Jamnagar

જામનગરમાં પાણીની સ્થિતિ સંતોષકારક : જુલાઈ સુધીની ચિંતા ટળી, 31 ડિસેમ્બર સુધી નર્મદાનું પાણી મળતું રહેશે તો પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે

By GS Team
21 Nov 20263 mins read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને નિયમિત પાણી પૂરું પાડવા નર્મદાના નીર પર આધાર રાખવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પ્રતિદિન 10 MCFY નર્મદાનું પાણી ફાળવી રહી છે, જેનાથી 31 ડિસેમ્બર સુધી એકાંતરા પાણી વિતરણ થઈ શકે તેમ છે. જો આ પ્રવાહ જળવાઈ રહેશે તો જુલાઈ 2024 સુધી પાણીની કોઈ સમસ્યા નહીં થાય. નવી વસાહતોમાં રોજના 90 ટેન્કરના ફેરાથી પાણી પહોંચાડવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાણીની સ્થિતિ સંતોષકારક : જુલાઈ સુધીની ચિંતા ટળી, 31 ડિસેમ્બર સુધી નર્મદાનું પાણી મળતું રહેશે તો પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે

Jamnagar News : જામનગર શહેરના નગરજનોને નિયમિત અને પૂરતું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પાણીનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે. હાલ શહેરની પાણીની જરૂરિયાતનો મુખ્ય આધાર નર્મદાના નીર પર છે. શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર, ઉંડ-1, ઉંડ-2 સહિતના જળાશયો અને સસોઈ ડેમમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જોકે હવે આગામી સમયની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદાના પાણી પર આધાર રાખવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રતિદિન 10 એમસીએફટી નર્મદાનું પાણી જામનગર માટે ફાળવવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન નર્મદાના પાણીનો પ્રવાહ બંધ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ ગત 15મી તારીખથી ફરી પ્રતિદિન 10 એમસીએફટી પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હાલની સ્થિતિએ જામનગર શહેરને એકાંતરા પાણી વિતરણ કરવા માટે 31 ડિસેમ્બર સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જો 31 ડિસેમ્બર સુધી પ્રતિદિન 10 એમસીએફટી નર્મદાનું પાણી સતત મળતું રહે તો શહેરને એકાંતરા પાણી વિતરણ કરવા માટે આગામી જુલાઈ મહિના સુધીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ શકે છે. પરિણામે હાલની સ્થિતિએ શહેરમાં પાણીની કોઈ મોટી સમસ્યા સર્જાવાની શક્યતા નથી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડીયા તેમજ ડી.એમ.સી.,એ.એમ.સી. અને વોટર વર્કર વિભાગની સમગ્ર ટીમ દ્વારા પાણી વિતરણ સંબંધે ચિંતા કરવામાં આવી રહી છે, અને મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ પણ પાણી બાબતે અંગત રસ દાખવી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ શાખાના મુખ્ય અધિકારી નરેશ પટેલના જણાવ્યા અનુસાર, શહેરમાં હાલ પ્રતિદિન 150થી 155 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. નગરજનોને એકાંતરા પાણી આપવામાં આવે છે અને દરેક વખતે આશરે 45 મિનિટ સુધી પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ પાણીની અછત કે વિતરણ અંગે કોઈ મોટી ફરિયાદ નથી.
શહેરના જુદા જુદા પમ્પહાઉસ અને ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા પણ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. ફિલ્ટર થયેલું શુદ્ધ પાણી નગરજનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલ પ્રદૂષિત પાણી અંગે પણ કોઈ નોંધપાત્ર ફરિયાદો મળી નથી.
આમ, નર્મદાના પાણીની નિયમિત આવક અને જળાશયોમાં ઉપલબ્ધ જથ્થાના આધારે જામનગર મહાનગરપાલિકાએ આગામી ઉનાળાની પાણીની જરૂરિયાતનું આયોજન હાથ ધર્યું છે. જો સરકાર તરફથી નર્મદાના પાણીનો પ્રવાહ નિર્ધારિત જથ્થા પ્રમાણે 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તો આગામી જુલાઈ સુધી શહેરમાં એકાંતરા પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં મુશ્કેલી નહીં પડે.
શહેરની નવી વસાહતોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા : પ્રતિદિન 90 ફેરા
જામનગર શહેરની હદમાં સમાવિષ્ટ થયેલી કેટલીક નવી વસાહતો અને સોસાયટીઓમાં હજુ સુધી પાણીની વિતરણ લાઇનનું નેટવર્ક પહોંચ્યું નથી. આવા વિસ્તારોના રહેવાસીઓને પાણીની મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને પ્રતિદિન ૯૦ પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવે છે.
આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા ચાર ઇજનેરોની ટીમ બનાવવામાં આવી છે, જે દરરોજ પાણીનાં ટેન્કરના ફેરાનું સંચાલન કરે છે. શહેરના પમ્પહાઉસ, ફિલ્ટરેશન પ્લાન્ટ ઉપરાંત દિગ્જામ સર્કલ અને રાધિકા પમ્પહાઉસ ખાતેથી ટેન્કરોમાં પાણી ભરીને જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે.
ખાસ કરીને ન્યૂ જામનગરની સોસાયટીઓ, નાઘેડી વિસ્તારની આસપાસની નવી વસાહતો, લાલપુર બાયપાસ ચોકડી નજીકની સોસાયટીઓ તથા ઠેબા ચોકડી નજીકના નવા વિકસેલા વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારોમાં શહેરનો વિકાસ અને નવી સોસાયટીઓનું નિર્માણ ઝડપથી થયું છે, પરંતુ હજુ સુધી પાણીની પાઇપલાઇનનું નેટવર્ક સંપૂર્ણ રીતે પહોંચ્યું નથી. પરિણામે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ટેન્કર મારફતે એકાંતરા પાણી પહોંચાડવામાં આવે છે. ચાર ઇજનેરોની દેખરેખ હેઠળ 90 ટેન્કરના ફેરા અને પાણી વિતરણનું આયોજન કરવામાં આવતું હોવાથી નગરસીમામાં આવેલા આ નવા વિસ્તારોના રહેવાસીઓને પણ પાણી મળી રહે તેવી વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.