને બલવીર દેવીરામ વર્માની ધરપકડ કરી લીધી હતી.
આ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને તેમની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખીને દરેડ જીઆઈડીસી સ્થિત તે કારખાનાના શેડમાં વીડિયો શૂટિંગ વચ્ચે સઘન ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન જમીનમાંથી માનવ કંકાલ, કપડાં તેમજ અન્ય અવશેષો મળી આવ્યા હતા. જે મૃતક જીજ્ઞોશના જ હોવાના વૈજ્ઞાાનિક પુરાવા મેળવવા પોસ્ટમોર્ટમ તથા ડીએનએ પરીક્ષણ માટે જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.
- 'ધંધો ચાલતો નથી' કહીને કારખાનું ખાલી કરી દીધું'તું
ઘાતકી હત્યાનાં ષડયંત્રને અંજામ આપ્યા બાદ ધંધો ચાલતો નથી કહીને એક મહિનાનું ભાડું ચૂકવી થોડા જ દિવસોમાં કારખાનું ખાલી કરી દીધું હતું. જેથી અજાણ માલિકે થોડા સમય બાદ અન્ય વ્યક્તિને શેડ ભાડે આપી દેતા જ્યાં લાશ દાટી હતી એ જ જગ્યાએ મશીન ફીટ કરીને કારખાનું પણ ચાલુ કરી દેવાયું હતું. અંતે ગઈકાલે પોલીસે એ મશીનો હટાવીને ૧૫ ફૂટ ખોદકામ કરી અવશેષો બહાર કાઢ્યા હતા. - મૃતક જીજ્ઞોશે છ વર્ષ પહેલાં ભૂમિ સાથે પ્રેમલગ્ન કર્યા'તા
મૃતકના ભાઈ અશોક ધરમશીભાઈ માવદીયાની પોલીસ ફરિયાદ મુજબ, જીજ્ઞોશે છ-સાત વર્ષ પહેલા પૃથ્વી ઉર્ફે ભૂમી કંસારા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં છ અને દોઢ વર્ષની બે પુત્રીઓ છે. લગ્ન બાદ તેઓ પ્રથમ દ્વારકા, બાદ રાણાવાવ અને ત્રણ વર્ષથી ફરી જામનગર રહેવા આવી ગયા હતા. - ખાડામાં લાશ નાખી સિમેન્ટના બે પાકાં પ્લાસ્ટર નાખ્યા'તા
ચાલાકીપૂર્વક હત્યા બાદ મૃતદેહને અગાઉથી તૈયાર કરાયેલા ૧૫ ફૂટ ઊંડા ખાડામાં નાખી તેના પર માટી નાખીને સિમેન્ટનું પાકું પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ફરીથી માટી ભરીને વધુ એક વખત સિમેન્ટનો થર ચડાવવામાં આવ્યો હતો, જેથી તે સામાન્ય જમીન જેવું જ દેખાવા લાગ્યું હતું. - જીજ્ઞોશની વાત કઢાવવા પરિવારજનોએ અનેક તરકીબ અજમાવી'તી
મૃતક જીજ્ઞોશ ત્રણેક વર્ષ પહેલા રાણાવાવથી જામનગર રહેવા આવ્યા બાદ પરિવારજનો સાથે રૂબરૂ અને મોબાઈલ ફોનથી સતત સંપર્કમાં હતો પણ પછી અચાનક જ ગાયબ થઈ જતાં પત્ની ભૂમીને વારંવાર પુછતા હતા તો એ ઓસ્ટ્રેલીયા કામકાજ કરવા ગયો હોવાનાં બહાના ચાલુ રાખ્યા હતા. પહેલા 'ત્યાં ફોનમાં વાત કરવાની મનાઈ છે' અને પછી 'તમારી કોઈ સાથે વાત કરવા માંગતો નથી..' તેવા બહાના કાઢ્યા હતા. પિતરાઈ ભાઈએ તો 'હું ઓસ્ટ્રેલીયા જાવ છું, જીજ્ઞોશને ત્યાં મળીશ, નંબર-સરનામું આપો..' એવું પણ બહાનું કાઢ્યું છતાં પત્ની ભૂમીએ આનાકાની કરતા આખરે પોલીસને જાણ કરવાની ધમકી આપતા બધું કબુલ્યું હતું.




