- સ્થાનિક વોર્ડ નંબર બે અને ચાર ના કોર્પોરેટરો ની આગેવાનીમાં સ્થાનિક રહેવાસીઓનું મહા પાલિકાની કચેરી માં હલ્લાબોલ
- 'કંપની ભગાવો, પ્રદુષણ અટકાવો'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાતાં મહાપાલિકાની કચેરી ના ગેટ બંધ કરાયા
જામનગર, તા. 03 જાન્યુઆરી
જામનગરના ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ને લઈને સ્થાનિક રહેવાસીઓ આજે વિફર્યા હતા, અને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો ની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, અને 'કંપની ભગાવો, પ્રદૂષણ અટકાવો' ના નારા સાથે હલ્લાબોલ કરતાં મહાનગરપાલિકાની કચેરી ના ગેટ બંધ કરવા પડયા હતા. સ્થાનિક કોર્પોરેટરોએ કમિશનરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી કરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વોર્ડ નંબર બે ના છેવાડાના વિસ્તારો તેમજ વોર્ડ નંબર ચાર ના પાછળના ભાગમાં કચરાના નિકાલ માટેના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નો પ્રારંભ કરાયો છે, જે કંપની દ્વારા મશીનરી લગાવવામાં આવી છે. તેનાથી ભારે ઘોંઘાટ થઈ રહ્યો છે. એટલું જ માત્ર નહીં પણ સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાયું છે. અને સાથે સાથે પ્લાન્ટમાંથી રાખ ઉડીને આસપાસના ઘરોમાં ફેલાઈ રહી છે. જેથી સ્થાનિક નાગરિકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

આ મામલે મહાનગરપાલિકાના તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી, અને ખુદ સત્તાધીશ ભાજપના કોર્પોરેટરો દ્વારા આ મુદ્દે જલદ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉપરાંત તાજેતરમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય એક કાર્યક્રમમાં વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની આગેવાનીમાં મહિલાઓના ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેના અનુસંધાને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા પણ સ્થળ પર નિરીક્ષણ કરાયું હતું, અને ઘોંઘાટ તેમજ પ્રદૂષણ થઈ રહ્યું છે, તેનો જાતે અહેસાસ કર્યો હતો.
પરંતુ સ્થાનિક રહેવાસીઓની માંગણી નહીં સંતોષાતા આખરે આજે વોર્ડ નંબર બે તથા વોર્ડ નંબર 4 ના ભાજપના 6 અને કોંગ્રેસના એક સહિતના તમામ કોર્પોરેટરો એ સામૂહિક રીતે મહાનગરપાલિકાની કચેરી માં હલ્લાબોલ કર્યું હતું.
મહાનગર પાલિકાનું પરિસર લોકોના ટોળા થી ઉભરાઈ ગયું હોવાથી સિક્યુરિટી નો વિભાગ હરકતમાં આવી ગયો હતો, અને આખરે મહાનગરપાલિકાની કચેરી ના મુખ્ય દ્વારને બંધ કરવાનો વારો આવ્યો હતો.

જે મુદ્દે વોર્ડ નંબર બે અને ચારના ના ભાજપના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, કેશુભાઈ માડમ, પૃથ્વીરાજ સિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, જડીબેન સરવૈયા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન રાવલ, પ્રજ્ઞાબા સોઢા ઉપરાંત વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વગેરેએ સામૂહિક રીતે એકત્ર થઇ ખાનગી કંપની નો વિરોધ કર્યો હતો, અને આ પ્લાન્ટને અન્યત્ર ખસેડવાની માગણી સાથે તેમજ 'કંપની હટાવો, પ્રદૂષણ ભગાવો' નારા સાથે કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેને લઇને જામનગર મહાનગરપાલિકાના તંત્રમાં આજે ભારે દોડધામ થઇ હતી.


